મેટિની

ઉકરડો આપમેળે બને, બગીચાને બનાવવો પડે…

  • અરવિંદ વેકરિયા

‘દાદુ, તમારામાં હિંમત જ નથી, આ નાટક ડુબાડશે નહીં, તારશે..લખી રાખજો.’ ડોલરનું આ વાક્ય હું મૂક બની સાંભળતો રહ્યો. આંતરમનમાં ડોકિયું કર્યું ત્યારે ખબર પડી કે મારી જિંદગી નોકરી કરવામાં જ વીતી હતી. ધંધો કરવા ઘણાં પ્રલોભનો મળ્યાં પણ ઘરની જવાબદારી નાનપણથી (મેટ્રિક પછી તરત) જ આવી ગયેલી એટલે ‘ધંધામાં ખોટ આવી તો નક્કી થયેલ મારી જવાબદારી કોણ પૂરી કરશે?’ ના વિચાર આવતાં જ હિંમત તૂટી જતી. મારા પરિવારે મારા પર ભરોસો મુક્યો હતો. ભારોસાનું વજન બહુ ભારે હોય છે. દરેક વ્યક્તિને ખભે ન મૂકી શકાય અને મારે તો મારા સિવાય કોઈ હતું જ નહીં. એ રીતે ડોલરની વાત સાચી હતી. મહિનાની ફિક્સ આવક પર જ પરિવારની બેલેન્સશીટ બનતી. સ્વભાવ જ એવો પડી ગયેલો કે મેળવવા કે ગુમાવવા કરતાં જાળવી રાખવું મહત્ત્વનું રહેતું. ડોલરની વાત ‘દાદુ, તમારામાં હિંમત જ નથી’) મારે માટે બરાબર પણ ‘..આ નાટક ડુબાડશે નહીં, તારશે..’ એ મને જરા વધુ પડતું લાગ્યું. આ દ્વિ-અર્થી સંવાદોવાળું બોલ્ડ નાટક હતું અને એ માટે આવી આશા વધારે હતી. નિર્માતા નાટક બે-પૈસા કમાવા પૂરી નિષ્ઠાથી બનાવે છે, પણ પરિણામ તો પ્રેક્ષકો નક્કી કરતા હોય છે. ઉકરડો આપમેળે બને, બગીચાને માવજતથી બનાવવો પડે. નિર્માતા ‘બગીચો’ જ બનાવવા નીકળે, રૂપિયાનું આંધણ કરી કોઈ ‘ઉકરડો’ તો ન જ બનાવે.

મેં મારી કાર્યશેલી એવી જ રાખી હતી. હા, વિષય જરા જુદો હોવાથી પહેલા ‘નકાર’ ભણ્યો પણ પછી મનને મનાવી ‘પ્રોજેક્ટ’ હાથમાં લીધા બાદ પૂરા ખંતથી મચી પડ્યો. બધાનાં સહકાર અને મહેનતથી નાટક તૈયાર કર્યું, બાકી સફળતા કે નિષ્ફળતા એ ઉપરવાળો જાણે. હા, એ ખરું કે , ઈશ્વર કહેવાય છે ‘ઉપરવાળો’, પણ શોધાય છે ‘નીચે’ ને એ હોય છે ‘અંદર’.

નાટક તો લગભગ પૂરું થઈ ગયું. આખું નાટક હાસ્યસભર અને ગલગલિયા કરાવતાં વન-લાઈનરથી સારું લાગી રહ્યું હતું. ઈમ્તિયાઝને કહ્યું કે છેલ્લે કઈ ‘મેસેજ’ લોકોને મળે એવું લખજે. ખરેખર! ઈમ્તિયાઝે છેલ્લા બે પાના એવા લખ્યાં કે આગળની ‘ઉઘાડી’ વાત ‘ઢંકાઈ’ જાય અને પ્રેક્ષક ‘કંઈક’ લઈને ઘરે જાય.

નાટકનાં રિહર્સલ જોતાં એવું લાગે કે ડોલરની ‘તારવા’ વાળી વાત કદાચ સાચી પણ પડે. બાકી તો એ ‘ઉપરવાળો’ જાણે.

મેં વિષયને બહેલાવેલો પણ મર્યાદામાં રહીને. ડોલર જેવાં મોટાં સપનાં નહોતાં જોયાં. ચાદરમાંથી પગ ત્યારે જ બહાર આવે જયારે સિદ્ધાંતો કરતાં સપનાં મોટાં થઈ જાય. મારો નૈતિક સિધ્ધાંત, ‘નિષ્ઠાપૂર્વક કામ કરવું’ એને જ વળગી રહ્યો. હવે નાટકના જી.આર. શરૂ કરતાં પહેલાં નાટકની રિલીઝની તારીખ નક્કી કરવાની હતી. રવિવારની તારીખ માટે હું પ્રયત્ન કરી રહ્યો હતો, પણ ડોલરને તો જાણે તરત ‘રોકડા’ કરવા હોય એમ મને કહે, ‘આપણે આમ પણ આડાવારે કરવાની વાત તો થઈ હતી પછી રવિની રાહ શા માટે જોવી.? રવિવાર મળશે ત્યારે જોઈશું.’

ભેગા મળી નક્કી કર્યું કે 10 દિવસ પછી રજૂ કરીશું. ચાર દિવસ તો જી.આર. માં જશે. બાકી મળતા છ દિવસ નાટકને પોલિશ્ડ કરીશું. 10 દિવસ પછી આવતો શુક્રવાર, એ દિવસે પાટકર થિયેટર નક્કી થયું. આમ પણ આડો દિવસ હતો એટલે વાંધો ન આવ્યો. થિયેટર બુક થઈ ગયું .

ડોલર અચાનક મને કહે,‘દાદુ, આડા દિવસે લોકો આવશે ને?’ મનહર ( ગઢિયા) ને એની જા.ખ. પર પૂરો ભરોસો હતો. ડોલર જરા ઢીલો લાગ્યો. મેં ડોલરને કહ્યું ‘દોસ્ત, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ..હું તને હિંમત વગરનો ભલે લાગ્યો, પણ જીવનની આ જ ફિલોસોફી છે. જિંદગીનું ચા જેવું છે, જોઈએ છે બધાને ગરમા-ગરમ પણ પીવી છે ફૂંકી ફૂંકીને.’ એ વાત ઉપર બધા હસી પડ્યાં.

હું ફરી રિહર્સલમાં ‘બીઝી’ થઈ ગયો. મનહરે બીજે દિવસે જા.ખ. નો લે-આઉટ લાવવાની વાત કરી. મેં ટાઈટલની વાત કાઢી તો મનહર કહે, ‘આપણી પહેલી જા.ખ. ‘ટિઝર’ હશે, માત્ર ફોટા અને કેપ્શન. ટાઈટલ વિશે કાલે વિચારીશું.’

બીજી તરફ, ડોલર પટેલ અને સુભાષ ખન્ના ખુશ હતા. ડોલર તો ગુજરાતી હતો પણ પંજાબી સુભાષ માટે આ પહેલો અખતરો હતો. દોસ્તી દાવે જ સુભાષ નિર્માતા ડોલર સાથે જોડાયો હતો. દોસ્તી વસ્તુ જ એવી છે. મિત્રતા વિકલ્પ નથી સંકલ્પ છે. આ સુભાષ ખન્નાની અંગત લાઈફ ઉપર પણ નાટક થઈ શકે. એ એક યુવતીના પ્રેમમાં હતો. કોઈ કારણસર બંનેના લગ્ન ન થઈ શક્યાં. બંને અલગ-અલગ પરણી ગયાં. અમુક વર્ષો પછી સુભાષ ખન્નાની વાઈફનું નિધન થયું. કોઈ એક દિવસે સુભાષ સાંતાક્રુઝના ‘અકબરઅલીઝ’ માં કશુંક ખરીદી કરવા ગયો. યોગાનુયોગ એ સમયે એ યુવતી, જે હવે સ્ત્રી બની ચુકી હતી, જેના પ્રેમમાં સુભાષ હતો એ મળી. બંનેએ ઉષ્માભેર વાતો કરી. એ સ્ત્રીનાં પતિનું પણ થોડાં વર્ષો પહેલા નિધન થયું હતું. બંનેએ પરિવારની રજા લઇ લગ્ન કર્યા. છે ને ગજબનો યોગાનુયોગ !

મને આ વાત સુભાષે કરી ત્યારે મારાથી સહજ પુછાય ગયું કે ‘સમાજે કોઈ વાંધો ન લીધો?’ ત્યારે સુભાષે સરસ વાત કરી, ‘તમારા કોઈ પણ સિદ્ધાંતોથી જગતને કોઈ લેવા-દેવા નથી. કામમાં આવો તો તમે કૃષ્ણ અને ન કામમાં આવો તો કંસ, મેં લીધેલા નિર્ણયથી આજે હું ખુબ ખુશ છું.’

આપણ વાંચો:  90ના દશકમાં સ્ટાર્સ ઉપર આવાં ‘જુલમ’ થતાં!

ભૂરો: (મનોચિકિત્સકને) સાહેબ, હું બારણું હોઉં એવું મને લાગે છે…
મનોચિકિત્સક: કેમ?

ભૂરો: મારી પત્ની મને સતત ખખડાવ્યાં જ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button