ડેન્ગ્યૂ, મલેરિયાને નિયંત્રણમાં લાવવાની જવાબદારી હાઉસિંગ સોસાયટીઓના માથે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ડેન્ગ્યૂ અને મલેરિયાના હાઉ વધી રહ્યો છે. ઑક્ટોબરના પહેલા પખવાડિયામાં જ મુંબઈમાં ડેન્ગ્યૂના ૪૯૨ અને મલેરિયાના ૪૧૮ જેટલા કેસ નોંધાયા છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ ડેન્ગ્યૂ, મલેરિયા ફેલાવતા મચ્છરોનો ખાતમો કરવા પર ધ્યાન આપવાને બદલે મુંબઈના નાગરિકોને જ તેમણે મચ્છરોથી બચવા માટે શું કરવું અને શું નહીં કરવી તેની સલાહ આપતી ગાઈડલાઈન બહાર પાડી દીધી છે અને મચ્છરોને નિયંત્રણમાં લાવવાની જવાબદારી હાઉસિંગ સોસાયટીના માથે ઠોકી મારી છે.
મુંબઈમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી ડેન્ગ્યૂ અને મલેરિયાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં ઠંડીની મોસમમાં મચ્છરોનો ત્રાસ હજી વધશે અને મચ્છરોના ઉત્પત્તિ માટે અનુકૂળ મોસમ રહેશે ત્યારે પાલિકા પ્રશાસને ખાનગી હાઉસિંગ સોસાયટીઓને મચ્છરોની ઉત્પત્તિ થાય નહીં માટે શું કરવું અને શું નહીં કરવું તેની સલાહ આપતી ગાઈડલાઈન બહાર પાડી છે.
પાલિકાએ હાઉસિંગ સોસાયટીઓને અનેક નિયમોનું પાલન કરવા માટે કહ્યું છે, જેમાં હાઉસિંગ સોસાયટીમાં અંડર ગ્રાઉન્ડ અથવા બિલ્ડિંગની ટેરેસ પર રહેલી પાણીની ટાંકીમાં મચ્છરોની ઉત્પત્તી થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવા કહ્યું છે. હાઉસિંગ સોસાયટીના પરિસરમાં જૂનો ભંગાર, સામાન હોય તેને હટાવી દેવાની સલાહ આપી છે. તેમ જ સોસાયટીના પરિસરમાં કે પછી સભ્યોના ઘરમાં રહેલા મની પ્લાન્ટ વાસ, રેફ્રિજરેટરની ડિફોસ્ટ ટ્રે વગેરેમાં પાણી ભરાઈ ના રહે તેની તકેદારી રાખવા કહ્યું છે. બહારથી મચ્છરો ઘરમાં પ્રવેશ કરે નહીં તે માટે ઘરની બારી પણ મેટલ વગેરેની જાળી બેસાડવા કહ્યું છે. તેમ જ નાગરિકોને પણ મચ્છરથી બચવા રીપ્લેન્ટ ક્રીમ લગાવવાની સલાહ આપી છે. તેમ જ જો હાઉસિંગ સોસાયટીમાં તાવના કેસમાં વધારો જણાય તો તુરંત પાલિકાની વોર્ડ સ્તરની ઑફિસમાં તેની જાણ કરવા માટે પણ કહ્યું છે.
નોંધનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાના પેસ્ટ કંટ્રોલ ખાતા દ્વારા મલેરિયાને નિયંત્રણમાં લાવવા માટે ૧૧,૯૫૬ ઘરનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હોવાનું અને ૩૬,૧૦૫ મચ્છરોના બ્રિડીંગ સ્પોટનું ઈન્સ્પેકશન કર્યું હતું, એ દરમિયાન મલેરિયા ફેલાવતા ૧,૨૮૧ એનોફેલીસ મચ્છરોના બ્રિડીંગ સ્પોટ શોધી કાઢ્યા હતા. તો ડેન્ગ્યૂના નિયંત્રણમાં લાવવા માટે ૭,૧૦,૫૮૨ ઘરના ઈન્સ્પેકશન કર્યા હતા. ૩,૪૫,૨૧૦ કંટેનરના ઈન્સ્પેકશન કર્યા હતા. અને એડીસ મચ્છરોના ૫,૧૦૨ બ્રિડીંગ સ્પોટ શોધી કાઢ્યા હતા. તો મચ્છરોનો ખાતમો બોલાવવા માટે શહેરમાં ૧૫,૯૬૮ બિલ્ડિંગના વિસ્તારમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. તો ૨,૦૩,૫૮૧ ઝૂંપડાઓમાં પણ ફોગિંગ કરવામાં આવ્યું હતું.