IPL 2025

યશસ્વીએ ડ્રેસિંગ રૂમમાં રહાણેની કિટબૅગને લાત મારી હતી: અહેવાલ

આઈપીએલમાં કરોડો રૂપિયા કમાતો જયસ્વાલ મુંબઈ છોડીને ગોવાની ટીમ સાથે જોડાઈ ગયો

મુંબઈ: ડોમેસ્ટિક ક્રિકેટમાં છ વર્ષ સુધી મુંબઈની ટીમ સાથે જોડાયેલો યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) અચાનક મુંબઈની ટીમ છોડીને ગોવા (Goa)ની ટીમ સાથે જોડાઈ ગયો એટલે અસંખ્ય ક્રિકેટ પ્રેમીઓને આંચકો તો લાગ્યો જ છે, એ પાછળનું કારણ અત્યાર સુધી બહાર નહોતું આવ્યું. કેટલાક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે યશસ્વી મુંબઈ (Mumbai)ની ટીમના કેટલાક સિનિયર ખેલાડીઓથી નારાજ હતો. એક અહેવાલમાં તો ત્યાં સુધી જણાવવામાં આવ્યું છે કે યશસ્વીએ ટીમના કેપ્ટન અજિંકય રહાણે (Ajinkya Rahane)ની ક્રિકેટ કિટબૅગને લાત મારી હતી.

ઉલ્લેખનીય છે કે યશસ્વીને રાજસ્થાન રોયલ્સનું ફ્રેન્ચાઇઝી એક સીઝન રમવાના 18 કરોડ રૂપિયા આપે છે. યશસ્વી બીસીસીઆઈના ‘બી’ કેટેગરીના કોન્ટ્રેક્ટમાં હોવાથી તેને લાખો રૂપિયાનો વાર્ષિક પગાર પણ મળે છે તેમ જ દરેક મૅચ રમવાના અલગથી પૈસા પણ મળે છે.

એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે યશસ્વીને ગોવાની ટીમની કેપ્ટન્સી ઓફર થઈ છે એટલે તે મુંબઈની ટીમ છોડીને ગોવાની ટીમ સાથે જોડાઈ રહ્યો છે.

કહેવાય છે કે યશસ્વી અને રહાણે વચ્ચે 2022ની સાલની દુલીપ ટ્રોફી ફાઇનલના સમયથી ખટરાગ હતો. યશસ્વીએ એ મૅચમાં 265 રન કર્યા હતા, પરંતુ હરીફ ખેલાડીઓ સામે તે વધુ પડતું સ્લેજિંગ કરી રહ્યો હોવાથી તેને રહાણેએ મેદાન છોડી જવાનો આદેશ આપ્યો હતો.

એ સમયે એ ઘટનાને હળવી રીતે લેવામાં આવી હતી, પરંતુ એવું મનાય છે કે બંને વચ્ચે ત્યારથી કડવાશ શરૂ થઈ હતી.
કેટલાક સૂત્રોના જણાવ્યા મુજબ યશસ્વીને મુંબઈના ટીમ મૅનેજમેન્ટનો પોતાના પ્રત્યેનો અભિગમ પણ પસંદ નહોતો. યશસ્વીને પોતાના શૉટ સિલેક્શનની બાબતમાં મુંબઈનું મૅનેજમેન્ટ સતતપણે અવલોકન કરતું હતું એ પણ યશસ્વીને ગમતું નહોતું.

યશસ્વી અને રહાણે વચ્ચેનું અંતર આ વર્ષે રણજી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીરની મૅચ વખતે વધી ગયેલું જોવા મળ્યું હતું. એ મૅચમાં મુંબઈનો પરાજય થયો હતો. યશસ્વી એ મૅચમાં માત્ર ચાર અને 26 રનનું યોગદાન આપી શક્યો હતો. પરિણામે કેપ્ટન રહાણે અને કોચ ઓમકાર સાળવીએ યશસ્વીની સમર્પિતતાના અભાવ બદલ તેની ટીકા કરી હતી.

કહેવાય છે કે જમ્મુ-કાશ્મીર સામેના એ પરાજય બાદ ડ્રેસિંગ રૂમમાં ખૂબ ગરમાગરમી થઈ હતી. એ ઉગ્ર ચર્ચા વચ્ચે કહેવાય છે કે યશસ્વીએ રહાણેની ક્રિકેટ કિટબૅગને લાત મારી હતી.

મુંબઈના સિલેક્ટર સંજય પાટીલે એ સમયે જણાવ્યું હતું કે ‘મુંબઈને એવા જ ખેલાડીઓની જરૂર છે જેઓ સારું પર્ફોર્મ કરે અને મુંબઈને મૅચો જિતાડી આપે. દરેક ખેલાડીએ મેદાન પર 100 ટકા ક્ષમતાથી રમવું એવું વર્ષોથી મુંબઈ ક્રિકેટનું કલ્ચર રહ્યું છે.’

યશસ્વીને એ ટિપ્પણીઓ માત્ર પોતાના માટે કરવામાં આવી હોય એવું લાગ્યું હતું.

આપણ વાંચો:  કોલકાતાને બૅટિંગની આતશબાજી બાદ વૈભવ-વરુણે વિજય અપાવ્યો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button