રિચાર્ડ નોર્ટન: સ્ટન્ટ્સની દુનિયાના આઈકોનિક હીરોની વિદાય

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
હોલિવૂડના પોપ્યુલર સ્ટન્ટ કો-ઓર્ડિનેટર અને માર્શલ આર્ટ્સ માસ્ટર રિચાર્ડ નોર્ટનનું 75 વર્ષની વયે તાજેતરમાં મલબોર્ન-ઓસ્ટ્રેલિયામાં અવસાન થયું.
રિચાર્ડની કરિયર એવા સમયે પ્રભાવશાળી રહી છે જ્યારે માર્શલ આર્ટ્સ અને એક્શન સિનેમાને નવા દિશાદર્શકની જરૂર હતી. એમણે ‘મેડ મેક્સ: ફ્યુરી રોડ’, ‘સુસાઈડ સ્ક્વોડ’, ‘સિટી હંટર’, અને ‘ધ ઑક્ટાગોન’ જેવી ફિલ્મ્સમાં જબરદસ્ત સ્ટન્ટ કો-ઓર્ડિનેશન કરીને સિનેમા ક્ષેત્રે પોતાનું સ્થાન સ્થાપિત કર્યું હતું.
રિચાર્ડ નોર્ટનની ફિલ્મ કરિયર અને માર્શલ આર્ટ્સમાં પ્રદર્શન એટલું અસરકારક હતું કે આજકાલની એક્શન ફિલ્મ્સ અને સ્ટન્ટ કોરિયોગ્રાફી પર પણ એમનો પ્રભાવ એટલો જ દેખાય છે. એ માત્ર સ્ટન્ટ કો-ઓર્ડિનેટર નહીં, પરંતુ એક્શન સિનેમા માટે એક પ્રેરણારૂપ વ્યક્તિત્વ હતા. રિચાર્ડની કરિયરની શરૂઆત માર્શલ આર્ટ્સ સાથે થઈ હતી. જોકે, માર્શલ આર્ટ્સમાં પણ એમણે અનેક શૈલીઓ શીખી હતી, જેમ કે ઝેન ડો કાઈ, ગોજૂ-ર્યુ કરાટે, બ્રાઝિલિયન જીઉ-જિત્સુ અને કિકબોક્સિંગ. એમની કઠોર મહેનતનું પરિણામ એ રહ્યું એમણે જગતભરમાં આખી દુનિયામાં એક માર્શલ આર્ટિસ્ટ તરીકે આગવી ઓળખ મેળવી.
1980માં ચક નોરિસ સાથે ‘ધ ઑક્ટાગોન’ ફિલ્મથી હોલિવૂડમાં એન્ટ્રી કરી. આ ફિલ્મમાં એ વિલનના પાત્રમાં છવાઈ ગયા હતા. આ ફિલ્મથી એ સાબિત થઈ ગયુ કે નોર્ટન માત્ર માર્શલ આર્ટ્સ એક્સપર્ટ જ નહીં, પરંતુ એક મજબૂત અભિનેતા પણ છે. 1990ના દાયકામાં, રિચાર્ડ નોર્ટને ‘સિટી હંટર’ (1993) અને ‘મિસ્ટર નાઈસ ગાય’ (1997) જેવી જાણીતી એશિયન ફિલ્મ્સમાં પણ કામ કર્યું, જેમાં એમણે જેકી ચેન સાથે અભિનય કર્યો હતો. અહીં એમને એક્ટિંગ અને સ્ટન્ટ કો-ઓર્ડિનેશન બંનેમાં પોતાની કલાનું પ્રદર્શન કરવાનો અવસર મળ્યો.
તાજેતરના વર્ષોમાં, નોર્ટને ‘સુસાઇડ સ્ક્વોડ’, ‘ધ સુસાઇડ સ્ક્વોડ’, ‘બ્લેકલાઇટ’ અને ‘એક્સ-મેન: ડાર્ક ફિનિક્સ’ જેવી હાઈ-ઑક્ટેન એક્શન ફિલ્મોમાં ફાઇટ કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું. તેમને ‘મેડ મેક્સ: ફ્યુરી રોડ’ (2015) અને ‘ફ્યુરીઓસા: અ મેડ મેક્સ સાગા’ (2024) જેવા છેલ્લા મોટા પ્રોજેક્ટ્સમાં પણ અત્યંત સફળતા અને નામના મળી. ‘મેડ મેક્સ’ના સ્ટન્ટ કો-ઓર્ડીનેટર તરીકે નોર્ટનના કામની દુનિયાએ ખૂબ પ્રશંસા કરી.
આ દુખદ સમાચાર સોશ્યલ મીડિયામાં શેર કર્યા પછી સિનેજગતની અનેક સેલિબ્રિટીઝે દુ:ખ વ્યક્ત કર્યું છે. ‘ધ સુસાઈડ સ્ક્વોડ’ના દિગ્દર્શક જેમ્સ ગને નોર્ટનના અવસાન પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું, ‘હું રિચાર્ડને ‘ધ સુસાઇડ સ્ક્વોડ’ માં ફાઇટ કોરિયોગ્રાફર તરીકે મળ્યો હતો. એમણે હાર્લીનો એસ્કેપ સીન, પીસમેકર અને રિક ફ્લેગ જુનિયર સહિત બીજા ઘણા એક્શન સીન્સ કોરિયોગ્રાફ કર્યા હતા. એ એક મજાના ઓસ્ટ્રેલિયન માણસ હતા. ચક નોરિસે પણ શ્રદ્ધાંજલિ આપી કહ્યું કે ‘રિચાર્ડ, તમે માત્ર શ્રેષ્ઠ માર્શલ આર્ટિસ્ટ નહોતા, પરંતુ શ્રેષ્ઠ માણસ પણ હતા. તમે ઘણાં લોકોને પ્રેરણા આપી, અને તમારો વારસો અને પ્રભાવ પેઢીઓ સુધી જીવંત રહેશે.’
આજે બિગ બજેટ એક્શન ફિલ્મ્સ થિયેટર માટે ઇવેન્ટ ફિલ્મ્સ બને છે અને અનેક રેકોર્ડ્સ બનાવે છે ત્યારે એક્શનનો સઘળો મદાર પોતાના પર લઈને ફિલ્મને વધુ મનોરંજક બનાવવાનું કામ કરનાર રિચાર્ડ નોર્ટન જેવા લોકો અને આખી સ્ટન્ટ કમ્યુનિટીને યોગ્ય સન્માન મળે એ ખૂબ જ જરૂરી છે. બિગ બજેટ ફિલ્મ્સમાં એક્શનના મહત્ત્વના લીધે જ આજે ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં થતી તૈયારીમાં સ્ટન્ટ્સને ત્યાં સુધી મહત્ત્વ મળવા લાગ્યું છે કે મ્યુઝિક અને વીએફએક્સની માફક સ્ટન્ટ્સ પણ કોરિયોગ્રાફ થઈ જાય પછી જ મુખ્ય સિનેમેટોગ્રાફી શરૂ થાય છે. રિચાર્ડ નોર્ટનનું જીવન અને કારકિર્દી એ આદર્શ પુરાવા તરીકે રહેશે કે કેવી રીતે એક વ્યક્તિ એની મહેનત અને કલા દ્વારા સિનેમા જગતમાં પોતાનું સ્થાન બનાવી શકે છે!
લાસ્ટ શોટ
રિચાર્ડ નોર્ટનને ‘ઝેન ડો કાઇ’ નામના માર્શલ આર્ટ સ્ટાઇલના કો-ક્રિએટર તરીકે પણ ઓળખવામાં આવે છે.