
મુંબઈઃ ભારતીય શેરબજાર માટે આજનો દિવસ બ્લેક ફ્રાઈડે સાબિત થયો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત કરવામાં આવ્યા બાદ સતત બીજા દિવસે માર્કેટમાં ઘટાડો થયો હતો. આજે સેન્સેક્સ 930.67 પોઇન્ટના ઘટાડા સાથે 75364.69ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 345.65 પોઇન્ટ તૂટીને 22904.45ના સ્તર પર બંધ થઈ હતી. આજે થયેલા ઘટાડાના કારણે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ઘટીને 403.55 લાખ કરોડ રૂપિયા થઈ હતી. જે બુધવારે 413.33 લાખ કરોડ રૂપિયા હતી. આ રીતે એક જ દિવસમાં આશરે 9.78 લાખ કરોડ રૂપિયા ધોવાયા હતા.

બીએસઈના 2,800 શેરમાં મોટું ધોવાણ
બીએસઈ પર આજે ઘટાડા સાથે બંધ થયેલા શેરની સંખ્યા વધારે હતી. એક્સચેંજ પર કુલ 4076 શેરમાં કારોબાર જોવા મળ્યો હતો, જેમાંથી 1,139 શેર તેજી સાથે બંધ થયા હતા. જ્યારે 2800 શેરોમાં ઘટાડો થયો હતો. જ્યારે 137 શેરના ભાવમાં કોઈ બદલાવ થયો નહોતો. આ ઉપરાંત આજના કારોબાર દરમિયાન 89 શેર 52 વીકના તળિયે પહોંચ્યા હતા.
એક્સિસ બેંક સહિત હિન્દુસ્તાન યુનિલીવરમાં ગાબડું
આજના કારોબારમાં બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એશિયન પેઈન્ટ્સ, આઈટીસી વધારા સાથે બંધ થયા હતા. જ્યારે એક્સિસ બેંક, હિન્દુસ્તાન યુનિલીવર, કોટક બેક, ઝોમેટો, ભારતી એરટેલ, એમએન્ડએમ, મારુતિ, એસબીઆઈ, ટાઈટન, ટીસીએસ, એનટીપીસીના શેર ઘટાડા સાથે બંધ થયા હતા.
શેરબજારમાં કડાકાનું કારણ
ટ્રમ્પે ટેરિફ લગાવ્યાની જાહેરાત કરતાં ટ્રેડ વોરની આશંકા વધી છે. જેથી રોકાણકારોનું મનોબળ નબળું પડ્યું છે. શેરબજારમાં સૌથી વધારે ઘટાડો આઈટી, મેટલ અને ફાર્મા સ્ટોકમાં જોવા મળ્યો હતો. એક્સપર્ટના કહેવા મજબ ટ્રમ્પના નિર્ણયથી ગ્લોબલ ટ્રેડ વોર જેવી સ્થિતિ ઉભી થઈ છે. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધી શકે છે. 2020 બાદ વોલ સ્ટ્રીટમાં એક દિવસનો સૌથી મોટો કડાકો બોલ્યો હતો. જેના કારણે મંદીની ચિંતા સતાવા લાગી છે. એસએન્ડપી 500ની માર્કેટ કેપમાં 2.5 ટ્રિલિયન ડોલરનું ધોવાણ થયું હતું. જાપાનનો નિક્કેઈ 3.4 ટકા ગબડ્યો હતો. જે 2020 કોવિડ-19 બાદ સૌથી ખરાબ સપ્તાહ તરફ આગળ વધી રહ્યો છે.
આપણ વાંચો : ઓપિનિયન: શીન ચેંગની અદ્ભુત સફળતા એ એક વાત સાબીત કરી છે કે…