ઉત્સવ

શક્તિ પર્વ: સ્ત્રી સંવેદનાનું પુરાણ કથામાં મહત્ત્વ

પ્રાસંગિક -દેવલ શાસ્ત્રી

આજકાલ યુદ્ધ અને તોફાનોની તસવીર ન્યૂઝ ચેનલમાં જોઇને સહજ ચિંતા થાય છે કે માનવજાતનું ભવિષ્ય કઇ તરફ છે? ઇઝરાયલમાં જે રીતે સ્ત્રીઓ સાથે વર્તન કરવામાં આવ્યું, મણિપુરની ઘટના નજર સામે જ છે. દેશ અને દુનિયામાં સ્ત્રીઓ પર અત્યાચાર સાંભળીને થાય છે કે સમાજ સ્ત્રીઓને સન્માન આપતાં શીખશે કે નહીં?

ઘણા લેખકો કહીને ગયા કે આપણે ત્યાં એ સ્ત્રીશક્તિને પૂજવામાં આવે છે જેના હાથમાં હથિયાર છે, જે સ્ત્રીઓ ઇંટનો જવાબ પથ્થરથી આપી શકે છે એમનું પૂજન થાય છે. નવરાત્રિ પર્વમાં શક્તિનું પૂજન એટલા માટે કરવામાં આવે છે કારણ કે એ શક્તિશાળી છે. જે સમાજ પૂજન કરતો હોય છે એ જ જો જાહેરજીવનમાં ગાળાગાળી કરતો હોય તો બહેતર છે કે ભક્તિ કરવી છોડી દેવી. પોતાની વૈચારિક માન્યતા કરતાં વિરુદ્ધ હોય એવી સ્ત્રી માટે એલફેલ બોલતો હોય તો પછી આપણે જે ભક્તિ કરીએ છીએ એ દંભ નથી લાગતો?

મને હંમેશાં ગૌરવ થાય છે જ્યારે ભારતીય સનાતન સાહિત્યમાં સ્ત્રીઓ વિશે વાંચતા હોઇએ. આપણા સાહિત્યમાં પુરુષપ્રધાન સમાજની પરોક્ષ રીતે ટીકાઓ કરીને સ્ત્રીઓની મનોભાવનાઓને, સ્ત્રીઓની વ્યથાઓને પણ જે રીતે ન્યાય આપવામાં આવ્યો છે એ કથાઓ કદાચ દુનિયાના કોઈ ધર્મમાં જોવા મળતી નથી. શિવ અને શક્તિ અલગ નથી પણ એક જ તત્ત્વનું સ્વરૂપ છે એ વિભાવના સનાતન ધર્મના મૂળમાં છે. પુરાણ કથાઓ, રામાયણ કે મહાભારતનો અભ્યાસ કરીએ તો ખબર પડે કે પુરાણોમાં નાનામોટા સ્ત્રી પાત્રના વર્ણન આવે છે એ પાત્રો સંપૂર્ણ સ્વતંત્ર રીતે પોતાના ભાવને વ્યક્ત કરે છે. દરેક સ્ત્રી પાત્ર પાસે આગવું સત્ય છે. સ્ત્રી પાત્રની સમજની વિશાળતાનું આપણા નજીવા જ્ઞાનથી મૂલ્યાંકન કરીએ છીએ, કદાચ એ સ્ત્રી પાત્રો આપણી સમજ પર દયા ખાતાં હશે.
એની વે, આપણે વાત કરી રહ્યા હતાં સ્ત્રીઓની વેદના અને તેમના મનોભાવને. સ્ત્રી સંવેદનાને કથાઓએ અદ્ભુત રીતે વ્યક્ત કર્યા છે. માતા કાલીના સ્વરૂપના દર્શન કરીએ છીએ ત્યારે માતાના એક હાથમાં રક્તયુક્ત ખડગ જોવા મળે છે. સફળતા મેળવવા લોહી રેડવું પડે. વહેતું રક્ત જીવન, મૃત્યુ અને પુનર્જન્મનું પ્રતીક છે. ઇવન માનવદેહના અસ્તિત્વ માટે રક્તનું વહેવું જરૂરી છે. કદાચ એ જ સંદર્ભમાં માતાજીનું વાહન તરીકે તેમના ચરણ પાસે નિસ્તેજ મૃતદેહ દર્શાવેલો છે. જિંદગીના સંઘર્ષને વાસ્તવિક સ્વરૂપે દર્શાવતા માતાજીનું એક સ્થાન સ્મશાન છે અને બીજું યુદ્ધભૂમિ છે. આ વિચારને ભૌતિક દુનિયા સાથે જોડી શકાય, ઇવન કોર્પોરેટ હોય કે રાજનીતિની ક્રૂર દુનિયા સાથે જોડી શકાય એટલી ઉત્કૃષ્ટ ભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આપણા પુરાણોમાં એક સુંદર કથા છે. દુર્ગમ નામનો દૈત્ય હતો. દેખાવે અતિ વિકરાળ અને ભયાનક. હિરણ્યાક્ષ વંશના રુરુ નામના દૈત્યનો અતિ પરાક્રમી પુત્ર હતો. રુરુના ઘણા અર્થ છે, કૂતરો, કાળિયારથી માંડી નરક સુધી થાય. પૃથ્વી પર માણસજાત પાસે વેદ સહિત જે કંઇ જ્ઞાન હતું, તે બ્રહ્માજીના વરદાનથી તેની પાસે ચાલ્યું ગયું.

જ્યારે જ્ઞાનનો અભાવ થાય ત્યારે પરિસ્થિતિનો સામનો કરવા માટે કોઈ માર્ગ સુઝે નહીં.

માનવ હોય કે દેવતાઓને વિચારો આવતા બંધ થયા. જ્ઞાન ગાયબ થવાથી ધરતી પર વરસાદ સહિત અનેક સુખાકારી બંધ થઈ ગઇ. ધીમે ધીમે કૂવાથી માંડીને સમુદ્ર સુધીના પાણીના સ્રોત ખાલી થવા લાગ્યા. વૃક્ષો, છોડ, પ્રાણી અને વન્યજીવન સાથે મનુષ્યજાત ખતમ થવાનો ભય થવા લાગ્યો. આ વાતો થકી કેટલો સુંદર વિચાર કહેવામાં આવ્યો છે કે અસ્તિત્વ માટે જ્ઞાન જરૂરી છે, જ્ઞાનથી જ પર્યાવરણનું જતન થાય.

અનાજ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત વિના માણસજાતને અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બન્યું. ધીમે ધીમે દેવલોક પર દુર્ગમે કાબૂ મેળવતા તકલીફોનો વધારો થવા લાગ્યો.

મનુષ્ય, દેવો સહિત સહુ શુભ તત્ત્વોને ઇશ્ર્વર યાદ આવવા લાગ્યા. જ્યારે સમસ્યા આવે ત્યારે ભગવાનની તીવ્ર યાદ આવતી હોય છે એ વાત આડકતરી રીતે જણાવી દીધી. સહુએ ભેગા મળીને મા ભગવતીને પ્રાર્થના કરી કે અમને દુર્ગમના પ્રકોપથી બચાવી લો. દુર્ગમ સામે દેવો અને ધરતીના રક્ષણ માટે પ્રાર્થના કરવા લાગ્યા.

સંકટની ઘડી જોઇને અત્યંત દયાવાન માતા ભગવતી પ્રગટ થયા. માતાજી પોતાના સંતાનોની દુ:ખભરી પરિસ્થિતિ જોઇ શક્યા નહીં. એક રાક્ષસ સામે સહુની લાચાર પરિસ્થિતિ જોઇને ચોધાર આંસુઓથી રડવા લાગ્યા. સરળ શબ્દમાં આ કથા થકી જણાવવામાં આવ્યું કે જો તમે દુ:ખ જોઇને સંવેદના અનુભવતા નથી તો તમે દુર્ગમ જેવા છો, જો લાગણી થાય તો માતાજીની સાચી ભક્તિ કરી રહ્યા છો.

માતાના રૂદનમાં આંસુઓની વિશાળ ધાર હતી. માતાજીનું મન એટલું ભરાઇ ગયું હતું કે તેમણે અસંખ્ય આંખો ઉત્પન્ન કરવી પડી જેથી તે આંસુ ઠાલવી શકે. આ કરુણાનું અદ્વિતીય સ્વરૂપ છે. આપણામાં એટલી તો કરુણા હોવી જોઈએ કે માણસનું દુ:ખ જોઇને રડી પણ શકીએ.

જ્યાં સુધી માનવજાતના દુ:ખ માટે સમાનુભૂતિ ન આવે ત્યાં સુધી દુ:ખ દૂર કરવા સક્ષમ બનાતું નથી. માતાજી એ પહેલું લેશન આપ્યું કે અન્યના દુ:ખ અને પીડાને પોતાની સમજો.

સોશિયલ મીડિયા પર કોઈને શારીરિક અથવા માનસિક પરેશાન કરવામાં આવતો હોય, આપણી આસપાસ સમજદારીના અભાવે કોઇને માનસિક પીડા આપવામાં આવતી હોય અને બીજાની પીડાઓમાં આપણને મજા આવતી હોય તો સમજજો કે, ઇશ્ર્વર આપણાથી જન્મો સુધી દૂર છે. એકબીજા પર દોષારોપણ કરવા જેવી પ્રવૃત્તિમાં વ્યસ્ત હોઇએ તો ભગવાન આપણા માટે નવરા નથી. માતાજીએ પહેલું લેશન પ્રેમ અને કરુણાનું આપ્યું છે.

માતાજીના આંસુઓની ધાર વહી, બે આંખો ઓછી પડી અને માતાજીની કરુણામાં લાખો આંખો પ્રગટ થઈ. દરેક આંખોમાંથી અશ્રુઓની ધારા પ્રગટ થવા લાગી. આ પાણીની ધારાઓમાંથી નદીઓ ભરાઇ અને સમુદ્ર પણ ભરાવા લાગ્યા. વનસ્પતિઓ, પ્રાણીઓથી માંડીને સહુને નવું જીવન મળ્યું.

બીજું લેશન, આપણી કરુણા ટૂંકી દૃષ્ટિ જેવી સ્વાર્થી હોવી જોઈએ નહીં પણ સમગ્ર જગત ભીંજાય એ કદની કરુણા હોવી જોઈએ.

વાત આગળ, માણસ અને પ્રાણીઓને પ્રાથમિક સગવડ મળી, પાણી મળ્યું, અનાજ મળ્યું, શાકભાજી ફળફળાદિ મળ્યા, ઔષધિ મળી. માણસનું અસ્તિત્વ ટકે એવી પ્રબળ સંભાવના બની. કુછ સમજે? માતાજી પ્રગટ થઇને સીધા રાક્ષસને મારવા ન ગયા પણ પોતાની પ્રજાને સલામત કરી. લોકોને ભોજન અને આરોગ્ય આપ્યું, માતાજીનું આ સ્વરૂપ શાકમ્ભરી માતા તરીકે વિખ્યાત છે.

ભારતભરમાં શાકમ્ભરી માતાના અનેક મંદિર છે.

ખરી વાત હવે શરૂ થાય છે, માતાજીએ ભોજનની વ્યવસ્થા અને સુખાકારી આપ્યા પછી પ્રશ્ર્ન કર્યો કે, બોલો હવે શું કરીએ?

અહીં સુધી દુર્ગમ દૈત્ય તો પિક્ચરમાં જ નથી. દેવતાઓ અને મનુષ્યોએ માતાજીને પ્રાર્થના કરી કે અમારું જ્ઞાન જે દુર્ગમ દૈત્ય લઇ ગયો છે એનો વધ કરીને જ્ઞાન પરત લાવી આપો. માતાજીએ સહુને આદેશ કર્યો કે હવે સહુ પોતપોતાના સ્થાનમાં ચાલ્યા જાવ.

આ સમય દરમિયાન દુર્ગમ પણ બેસી રહ્યો ન હતો. તે વધુ મજબૂત થવા લાગ્યો. માતાજીએ સુરક્ષિત સ્થાનમાં રહેલા સહુ ભક્તજનોની આસપાસ અભેદ્ય કિલ્લો બનાવ્યો. માતાજી અને દુર્ગમ સામસામે આવ્યા.

માતાજીએ કાલી, શ્રી વિદ્યા, ભુવનેશ્ર્વરી, ભૈરવી, ધ્રૂમા, ત્રિપુરસુન્દરી જેવા દશ સ્વરૂપો સાથે દુર્ગમ સાથે યુદ્ધ થયું. આ યુદ્ધ દશ દિવસ સુધી ચાલ્યું હતું. અગિયારમા દિવસે લાલ વસ્ત્રો ધારણ કરેલા માતાજીએ પંદર બાણો દ્વારા દુર્ગમનો સંહાર કર્યો. દુર્ગમ સંહાર કરનારા માતાજી મા દુર્ગા તરીકે પૂજાય છે. આ વાતમાં શું સમજવાનું?

આખી કથાનો સાર અંતિમ ભાગમાં જ છે. કોઈ આવીને ચમત્કાર કરશે એ પ્રકારની
અધકચરી વાતોમાં અંધશ્રદ્ધાળુ બનીને ભરોસો કરીએ છીએ. સંપ્રદાય કે ધર્મમાં રહેલા ચમત્કારી તત્ત્વ બચાવશે એ ભ્રમણા આપણને ગમે છે, માતાજીએ પણ દર્શાવ્યું કે અલગ અલગ અવતારો લઇને દુર્ગમનો વધ કર્યો. દુર્ગમનો વધ કરવા માટે સ્ટ્રેટેજી બનાવવી પડી, નિશ્ર્ચિત સમય લાગ્યો. રાતોરાત સફળતા મળતી નથી પણ સફળતા માટે લોહી રેડવું પડે છે.

જગતજનની હોવા છતાં અગિયાર દિવસ સુધી સંઘર્ષ કર્યો. માતાજી સ્વયં અલગ અલગ હથિયારો સાથે અસંખ્ય વ્યૂહરચનાઓ બનાવીને લડતા રહ્યા. માતાજીને ક્ષણમાં ચમત્કાર કરતાં નહીં આવડતું હોય? આ કથામાં મા ભગવતી આપણને એક જ વાત શીખવે છે કે જીવનમાં સુખ પ્રાપ્ત કરવા સતત સંઘર્ષ કરવો પડે. તમારા સંઘર્ષ દરમિયાન પોતાના સ્વજનો પરત્વે પ્રેમ અને કરુણા રાખીને શત્રુ સામે ધૈર્યપૂર્વક લડવું પડશે.

મા દુર્ગા કહે છે કે જીતનો કોઈ શોર્ટકટ નથી હોતો. હા, દુર્ગા થતાં પહેલા શાકમ્ભરી માતા થવું પડે.

હા, આ વાત કરી મા ભગવતીની માનવજાત માટે સંવેદનાની. આ કથાઓ થકી જિંદગીની સમજ માટે ઘણું શીખી શકાય પણ એ માટે સમજ કેળવવી પડે. આધુનિક સમયમાં આગવી સમજ કેળવવાની એક જ શરત છે, પુષ્કળ વાંચન અને દુનિયાને તમારી દૃષ્ટિએ જોવાની આદત પાડો. સોશિયલ મિડીયા અથવા અન્ય સ્રોત પર થતી વાતોમાં કમસેકમ અપની અકલ લગાઓનું સૂત્ર આત્મસાત કરવાની જરૂર છે.

હા, સામાન્ય સ્ત્રીઓ માટે પણ પુરાણોમાં સરસ કથાઓ છે. કેટલીક કથાઓ વાંચતા હોઇએ તો એવું લાગે કે આ વ્યક્તિ તો મારી આસપાસ છે. મહાભારતની કથામાં ચંદ્રવંશનો રાજા જ્યામધ અત્યંત પ્રતાપી અને શક્તિશાળી રાજવી છે. જ્યામધનું લગ્ન કાશીરાજની પુત્રી શૈવ્યા સાથે થયું હતું. શૈવ્યા અત્યંત સુંદર અને બુદ્ધિશાળી હતી, જ્યામધ પોતાની પત્નીને કોઈ વાતે દુ:ખ ન પડે એવી કાળજી રાખતો. સરળ શબ્દમાં કહીએ તો રાજા તેની પત્નીને અનહદ પ્રેમ કરતો હતો. એક દિવસ કોઈ યુદ્ધમાં જ્યામધ જાય છે અને પરત આવતા માર્ગમાં એક ત્યજાયેલી સુંદર યુવતીને જુએ છે અને પોતાના રથમાં બેસાડીને લાવે છે. દૂરથી શૈવ્યા કોઈ સ્ત્રીને પોતાના પતિ સાથે રથમાં જુએ છે અને એક ક્ષણ પણ રાહ જોયા વગર ગુસ્સામાં પૂછે છે કે આ કોણ છે, તમારા રથમાં કેમ આવી છે? પત્નીના તીર જેવા પ્રશ્ર્નો આવતા જ જ્યામધ ડરી જાય છે અને જણાવે છે તેમના પુત્ર વિદર્ભ સાથે આ દીકરીનું લગ્ન થાય એવું ઇચ્છે છે. કથા મુજબ જ્યામધની વાત સાંભળતા શૈવ્યા શાંત થાય છે. આમ તો આ કથા અત્યંત સરળ કથા છે, કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ ઘટના બની શકે છે. વાત એ યુગની છે જે યુગમાં મહાન રાજા હોવા છતાં પત્નીનો ડર લાગતો હતો. મહાભારતની આ કથા શું કહે છે? આપણે સમજીએ છીએ એના કરતાં એ યુગમાં સ્ત્રી સન્માન વધારે હતું, મહારાજા હોવા છતાં પુરુષ પત્નીથી ડરતો પણ હશે.

જ્યામધના પુત્ર વિદર્ભને લગ્ન પછી ત્રણ પુત્રો થયા. ક્રથ, કૈશિક અને રોમપાદ. ક્રથના વંશમાં એક રાજા થયો જેનું નામ હતું ભીમ. આ ભીમ પાંડવબંધુ નહીં, રાજા ભીમની પુત્રી એટલે દમયંતી. દમયંતીનું લગ્ન નિષધ દેશના રાજા વીરસેનના પુત્ર નળ સાથે થયું હતું.

એક પ્રશ્ન પૂછું? નળ દમયંતીની કથા યાદ છે કે ભૂલી ગયા? થોડી યાદ કરીએ… નિષધના રાજા વીરસેનને બે પુત્રો, પ્રતાપી નળ અને પુષ્કર. દમયંતીએ એક સ્વયંવરમાં નળને પસંદ કર્યો અને રંગેચંગે લગ્ન થયા. પુષ્કરને પોતાના ભાઇ માટે ઇર્ષા હોવાથી એ જમાનાના રિવાજ મુજબ જુગાર રમવાનું આમંત્રણ આપ્યું. જુગારમાં નળે પોતાનું સમગ્ર ગુમાવીને વનમાં પ્રયાણ કર્યું. પત્ની દમયંતી પણ પતિ સાથે વનમાં સાથે આવી. નળે સમજાવવાની કોશિશ કરી કે પોતાના પિતાના ઘરે ચાલી જા. દમયંતી એવું કહેવા માગતી હતી કે લગ્ન પછી સ્ત્રીની જવાબદારી તેના બાપની નથી પણ પતિની હોય છે. જંગલમાં રાજા રવિવર્માના જાણીતા ચિત્ર મુજબ નળ એક સવારે દમયંતીને છોડીને ભાગી જાય છે. શું આ પરુષની ભાગેડુ વૃત્તિ કહી શકાય? આપણા સમાજમાં હજારો દાખલા જોવા મળે છે જ્યારે પુરુષ તકલીફમાં હોય છે ત્યારે સ્ત્રી તેની સાથે ખભેખભા મીલાવીને સાથસહકાર આપે છે. જ્યારે કોઈ સમસ્યાઓમાં માર્ગ મળતો નથી ત્યારે પુરુષ ભાગેડુ બને છે, કેટલીક વાર આત્મહત્યા જેવા અંતિમ પગલાં પણ લેતો હોય છે.

ક્યારેક વિચારો કે પતિ અચાનક છોડીને જતો રહે એ સ્ત્રીને કેવી વેદના થતી હશે? દુનિયામાં કોઈ પણ યુગમાં જે દ્વિધા હશે એ બધું મહાભારતમાં છે, મહાભારત તમામ સમસ્યાઓનો ઉકેલ છે. મહાભારતમાં માનવ જિંદગીના તમામ રંગો ભર્યા છે, ફક્ત વાંચન અને તંદુરસ્ત ચર્ચા જરૂરી છે. એંસીના દાયકામાં મરાઠી કથા પરથી હિન્દી સાહિત્યમાં રથચક્ર નામની પટકથા બની હતી, એક પુરુષ લગ્ન પછી પત્ની અને બાળકનો ત્યાગ કરીને સત્ય શોધવા જતો રહે છે. આ સ્ત્રી મહેનત મજૂરી કરીને અત્યંત ગરીબીમાં પોતાના બાળકને ભણાવે છે, આ બાળકનો મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ ક્રમ આવે છે ત્યારે એ સંતાન પોતાની સિદ્ધિ માટે પિતાના પુણ્યને ક્રેડિટ આપે છે… એની વે, દમયંતી અનેક સમસ્યાઓનો સામનો કરીને પિતાના પ્રયાસો થકી બાપના ઘરે પહોંચે છે. ચેદિરાજ રાજા પાસે નળ સારથિ તરીકે સેવા આપે છે અને અંતે રાજા ભીમ બુદ્ધિ થકી બંનેને ભેગા કરે છે. નળ દમયંતી કથામાં નારીની વેદનાને સુપેરે વ્યક્ત કરવામાં આવી છે, પતિ જુગાર રમીને સામ્રાજ્ય ગુમાવી દે તો એમાં એ સ્ત્રીનો શું વાંક? મહાભારતની કેન્દ્ર કથામાં દ્રૌપદી પણ આ જ પ્રશ્ર્ન પૂછે છે, છતાં સુખ સાથે ભોગવ્યું છે તો દુ:ખમાં સાથ આપવાની ફરજ બંને પાત્રો સમજે છે. મહાભારત, ભાગવત અને રામાયણ જેવા પ્રચલિત હિન્દુ ધર્મગ્રંથોમાં નારીને વર્ણવવામાં તેમના મનના ભાવોના સત્યને છુપાવવામાં આવ્યા નથી. આ ગ્રંથો વાંચીને આપણી સમજ મુજબ ટીકાઓ કરીએ છીએ, પણ એના લેખકોને અભિનંદન આપવા જોઈએ કે કોઈ પણ પાત્ર તરફ પક્ષપાત દર્શાવ્યા વિના સમાજ સમક્ષ સત્ય પીરસવામાં આવ્યું છે. સરવાળે આ વાતોનો સાર એટલો જ છે કે ફક્ત નવરાત્રિ જ નહીં પણ જીવન દરમિયાન નારીશક્તિને સન્માન આપતા રહીએ…

ધ એન્ડ : स्रिष्टी से पहले सत् नहीं था. असत् भी नहीं. अंतरिक्ष भी नहीं, आकाश भी नहीं था. छिपा था क्या, कहाँ, किसने ढ़का था. उस पल तो अगम अटल जल भी कहाँ था. स्रिष्टी का कौन है कर्ता. कर्ता हैं हैं वा अकर्ता. उँचे आकाश में रहता, सदा अदर्ष्ट बना रहता. वही सचमुच में जानता, या नहीं भी जानता, है किसी को नहीं पता, नहीं है पता……

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button