ખેડાના રઢુ ગામ નજીકથી પસાર થતી વાત્રક નદી પર ગેરકાયદે પુલ તોડી પડાયો

અમદાવાદ : ગુજરાતના ખેડામાં ભૂમાફિયા બેફામ બન્યા છે. જેમા નદીમાથી ગેરકાયદે ખનનની પ્રવુતિમાં પણ વધારો થયો છે. તેવા સમયે ખેડા જિલ્લાના વહીવટીતંત્રને તાલુકાના રઢુ નજીકથી પસાર થતી વાત્રક નદી પર ગેરકાયદે પુલ કામચલાઉ બાંધ્યો હોવાની ફરિયાદ મળી હતી. જેના કારણે નદીનો પ્રવાહ અવરોધાયો હતો.જોકે, આ અંગે જિલ્લા કલેકટરે સમગ્ર ઘટનાની તપાસ કર્યા બાદ તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. જેને રાતોરાત જમીન દોસ્ત કરી દેવામા આવ્યો હતો.
ખાણ માફિયાઓના વાહનો નિયમિતપણે પસાર થતા
આ ઘટનાની મળતી માહિતી મુજબ, ખેડા તાલુકાના રઢુ ગામ નજીકથી પસાર થતી વાત્રક નદીમાંથી ખાણ અને ખનીજ વિભાગની દેખરેખ હેઠળ જિલ્લામાં નદીઓમાંથી અનિયંત્રિત રેતી ખનન થઈ રહ્યું છે. જમીન માફિયાઓ લાંબા સમયથી રેતીનું ખોદકામ કરી રહ્યા છે. ભૂ-માફિયાઓએ નદીનો પ્રવાહ રોકી દીધો હતો અને નદીમાં અવરજવર માટે 15 પાઇપની મદદથી પુલ બનાવ્યો હતો. જેના પરથી ખાણ માફિયાઓના વાહનો નિયમિતપણે પસાર થતા હતા.
ગેરકાયદે પુલ શોધી કાઢ્યો હતો
સ્થાનિક લોકોએ આ અંગે વહીવટીતંત્રને પણ જાણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં આખરે રઢુ ગામના સરપંચે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. સ્થાનિક અધિકારીએ મામલતદારને સ્થળની મુલાકાત લેવાનો નિર્દેશ આપ્યો હતો અને ખેડા મામલતદાર અને ખાણ અને ખનીજ વિભાગની ટીમે સ્થળની મુલાકાત લીધી અને તેનું નિરીક્ષણ કર્યું અને નદી પર ગેરકાયદે પુલ શોધી કાઢ્યો હતો.
તપાસ ખાણ અને ખનિજ વિભાગને સોંપવામાં આવી
આ ઘટનાસ્થળની મુલાકાત લઈને અને રિપોર્ટ મેળવ્યા બાદ કલેક્ટરે તાત્કાલિક ગેરકાયદેસર પુલ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો અને બુધવારે રાત્રે પોલીસના સહયોગથી ગેરકાયદેસર પુલ તોડી પાડવામાં આવ્યો હતો.આ અંગે ખેડા મામલતદારે જણાવ્યુ કે આ પુલ કોણે બનાવ્યો તે અંગે કોઈ માહિતી નથી. સમગ્ર મામલાની તપાસ ખાણ અને ખનિજ વિભાગને સોંપવામાં આવી છે.
આપણ વાંચો: ગુજરાત હાઈકોર્ટનો ચુકાદોઃ ભાડૂઆત ભાડા કરારની શરતોનો ભંગ કરે તો માલિક મિલકત ખાલી કરાવી શકે