નેશનલ

સુપ્રીમ કોર્ટે જમ્મુ મોકલવાનો ઇનકાર કરતાં યાસીન મલિક વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણીમાં ભાગ લેશે…

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તિહાર જેલમાં બંધ જેકેએલએફના વડા યાસીન મલિકને સુનાવણી માટે જમ્મુ કોર્ટમાં મોકલવાની મનાઇ ફરમાવી દીધી છે. કોર્ટે તેમને જેલમાંથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાક્ષીઓની પૂછપરછ કરવાની મંજૂરી આપી છે.

ન્યાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ ઉજ્જવલ ભુયાનની ખંડપીઠે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ ૩૦૩ અને ગેરકાયદે પ્રવૃતિઓ(નિવારણ) અધિનિયમ હેઠળ કેન્દ્રના ડિસેમ્બર ૨૦૨૪ના આદેશની નોંધ લીધી હતી. જેમાં એક વર્ષ માટે દિલ્હીથી મલિકની આવન-જાવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેથી ખંડપીઠે પ્રતિબંધાત્મક આદેશને ધ્યાને લઇને મલિકની શારીરિક હાજરીને અયોગ્ય ઠેરવી હતી.

આ આદેશ એ કેસમાં આવ્યો હતો, જેમાં સીબીઆઇએ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઇદની પુત્રી રુબૈયા સઇદના ૧૯૮૯ના અપહરણ કેસ અને ૧૯૯૦ના શ્રીનગર ગોળીબાર કેસની ટ્રાયલ જમ્મુથી નવી દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.

સીબીઆઇએ ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ જમ્મુની ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો હતો. જેમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા મલિકને અપહરણ કેસમાં ફરિયાદ પક્ષના સાક્ષીઓની ઉલટતપાસ કરવા માટે કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સીબીઆઇએ કહ્યું કે તે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે અને તેને તિહાર જેલ પરિસરમાંથી બહાર લઇ જવાની મંજૂરી આપી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે તિહાર જેલ અને જમ્મુમાં વીડિયો-કોન્ફરન્સિંગ સુવિધાઓની ઉપલબ્ધતા અંગે દિલ્હી હાઇ કોર્ટના રજિસ્ટ્રાર(આઇટી) અને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ હાઇ કોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા દાખલ કરાયેલા અહેવાલોને પણ ધ્યાનમાં લીધા હતા.

વડી અદાલતે જણાવ્યું કે બીએનએસએસની કલમ ૫૩૦ જણાવે છે કે સમન્સ અને વોરંટ જારી કરવા, સેવા આપવા અને અમલ સહિત પરીક્ષણ, પૂછપરછ અને કાર્યવાહી ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર અથવા ઓડિયો-વીડિયો માધ્યમોનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક મોડમાં હાથ ધરવામાં આવી શકે છે.

આપણ વાંચો : ‘યાસીન મલિકનો મુદ્દો સંસદમાં ઉઠાવો…’ યાસીનની પત્નીએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button