
નવી દિલ્હીઃ વક્ફ સંશોધન બિલ લોકસભામાં પાસ થયું હતું. બિલ અંગે આજે રાજ્યસભામાં ચર્ચા થઈ રહી છે. આ સમયે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગૃહમાં પુષ્પા ફિલ્મનો ડાયલોગ ઝૂકેગા નહીં બોલ્યા હતા. વક્ફ સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન તેમણે ગઈકાલે ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર દ્વારા લગાવવામાં આવેલા આરોપ પર પલટવાર કરતી વખતે આ ડાયલોગ બોલ્યા હતા.
તેમણે કહ્યું, ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે તેમના પર જે આરોપો લગાવ્યા છે તે પાયાવિહોણા છે. જો આરોપ સાબિત થશે તો હું રાજીનામું આપી દઈશ. ખડગેએ કહ્યું, અનુરાગ ઠાકુરે ગઈકાલે લોકસભામાં મારા પર જે આરોપ લગાવ્યા હતા તેનાથી મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. તેઓ ભાજપના આવા પેંતરા સામે નહીં ઝૂકે. ભાજપના નેતાઓ મને ડરાવીને ઝુકાવા માંગે છે પણ હું ક્યારેય ઝૂકીશ નહીં.
શું છે મામલો
વક્ફ બિલ પર ચર્ચા દરમિયાન ભાજપ સાંસગ અનુરાદ ઠાકુરે આરોપ લગાવતાં કહ્યું હતું કે ખડગેએ વક્ફની જમીન પચાવી પાડી છે. આ દરમિયાન ખડગેએ તેમની નારાજગી વ્યક્ત કરી હતી. કૉંગ્રેસ અધ્યક્ષે ભાજપ સાંસદ માફી માંગે તેમ કહ્યું હતું.
વક્ફ સંશોધન બિલ શું છે
વક્ફ સંશોધન બિલ 2024, વક્ફ અધિનિયમ 1995માં ફેરફાર કરનારું એક બિલ છે. તેનો હેતુ વક્ફ સંપત્તિઓના મેનેજમેન્ટ, પારદર્શકતા, દુરુપયોગ રોકવા માટે નિયમોને કડક કરવાનો છે. બિલમાં વક્ફ બોર્ડમાં બિન મુસ્લિમ અને મહિલા સભ્યોને સામેલ કરવા, કલેકટરને સંપત્તિ સરવેનો અધિકાર આપવો અને વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકારવાની જોગવાઈ સામેલ છે.
આપણ વાંચો: પોલીસને તેની મર્યાદાનો ખ્યાલ હોવો જોઇએ! નહિતર…. આરોપી સાથે ગેરવર્તન પર સુપ્રીમ કોર્ટ લાલધુમ