વફફ સંશોધન બિલ પર શરદ પવારની પાર્ટીના સાંસદનો વિરોધ, કહ્યું સુપ્રીમ કોર્ટમા પડકારશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે વફફ સંશોધન બિલ 2024ને લોકસભા અને રાજયસભામાં પસાર કરાવી લીધું છે. હવે આ બિલ કાયદો બનશે. જોકે, કેન્દ્ર સરકારના નિણર્યથી નારાજ વિપક્ષ હવે આક્રમક વિરોધ કરી રહ્યું છે. તેમજ વિપક્ષના નેતાઓ હવે સરકાર પર આક્ષેપ પણ લગાવી રહ્યા છે. જેમાં શરદ પવારની પાર્ટી એનસીપીના મહિલા સાંસદ ફૌઝિયા ખાને કેન્દ્ર સરકાર અને ભાજપના ઇરાદા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ સુધારા બિલ લઘુમતીઓ સાથે અન્યાય છે. જોકે, આ અંગે શરદ પવારની એનસીપી શું વલણ લેશે તે અંગે હજુ પ્રશ્નાર્થ છે.
આ બિલ ગેરબંધારણીય
રાજ્યસભામાં પસાર થયેલા બિલ પર એનસીપીએસપીના સાંસદ ફૌઝિયા ખાને કહ્યું, “ખેડૂતોના બિલની જેમ આ બિલને પણ બુલડોઝરથી કચડી નાખવામાં આવ્યું છે. અમે આ બિલનો વિરોધ ચાલુ રાખીશું. અમારા પૂર્વજોએ ધાર્મિક હેતુ માટે જમીનનું દાન કર્યું છે. વક્ફ બોર્ડ એક ધાર્મિક સંસ્થા છે. આ બિલ ગેરબંધારણીય છે અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે અને રદ કરાવવામા આવશે.
વકફ બોર્ડની મુશ્કેલીઓ ઓછી કરવા સરકાર અનુદાન આપે
સાંસદ ફૌઝિયા ખાને વધુ જણાવ્યું હતું કે, જો સરકારનો ઇરાદો વકફ બોર્ડને વધુ સશક્ત અને મજબૂત કરવાનો હતો. તો તેની સ્વાયત્તતા ઓછી કર્યા વિના પણ કરી શકી હોત. વકફ બોર્ડની મુશ્કેલીઓ ઓછી કરવા સરકાર અનુદાન આપે. પરંતુ સરકાર પોતાને વકફની સંપત્તિઓ પર દબાણ કરનારી એજન્સીના તરીકે ઉપસી રહી છે.
આ પણ વાંચો : રાજ્યસભામાં વક્ફ બિલ મુદ્દે ‘ધમાસાણ’: વોટિંગ પૂર્વે આ પાર્ટીએ બદલ્યું પોતાનું ‘સ્ટેન્ડ’
વક્ત બોર્ડ સમક્ષ ત્રણ સૌથી મોટા પડકારો
ફૌઝિયા ખાને રાજ્યસભામાં કહ્યું કે હું મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રહી છું. હું ચાર વર્ષથી વક્ફ બોર્ડના સભ્ય તરીકે કામ કરી રહી છું. મારા અનુભવના આધારે માનું છું કે વક્ફ બોર્ડમાં સુધારાની જરૂર છે. હું છેલ્લા 4 વર્ષથી આ દિશામાં પ્રયાસ કરી રહી છું. વક્ત બોર્ડ સમક્ષ ત્રણ સૌથી મોટા પડકારો છે. પ્રથમ વકફની મિલકત પર સૌથી વધુ ગેરકાયદે દબાણ થઈ રહ્યા છે. બીજું, વક્ફમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે. તેમજ ત્રીજુ વકફના નામે જમીન પર ગેરકાયદે કબજો મેળવવામાં આવી રહ્યો છે.
બોર્ડને સરકારના સમર્થનની જરૂર
એનસીપીએસપીના નેતા ફૌઝિયા ખાનના મતે, આને દૂર કરવા માટે બોર્ડને સરકારના સમર્થનની જરૂર છે. અહીં ઇરાદાઓનો પ્રશ્ન આવે છે. જો સરકારના ઇરાદા સાચા હોત તો વક્ફ સુધારા બિલની જોગવાઈઓમાં બોર્ડને મજબૂત બનાવવા માટેની બાબતોનો સમાવેશ થયો હોત. સરકારે બોર્ડને તેનું રક્ષણ આપવા માટે કામ કર્યું હોત. તેણે બોર્ડના ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ – દબાણ, ભ્રષ્ટાચાર અને ગેરકાયદે કબજો દૂર કરવાની વાત કરી હોત.
તેમણે કહ્યું કે સરકારે આવા લોકોને સજા આપવા માટે કડક કાયદા લાવવા જોઈએ. દુઃખની વાત છે કે બિલમાં આવું કંઈ નથી. તેનાથી વિપરીત, અગાઉના બોર્ડ સભ્યો જેને ગંભીર ગુનો માનતા હતા તેને કેન્દ્ર સરકારે સુધારેલા બિલમાં જામીનપાત્ર બનાવ્યો છે.
તેમણે કહ્યું, “રાજ્ય સરકાર વકફ બોર્ડની જમીન પર સૌથી વધુ દબાણ કરી રહી છે. સરકારે મુતાવલ્લીઓને આપવામાં આવતો હિસ્સો 7 થી ઘટાડીને 5 ટકા કરી દીધો છે. વકફ બોર્ડ પાસે પોતાનો કોઈ આવકનો સ્ત્રોત નથી. આવી સ્થિતિમાં, બોર્ડને સરકાર તરફથી સંગઠનાત્મક સમર્થનની જરૂર છે. તમારે બોર્ડની સ્વાયત્તતા છીનવ્યા વિના તેને સુધારવાનો પ્રયાસ કરવો જોઈતો હતો. કેન્દ્ર સરકારે સહકારી બનવું જોઈતું હતું. તેણે વક્ફના માલિક બનવાનો પ્રયાસ ન કર્યો હોત. તેમણે ભાજપ સરકારને પૂછ્યું કે શું બિન-સમુદાયના સભ્યોને બોર્ડમાં લાવવાથી બોર્ડ સશક્ત બનશે?”
આ પણ વાંચો : રાજ્યસભામાં વક્ફ બિલ પર મતદાન વખતે શરદ પવારનું શું? હાજર રહેશે કે નહીં?
કેન્દ્ર સરકાર કહે છે કે બોર્ડ કોઈ ધાર્મિક સંસ્થા નથી. બોર્ડની પ્રવૃત્તિઓ અને વ્યવસ્થા ધાર્મિક નથી. આ પ્રકારનો વિચાર અદ્ભુત છે. આ બોર્ડની સિસ્ટમમાં સુધારો નથી પરંતુ પોતે જ એક દબાણ છે. આ લઘુમતીઓના બંધારણીય અધિકારો પર અતિક્રમણ છે. આજે મુસ્લિમો સાથે આ થઈ રહ્યું છે. કાલે ખ્રિસ્તીઓ, બૌદ્ધો અને અન્ય લોકો સાથે પણ આવું જ થશે.
બોર્ડની મિલકતો પર સૌથી મોટું દબાણ કરનાર સરકાર પોતે
તેમણે એમ પણ કહ્યું, “બોર્ડની મિલકતો પર સૌથી મોટું દબાણ કરનાર સરકાર પોતે છે. હું આ નથી કહી રહી પરંતુ સચ્ચર સમિતિના અહેવાલ મુજબ, આ કિસ્સામાં સૌથી મોટું દબાણ કરનાર રાજ્ય સરકાર પોતે છે. વકફ સુધારા બિલમાં તેને સુધારા લાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. શું આ ધાર્મિક સંસ્થા વકફ બોર્ડને મજબૂત બનાવશે? શું આ અન્યાય નથી? આ લઘુમતીઓના અધિકારો પર હુમલો છે. તેમની સાથે અન્યાય છે.
કોણ છે ફૌઝિયા ખાન?
ફૌઝિયા ખાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવારના રાજ્યસભા સાંસદ છે. તે રાષ્ટ્રવાદી મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. તેઓ મહારાષ્ટ્ર સરકારમાં રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ બે વાર MLC રહ્યા, એટલે કે મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપલા ગૃહ વિધાન પરિષદના સભ્ય હતા. કોન્વેન્ટમાં ભણેલા ફૌઝિયા ખાન મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી તરીકે સેવા આપનારા રાજ્યના પ્રથમ મુસ્લિમ મહિલા છે.