વક્ફ સંશોધન બિલના વિરોધમાં થઈ સુપ્રીમ કોર્ટમાં અરજી, કૉંગ્રેસે લગાવ્યો આવો આરોપ…

નવી દિલ્હીઃ દેશભરમાં વક્ફ બિલની ચર્ચા થઈ રહી છે. લોકસભા અને રાજ્યસભામાં પાસ થયા બાદ શુક્રવારે દેશમાં વક્ફ બિલ સામે પ્રથમ અરજી દાખલ થઈ હતી. કૉંગ્રેસ સાંસદ મોહમ્મદ જાવેદે વક્ફ સંશોધન બિલ 2025ને પડકાર્યું હતું.
કોણે કરી છે અરજી
કૉંગ્રેસ સાંસદ મોહમ્મદ જાવેદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેને મૌલિક અધિકારો અને ધાર્મિક અધિકારો વિરુદ્ધનું તથા મુસ્લિમો સાથે ભેદભાવ કરનારું ગણાવ્યું હતું. મોહમ્મદ જાવેદ લોકસભામાં કૉંગ્રેસના વ્હીપ છે અને વક્ફ બિલ માટે બનાવવામાં આવેલી જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટીમાં પણ સામેલ છે. તેમના કહેવા મુજબ આ બિલ કલમ 14 (સમાનતાનો અધિકાર) ,25 (ધર્મનું આચરણ કરવાની સ્વતંત્રતા), 26 (ધાર્મિક મામલાની સ્વતંત્રતા), 29 (લઘુમતીના અધિકાર) અને 300એ (સંપત્તિના અધિકાર)નું ઉલ્લંઘન કરે છે. મોહમ્મદ જાવેદે એડવોક્ટે અનસ તનવીરના માધ્યમથી અરજી દાખલ કરી હતી.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે હિન્દુ અને શીખ ટ્રસ્ટને સ્વ નિયમનની છૂટ મળે છે તો વક્ફ એક્ટ, 1995માં સંશોધન કરવું, વક્ફના મામલામાં રાજ્યોનો હસ્તક્ષેપ અસંગત રીતે વધે છે. આ પ્રકારનો ભેદભાવ કલમ 14નું ઉલ્લંઘન છે. આ ઉપરાંત જે લોકોએ ઈસ્માલ અંગીકાર કર્યો છે અને તેઓ તેમની સંપત્તિ વક્ફને આપવા માંગે છે તેવા લોકો સાથે પણ ભેદભાવ થશે. જે કલમ 15નું ઉલ્લંઘન છે.
ભાજપ દેશમાં નફરતનો માહોલ બનાવી રહી છેઃ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વક્ફ સંશોધન બિલ સામે મોરચો માંડ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની સાથે કાનૂની લડાઈની જાહેરાત કરી છે. ઉપરાંત મુસ્લિમોને શાંતિ જાળવી રાખવા અને લોકતાંત્રિક રીતે પ્રદર્શન કરવા આહ્વાન કર્યું છે. આ સંસ્થાના કહેવા મુજબ, મુસ્લિમો માટે સહાનુભૂતિના નામ પર લાવવામાં આવતો કાયદો અસ્વીકાર્ય છે અને સંપત્તિઓ માટે વિનાશકારી છે. ભાજપ દેશમાં નફરતનો માહોલ બનાવી રહી છે.
ગૃહ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો દરબારઃ કૉંગ્રેસ
કૉંગ્રેસે ભાજપ પર સંસદમાં બજેટ સત્ર દરમિયાન સંસદીય નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવી સત્તાધારી પક્ષમાં તાનાશાહીના ડીએનએ હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત ગૃહ જનતાનું નહીં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો દરબાર બની ગયો હોવાનું પણ કહ્યું હતું. લોકસભામાં કૉંગ્રેન નેતા ગૌરવ ગોગોઈએ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીની ટિપ્પણીનો ઉલ્લેખ કરવામાં આવતાં તેના પર પલટવાર કર્યો હતો અને કહ્યું કે ભાજપ માટે કોઈ કાયદા-કાનૂન નથી.
આપણ વાંચો : વકફ બિલ મુદ્દે ઘમાસાણ યથાવત; બિલને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પડકારશે