અમેરિકાએ ઠોકેલા ટેરિફ બાબતે શું કરશો? રાહુલ ગાંધીએ સરકારને કર્યો સવાલ

નવી દિલ્હીઃ લોકસભામાં એક તરફ વક્ફ બિલનો મુદ્દો ગરમાયો છે. બિલ લોકસભામાં પાસ થયું હોવા છતાં વિરોધ કરનારા નેતાઓ મોદી સરકારને વખોડી રહ્યા છે. તેવામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઠોકી દીધેલા ટેરિફને લીધે સરકાર વધારે ભીંસમાં આવી છે. જોકે ટ્રમ્પે દુનિયાભરના દેશો પર ટેરિફ લગાવ્યો છે. ભારત પર 26 ટકા ટેરિફ લગાવ્યો છે. આ અંગે સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં સરકારને સવાલો કર્યા હતા. ગાંધીએ કહ્યું કે ટેરિફથી દેશની આર્થિક વ્યવસ્થા પર અસર થશે તો હવે તમે શું કરવાના છે. આપણી ઓટોમોબાઈલ અને ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રી ખતમ થઈ જશે. રાહુલ ગાંધીએ ચીને ભારત પાસેથી ઝૂંટવી લીધેલી જમીન વિશે પણ વાત કરી હતી.
રાહુલના આ આરોપો પર ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે અક્સાઈ ચીનની જમીન કોની સરકારમાં ગઈ? તે સમયે કોની સરકાર હતી? હિન્દી-ચીન ભાઈચારાની વાતો કરતા રહ્યા અને ચીને પીઠમાં છરો ભોંક્યો. ડોકલામ ઘટના સમયે કયા નેતાઓ હતા, જેઓ ચાઈનીઝ નેતાઓ સાથે ચાઈનીઝ સૂપ પીતા રહ્યા? તે નેતાઓ આપણા સૈનિકો સાથે ઊભા ન રહ્યા. રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીનના અધિકારીઓ પાસેથી પૈસા કેમ લીધા? અમે ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો છે. મોદીજીએ દેશની સેનાનું મનોબળ વધાર્યું. વિપક્ષ માત્ર રાજનીતિ કરે છે, તેમ ઠાકુરે કહ્યું હતું.
ટ્રમ્પે અગાઉ કહ્યું હતું તે પ્રમાણે ભારત અમેરિકા પાસેથી 52 ટકા ટેરિફ લે છે. મોદી મારા સારા મિત્ર છે, પરંતુ અમારી સાથે સારો વ્યવહાર થઈ રહ્યો નથી.
વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં મીડિયાને સંબોધિત કરતા ટ્રમ્પે 2 એપ્રિલને અમેરિકા માટે લિબરેશન ડે ગણાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને આ મુક્તિ દિવસની લાંબા સમયથી જરૂર હતી. હવેથી, 2 એપ્રિલને અમેરિકન ઉદ્યોગના પુનર્જન્મ દિવસ તરીકે યાદ કરવામાં આવશે. ટ્રમ્પના ટેરિફની અસર ઘણા દેશોને થશે અને આ દેશોએ વિરોધ પણ નોંધાવ્યો છે.
સવારે મોદી સરકારના અધિકારીએ જણાવ્યું હતું કે આ સેટબેક નથી પણ મિક્સબેગ છે. આ ટેરિફના પરિણામો વિશે સરકાર ચર્ચા કરશે અને આગળની ગતિવિધિ વિશે વિચારશે.
આપણ વાંચો: ટ્રમ્પના ટેરિફથી ભારતીય કંપનીઓને થશે ફાયદો, જાણો વિગતવાર