
નવી દિલ્હીઃ મ્યાનમાર અને થાઈલેન્ડ બાદ હવે નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 હતી. મહત્વની વાત એ છે કે, આ ભૂકંપના આંચકા ભારતના કેટલાક વિસ્તારોમાં અનુભવાયા છે.
નેપાળમાં આજે એટલે શુક્રવારે સાંજે 7:52 કલાકે 5 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે, ભૂકંપના કારણે કોઈ જાનમાલને કોઈ નુકસાન થયું હોવાના સમાચાર હજી સુધી સામે આવ્યાં નથી. આ ભૂકંપના આંચકાને છેક ભારતમાં પાટનગર દિલ્હી સુધી અનુભવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાંચો: મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક વધીને ત્રણ હજારને પાર, 4,715 ઘાયલ
ભૂકંપના કારણે ઉત્તર ભારતમાં પણ હળવા આંચકા અનુભવાયા
હાલમાં આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નેપાળમાં આવેલા ભૂકંપના કારણે ઉત્તર ભારતમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપ 20 કિમીની ઊંડાઈએ હોવાનું સામે આવ્યું છે.
ખાસ કરીને વાત કરવામાં આવે તો એશિયામાં અત્યારે ભૂકંપની અનેક ઘટનાઓ બની છે, મ્યાનમાર અને થાઈલેન્ડમાં પણ 7 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે 3500થી પણ વધારે લોકોના મોત થયા હોવાના અહેવાલો પ્રકાશમાં આવ્યાં છે.
આપણ વાંચો: પાકિસ્તાનમા અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 4. 3ની તીવ્રતા
28 માર્ચના મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવ્યો હતો ભૂકંપ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નેપાળ વિશ્વના સૌથી સક્રિય ભૂકંપીય ક્ષેત્રોમાંનું એક માનવામાં આવે છે. નેપાળમાં સતત ભૂકંપનો ભય રહે છે. મ્યાનમાર અને થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં 28 માર્ચ શુક્રવારના રોજ આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે ભારે વિનાશ થયો હતો.
મહત્વની વાત એ છે કે, એ જ દિવસે નેપાળમાં પણ સવારે 6.1 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા બિહાર, સિલિગુડી અને ભારતના અન્ય પડોશી વિસ્તારોમાં અનુભવાયા હતા. જોકે તેમાં કોઈ જાનમાલને નુકસાન થઈ નહીં હોવાનું જણાવાયું હતું.