લેબોરેટરીમાં દાઝીને બેનાં મૃત્યુના મામલે બેદરકારીનો કેસ નોંધાયો
મુંબઈ: વરલીની સાસમીરા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈન એન્ડ ટેક્સ્ટાઈલની કૉલેજ લેબોરેટરીમાં બે મહિલા કર્મચારીઓ દાઝીને મૃત્યુ પામી હતી. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં બનેલી આ ઘટના બાદ વરલી પોલીસે ગુરુવારે લેબોરેટરીના ઈન્ચાર્જ મહિલા વિરુદ્ધ બેદરકારીનો કેસ નોંધ્યો હતો. કૉલેજની લેબોરેટરીમાં ગ્લિસરીન ડાઈંગ મશીનમાંથી ગરમ ગ્લિસરીન બહાર કાઢવામાં આવી હતી. જેના કારણે શ્રદ્ધા શિંદે (૨૭) અને પ્રતિક્ષા ઘુમે (૨૨) બંને ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટના ૧૬ નવેમ્બર, ૨૦૨૨ના રોજ બની હતી.
આ ઘટના બાદ ઘાયલોને સારવાર માટે ઐરોલીની બર્ન હૉસ્પિટલના સઘન સંભાળ એકમમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન બંનેના મોત થતાં ગુરુવારે લેબોરેટરી ઈન્ચાર્જ લીના મ્હાત્રે સામે બેદરકારીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સલામતીના સાધનો ઉપલબ્ધ હોવા છતાં સ્ટાફ પહેર્યા વિના લેબોરેટરીમાં ગયો હતો. મ્હાત્રે ઈન્ચાર્જ તરીકે સુરક્ષા નિરીક્ષણ માટે જવાબદાર હતા. આ મામલે પોલીસે આપમેળે ગુનો નોંધ્યો છે.