દિલ્હી હૅટ-ટ્રિક વિજયની તલાશમાં, ચેન્નઈ સતત ત્રીજી હારથી બચશે?
શનિવારે બપોરે 3.30 વાગ્યાથી મુકાબલોઃ ત્રણ સૌથી મોટી ઉંમરના ખેલાડીઓ આજે મેદાન પર

ચેન્નઈઃ અહીં ચેપૉક ખાતે એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આવતી કાલે (શનિવારે) એક તરફ અક્ષર પટેલના સુકાનમાં દિલ્હી કૅપિટલ્સ (DC)ની ટીમ સતત ત્રીજા વિજય માટે કમર કસશે, જ્યારે બીજી બાજુ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ કૅપ્ટન્સીના મામલે ગૂંચવણભરી સ્થિતિ વચ્ચે સતત ત્રીજી મૅચ પણ હારી ન જવાય એની ખાસ તકેદારી રાખશે.
દિલ્હીએ લખનઊને 24મી માર્ચે એક વિકેટથી અને 30મી માર્ચે હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું હતું. દિલ્હીની ટીમ પૉઇન્ટ્સ ટેબલમાં બીજા નંબરે છે. ચેન્નઈએ 23મી માર્ચે મુંબઈ સામેના ચાર વિકેટવાળા માર્જિનના વિજય બાદ બેંગલૂરુ સામે 50 રનથી અને રાજસ્થાન સામે છ રનથી હાર જોવી પડી હતી.
સીએસકેનો સુકાની ઋતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત હોવાથી ડીસી સામેની મૅચમાં નહીં રમે તો ધોની ફરી એકવાર સુકાન સંભાળતો જોવા મળશે, પરંતુ ટીમની લાઇન-અપમાં ફેરફાર જરૂર જોવા મળશે. આ મૅચમાં આ વખતની આઇપીએલ (IPL 2025)ના ત્રણ સૌથી મોટી ઉંમરના ખેલાડીઓ રમતા જોવા મળશેઃ ધોની (43 વર્ષ, ચેન્નઈ), ફાફ ડુ પ્લેસી (40 વર્ષ, દિલ્હી) અને આર. અશ્વિન (38 વર્ષ, ચેન્નઈ).
આપણ વાંચો : મુંબઈના ખેલાડીઓ લખનઊ સામેના મુકાબલા પહેલા અયોધ્યાના રામ મંદિરમાં આશીર્વાદ લેવા ગયા…
શનિવારે બીજી મૅચ કોની વચ્ચે?
પંજાબ કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રૉયલ્સ
મુલ્લાંપુર, સાંજે 7.30 વાગ્યાથી