મેટિની

90ના દશકમાં સ્ટાર્સ ઉપર આવાં ‘જુલમ’ થતાં!

એ જમાનામાં હીરોઈનોની સાથે હંમેશાં એમની મમ્મીઓ શૂટિંગ વખતે હાજર રહેતી હતી. દરેક વખતે હીરોઈન કરતાં મમ્મીનાં નખરાં વધારે રહેતા હતાં

  • મહેશ નાણાવટી

સંજય દત્ત, સની દેઓલ, આમિર ખાન, રાણી મુખરજી, રર્વિના ટંડન, શર્મિલા ટાગોર,સૈફ અલી ખાન,

આજકાલના બોલિવૂડ સ્ટાર લોકોના નખરાં એટલા બધાં વધી ગયા છે કે દરેકની પોતપોતાની એરકડિન્શન્ડ વેનિટી વાન તો હોય જ છે. ઉપરથી એમના દસ-દસ ‘પર્સનલ સ્ટાફ’નો પગાર પણ બિચારો પ્રોડ્યુસર ચૂકવતો હોય છે.

’90 ના દાયકામાં એવું નહોતું- ફિલ્મ સ્ટારોને આઉટડોર શૂટિંગમાં વધુમાં વધુ એક છત્રી પકડનારો આપવામાં આવતો હતો. બસ! આના કારણે તમે ખાસ જૂની ફિલ્મનાં ગાયનોમાં જોજો, કે બિચારી હીરોઈન નાચી નાચીને પરસેવે રેબઝેબ થઈ ગઈ હોય એવું ચહેરા ઉપર તો ના દેખાય, પણ એનું બ્લાઉઝ બગલમાંથી એટલું ભીનું થઈ ગયું હોય કે છેક દૂરથી બ્લાઉઝના રંગમાં પરસેવાના મોટા મોટા ધાબાં જોવા મળશે!

બોબી દેઓલ જ્યારે ‘ગુપ્ત’ના એક ગાયનનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે એને આ વાતનું ભાન ઓલરેડી હતું એટલે એ પોતાના પેન્ટ-શર્ટની છ- છ જોડી પોતાના ખર્ચે સીવડાવતો હતો!

પોતાની જાતને ‘પરફેક્શનિસ્ટ’ કહેવડાવતા આમિર ખાન માટે કહેવાય છે કે ફિલ્મ ‘રંગીલા’ માટે એણે પોતાનાં દોસ્તોનાં જૂનાં શર્ટ ઉધાર માગીને પહેર્યાં હતાં અને ફિલ્મ ‘ગુલામ’માં એક લાંબા દૃશ્યમાં એણે કાદવમાં રગદોળાવાનું હતું, જેનું શૂટિંગ બે-ત્રણ દિવસ સળંગ ચાલવાનું હતું. એટલે ભાઈ સાહેબે નહાવાનું જ માંડી વાળ્યું હતું!

જોકે, પેલાં બગલની સમસ્યા ‘મુન્નાભાઈ ખઇઇજ’ વખતે સંજય દત્તને થઈ હતી. ફિલ્મના ટાઈટલ સોંગના શૂટિંગમાં સંજય દત્તે ઓરેન્જ કલરનું શર્ટ પહેરેલું હતું. આઉટડોર શૂટિંગમાં તડકાને લીધે સ્વાભાવિક છે કે શર્ટમાં પરસેવામાં ધાબાં દેખાવા લાગ્યા હતાં. સંજય દત્તે દિગ્દર્શક રાજકુમાર હિરાનીનું ધ્યાન દોરીને કહ્યું ‘યાર, આવાં બે -ચાર શર્ટ રેડી રાખવાં જોઈએ ને? ત્યારે હિરાનીએ કીધું હતું. ‘તેરા કેરેક્ટર ટપોરી કા હૈ. અમીરઝાદે કા નહીં’! શર્ટમાં પરસેવો થાય તો થાય જ ને?!’

90ના દાયકામાં આજની જેમ સ્ટુડિયોમાં એસી નહોતાં. એના કારણે ખાસ કરીને ગાયનોના શૂટિંગ વખતે સ્ટાર લોકોને બહુ પરસેવો પાડવો પડતો હતો. આવા જ એક ગાયન વખતે સૈફ અલી ખાનનો કૂચો નીકળી રહ્યો હતો.
એમાં વળી કોરિયોગ્રાફર સરોજખાને એવાં સ્ટેપ કરાવ્યાં કે જેમાં પોતાનાં ઘૂંટણ ફર્શ પર પછાડવાનાં આવે! શૂટિંગ પત્યા પછી સૈફના ઘૂંટણ છોલાવાથી લોહી નીકળ્યું હતું. સૈફ પોતાની હાલત જોઈને માથું પકડીને બેઠો હતો ત્યારે સરોજખાને આવીને કહ્યું હતું : ‘દેખના, તેરા યે ખૂન તુઝે એક દિન કહાં પહુંચાયેગા!’ સૈફ અલી ખાન આ ડાયલોગ યાદ કરીને આજે પણ હસી પડે છે.

એ જમાનામાં હીરોઈનોની સાથે હંમેશાં એમની મમ્મીઓ શૂટિંગ વખતે હાજર રહેતી હતી. દરેક વખતે હીરોઈન કરતાં મમ્મીનાં નખરાં વધારે રહેતા હતાં. ‘બેબી ઐસે કપડે નહીં પહનેગી, બેબી ઐસે ખાના નહીં ખાયેગી, બેબી ઐસા ડાન્સ નહીં કરેગી…’ વગેરે. જોકે, આ વાતને લઈને ડિમ્પલ કાપડિયા બહુ બિન્દાસ હતાં. એ કદી એમની દીકરી ટ્વિન્કલ ખન્ના સાથે શૂટિંગમાં જતાં નહીં. આ કારણે ટ્વિન્કલને બીજી હીરોઈનની જેમ ખાસ નખરાં કરવાની આદત નહોતી. એ સેટ ઉપર સમયસર પહોંચી ગઈ હોય. આવા સમયે હીરો મોડો પડ્યો હોય કે સેટ ઉપર લાઈટિંગ વગેરેનું કામ ચાલતું હોય ત્યારે ટ્વિન્કલ એકાદ પુસ્તક વાંચવા બેસી જતી. એક વખત પુસ્તક વાંચવાને બદલે એણે નવી હોબી તરીકે ગૂંથણકામ શરૂ કરેલું!

હવે હીરોઈન ગૂંથણકામ કરતી હોય એમાં શું? પણ ટ્વિન્કલ યાદ કરીને કહે છે કે મારી સાથે રહેનારો સ્પોર્ટબોય એન્થની, જે મારી મમ્મીની સાથે વરસોથી હતો, એ મને ટપારતો : ‘બેબી , આ ગૂંથણકામ બંધ કરોને!’

ટ્વિન્કલે પૂછ્યું: કેમ? તો કહે છે : ‘મેડમ, તમે હીરોઈન અને મમ્મી બન્ને એકસાથેના બની શકો’ એન્થનીનો કહેવાનો મતલબ એમ હતો કે ગૂંથણકામ તો મમ્મીઓ જ કરે ને!

એ જમાનામાં ફિલ્મસ્ટાર્સ માત્ર કામ, કામ અને કામમાં જ બિઝી રહેતા હતા. જિતેન્દ્ર અને મિથુન ચક્રવર્તી જેવા સ્ટાર્સ સળંગ ત્રણ ત્રણ શિફ્ટમાં કામ કરતા હતા. આવી જ કંઈક હાલત રવિના ટંડનની પણ હતી. એક સમય એવો હતા જ્યારે એ એક સાથે છ-છ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. આમાં એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયોમાં જવામાં જ થાકી જવાતું હતું. કહે છે કે તે વખતે રવિના ટંડને એના ત્રણ પ્રોડ્યુસરોને કહ્યું હતું કે ‘સાહેબો, તમે એક જ સ્ટુડિયોમાં મારું શૂટિંગ રાખોને! અને ખરેખર એવું જ થયું પણ હતું ! એમાં સળંગ ચારેક દિવસ એવા હતા જ્યારે રવિના ટંડન એની વેનિટી વાનમાં ઊંઘતી હોય ત્યારે એનો મેકઅપ મેન એના ચહેરા ઉપર મેકઅપ કરી લેતો હતો.! બોલો!

એ જમાનામાં અમુક અણઘડ શોર્ટ- કટ કેવા કેવા હતા તે યાદ કરતાં રાની મુખર્જીને ધ્રુજારી ચડી જાય છે.

આ ઘટના બની હતી ‘ગુલામ’ના શૂટિંગ વખતે. રાની મુખર્જી શૂટિંગમાં પહોંચી ત્યારે ક્ન્ટીન્યુટી રાખનાર વ્યક્તિને ખ્યાલ આવ્યો કે રાનીના વાળ બિલકુલ સીધા હોવા જોઈએ. આ વખતે સમય બચાવવા માટે રાનીને રીતસર એક ટેબલ પર સૂવડાવવામાં આવી અને ગરમ ઈસ્ત્રી વડે તેના વાળ સીધા કરી નાખ્યા હતા.!

એક સમયે હીરોઈનોના માથે મોટાં મોટાં અંબોડા રાખવાની ફેશન હતી. આમાં બિચારાં શર્મિલા ટાગોરને સૌથી વધુ ત્રાસ થતો, કેમકે એમની હાઈટ પણ ખાસ્સી ઓછી હતી. આ કારણે એમની ‘ઊંચાઈ’ વધારવા માટે માથામાં મોટા મોટા ડટ્ટા ખોસવામાં આવતા હતા. (જોકે એ જમાનામાં તનુજાની હાઈટ પણ ઓછી હતી છતાં તમે માર્ક કરજો, એમણે બહુ ઓછી ફિલ્મોમાં માટલાં જેવડા અંબોડા રહેવા દીધા છે.)

આપણ વાંચો:  રિચાર્ડ નોર્ટન: સ્ટન્ટ્સની દુનિયાના આઈકોનિક હીરોની વિદાય

શર્મિલાજી નવાં નવાં હતાં ત્યારે તો રીતસર રાહ જોતાં હતાં કે ક્યારે ‘પેકઅપ’ થાય અને ક્યારે માથાનો ‘ભાર’ ઉતારવા મળે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button