મહારાષ્ટ્ર

બહેનોને અત્યારે 2,100 રૂપિયા આપવા અશક્ય: નીલમ ગોરે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં લાડકી બહેન યોજના શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત, મહિલાઓના ખાતામાં દર મહિને 1500 રૂપિયા આપવામાં આવતા હતા. દરમિયાન, એવું વચન આપવામાં આવ્યું હતું કે જો વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ સત્તામાં આવશે તો આ રકમ વધારીને 2100 રૂપિયા કરવામાં આવશે, પરંતુ હાલમાં મહિલાઓના ખાતામાં 2100 રૂપિયાની રકમ પહોંચવી અશક્ય લાગી રહી છે.

મનસે પ્રમુખ રાજ ઠાકરેએ ગુડી પડવાના મેળાવડામાં એવું નિવેદન આપ્યું હતું કે લાડકી બહેન યોજના બંધ કરવામાં આવશે. આ સંદર્ભમાં મહાયુતિના મહત્વના નેતાઓ દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર બાદ શિવસેનાના નેતા નીલમ ગોરેનું નિવેદન ચર્ચામાં આવ્યું છે, જેમાં તેમણે એવો દાવો કર્યો છે કે અત્યારે મહિલાઓને 2,100 રૂપિયા આપવાનું શક્ય નથી.

આ પણ વાંચો: લાડકી બહેન જેવી યોજના પર લટકતી તલવાર

ડેપ્યુટી સ્પીકર નીલમ ગોરેએ મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના હેઠળ ભંડોળના વિતરણ અંગે કહ્યું હતું કે રાજ્ય સરકાર અત્યારે લાડકી બહેનોને 2,100 રૂપિયા આપી શકતી નથી. જ્યારે સરકાર સક્ષમ થશે, ત્યારે બહેનોને 1,500 રૂપિયાથી વધારીને 2,100 રૂપિયા આપશે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ આગાહી કરી છે કે લાડકી બહેન યોજના બંધ થઈ જશે. લાડકી બહેન યોજના સરકાર પર મોટો આર્થિક બોજ નાખી રહી છે. રાજ ઠાકરેએ એમ પણ કહ્યું કે જો લાડકી બહેનને 2,100 રૂપિયા આપવામાં આવે તો સરકાર પર દર વર્ષે 63,000 કરોડ રૂપિયાનો બોજ પડશે. શાસક પક્ષે રાજ ઠાકરેની આગાહીની ટીકા કરી છે. એ વાત સાચી છે કે આ યોજના સરકાર પર દબાણ લાવી રહી છે, પરંતુ અમે અમારી બહેનોને નારાજ નહીં થવા દઈએ. શંભુરાજ દેસાઈ અને પ્રવીણ દરેકરે કહ્યું હતું કે અમારું ધ્યાન આવક વધારવા પર છે. અમે અમારી લાડકી બહેનોને નારાજ નહીં કરીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button