નેશનલ

ગગનયાન માટેનું પરીક્ષણ સફળ

શ્રીહરિકોટા: ઈસરોએ પ્રારંભિક અડચણોને દૂર કરીને શનિવારે દેશના મહત્ત્વાકાંક્ષી માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ “ગગનયાન સાથે સંબંધિત પેલોડ સાથેનું પરીક્ષણ વાહન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. વૈજ્ઞાનિકોએ ક્રૂ એસ્કેપ સિસ્ટમ (સીઈએસ) માટે ક્રૂ મોડ્યુલને પરીક્ષણ વાહન, ટીવી-ડી૧માંથી બહાર લઈ જવા માટે એક એબોર્ટ પરીક્ષણ કર્યું હતું. આયોજિત ચોકસાઈ સાથે એ ક્રૂ મોડ્યુલ જ્યારે બંગાળની ખાડીમાં પડ્યું ત્યારે મિશન નિયંત્રણ કેન્દ્ર પર હાજર ઈસરોના વૈજ્ઞાનિકોમાં આનંદનો માહોલ સર્જાયો હતો. ઇસરોએ જણાવ્યું હતું કે
નૌકાદળ તેને સમુદ્રમાંથી પુન:પ્રાપ્ત કરીને ચેન્નાઈ બંદર પર લઈ આવ્યું હતું. મિશન કંટ્રોલ સેન્ટર તરફથી ઇસરોના ચૅરમૅન એસ. સોમનાથે જણાવ્યું હતું કે ટીવી-ડી૧ મિશનની સફળ સિદ્ધિની જાહેરાત કરતાં મને ખૂબ આનંદ થાય છે. મિશનનો ઉદ્દેશ્ય પરીક્ષણ વાહન પ્રદર્શન દ્વારા ગગનયાન કાર્યક્રમ માટે ક્રૂ એસ્કેપ સિસ્ટમનું નિદર્શન કરવાનો હતો જેમાં વાહન એક માચ અને તેનાથી ઉપર ગયું હતું.

ગગનયાન કાર્યક્રમનો ઉદ્દેશ્ય ત્રણ દિવસ માટે પૃથ્વીની ૪૦૦ કિમીની નીચલી ભ્રમણકક્ષા પર માનવોને અવકાશમાં મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનો છે.
હવામાન સંબંધિત સમસ્યાઓના કારણે પ્રથમ સવારે આઠ થી ૮.૩૦ સુધી અને ફરી ૧૫ મિનિટ પછી પ્રક્ષેપણને ફરીથી શેડ્યૂલ કરવાની ફરજ પડી હતી, પરંતુ આખરે મિશન કોમ્પ્યુટર અને ગ્રાઉન્ડ સપોર્ટ કોમ્પ્યુટરે ૩૪.૯ મીટર ઊંચા ટીવી-ડી૧ને ટેકઓફ કરવાની મંજૂરી આપી હતી.

સોમનાથે કહ્યું કે આ ખાસ મિશનમાં ક્રૂની સુરક્ષા સૌથી મહત્ત્વપૂર્ણ છે. ટેસ્ટ વ્હીકલ મિશન એકંદર ગગનયાન કાર્યક્રમ માટે નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે કારણ કે લગભગ સંપૂર્ણ સિસ્ટમ ફ્લાઇટ ટેસ્ટ માટે સંકલિત કરવામાં આવી હતી.

પ્રક્ષેપણ પછી, મિશનના દરેક સફળ તબક્કાની જાહેરાતને વૈજ્ઞાનિકો દ્વારા હર્ષોલ્લાસ સાથે આવકારવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button