ઉપેન્દ્ર ત્રિવેદીએ નાટક માટે બોલાવી, પણ હું ગઈ જ નહીં…
મહેશ્ર્વરી
કાંદિવલી વિલેજની નોકરી આર્થિક જરૂરિયાત સંતોષવામાં મદદરૂપ થઈ રહી હતી. કિશોરાવસ્થાના ઉંબરે હજી પગ મૂક્યો હતો ત્યાં જીવનમાં અણધાર્યો વળાંક આવી રહ્યો હતો. નોકરી ચાલુ હતી એ સમયે કેટલીક બહેનોની ઓળખાણ થઈ જે નાટ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હતી. એ બહેનો ગણપતિ ઉત્સવ દરમિયાન ૧૦ દિવસ નાટક કરે અને તેમને એક શૉના ૩૦ રૂપિયા લેખે મળતા હતા. મને આ વાત બહુ આકર્ષક લાગી. નોકરીમાં મહિને દાડે ૬૦ રૂપિયા મળતા હતા અને એટલા જ પૈસા નાટકના બે શો માટે. વાહ ભઈ વાહ! હું તો હરખાઈ ગઈ અને નાટકમાં કામ કરવા પરવાનગી લેવા પપ્પાને વાત કરી. જોકે, એમને મારી વાત જરાય રુચિ નહીં. બહુ અકળાઈ ગયા અને તરત ઘરની બહાર નીકળી રેલવેના પાટાની દિશામાં જવા લાગ્યા. અમે બધા ગભરાયા. તરત એમની પાછળ દોડ્યા અને જોયું તો પપ્પા રડમસ ચહેરે જીવ આપી દેવા પાટા પર બેઠા હતા. તેમનું બસ એક જ રટણ હતું કે ‘નાટકમાં કંઈ કામ કરાતું હશે?’ એ સમયે સ્ત્રી ફિલ્મ – નાટકમાં કામ કરે એ મોટાભાગના પરિવારને મંજૂર નહોતું. જોકે, અંતે તેમને મનાવી લેવામાં અમે સફળ રહ્યા. પરમિશન મળી અને ‘માઝં કુંકુ’ એ મારું પ્રથમ મરાઠી નાટક. આ નાટક મેં ગામની જત્રામાં વિરાર ખાતે ભજવ્યું અને એ નાટકને ખાસ્સી લોકપ્રિયતા મળી. ઠેર ઠેર ‘આ જયશ્રી ભીડે કોણ છે?’ એવી ચર્ચા થવા લાગી. આ વાત છે ૧૯૫૭ની આસપાસની. તખ્તા પર પગ માંડી દીધા અને ગણપતિ ઉત્સવ, સત્યનારાયણની પૂજા અને નવરાત્રી જેવા પ્રસંગોએ હું નાટકો કરવા લાગી. નાટકની નવી તક મળી તો સાથે નોકરીમાં પણ નવું કામ મળવાના સંજોગો ઊભા થયા. કાંદિવલી વિલેજમાં જે ચશ્માના કારખાનામાં હું નોકરી કરતી હતી ત્યાં પોલિશ મશીન પર કામ કરો તો વધુ પગાર મળતો. એ વધુ પૈસા મેળવી પરિવારની જરૂરિયાત સંતોષવા મેં એ કામ પણ શીખી લીધું. જોકે, નોકરી – નાટક એ બે ઘોડા પર સવાર થવું મને આકરું પડી રહ્યું હતું. સવારે આઠથી સાંજે પાંચ સુધી નોકરી. નોકરીમાંથી છૂટી સાતેક વાગ્યે વસઈ – વિરાર રિહર્સલ કરવા જતી. સવારે ચાર વાગ્યે રિહર્સલ પતાવી ઘરે પાછી ફરું અને અડધો પડધો આરામ કરી સવારે આઠ વાગ્યે તો પાછા નોકરીએ પહોંચી જવાનું. મશીન પર કામ કરવામાં સજાગતા તો રાખવી જ પડે. એક દિવસ પોલિશિંગ મશીન પર કામ કરી રહી હતી ત્યાં અચાનક ઝોકું આવી ગયું અને જો અમારા સુપરવાઈઝરનું ધ્યાન ન પડ્યું હોત તો મારું માથું મશીનમાં આવી કપાઈ ગયું હોત. યમરાજા જાણે દરવાજે ટકોરા મારી પાછા વળ્યા. બચી ગઈ એ માટે ઈશ્ર્વરનો પાડ માન્યો. ઘરે આવી મમ્મીને વાત વિગતે કરી તો એ રીતસરની હેબતાઈ જ ગઈ. બે દિવસ તો નોકરી પર ગઈ જ નહીં. ઘડી ઘડી નજર સામે પેલું મશીન દેખાયા કરે અને ધ્રુજી જવાય. થોડી સ્વસ્થ થઈ અને નોકરીએ પાછી ચડી ગઈ, પણ નોકરીએ જતા અને ઘરે પાછા ફરતા મન ચકરાવે ચડી જતું. નાટકનું સ્ટેજ અને પોલિશ મશીન વારાફરતી નજર સામે તરવર્યા કરે. અંતે નોકરી – નાટકની ડબલ સવારીનો મોહ છોડી એક જ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું. કયા રસ્તે એની ગડમથલ ચાલુ હતી. પેટ કહેતું કે નોકરી ચાલુ રાખ જ્યારે દિલ કહેતું કે નવી દિશા ઉઘડી છે તો એ રસ્તે આગળ વધ. નોકરી અને નાટકના દ્વંદ્વમાં નાટકનો વિજય થયો અને મેં નોકરી છોડી દીધી. ફૂલ ટાઈમ નાટકો જ કરવા એ ગાંઠ મનમાં પાકી બંધાઈ ગઈ. જોકે, હું વ્યવસાયી રંગભૂમિ સાથે હજી સંકળાઈ નહોતી એટલે માત્ર નાટકો પર નભી શકાશે કે કેમ એની દ્વિધા હતી. એટલે રિસ્ક નથી લેવું એવા વિચારે કાંદિવલીમાં જ પારેખ નગરમાં નવી ચશ્માની ફેક્ટરીમાં પાછી નોકરીએ ચડી ગઈ.
પણ જીવ સ્ટેજ પર આંટા મારતો હતો એટલે નોકરીમાં ક્યાંથી ચોંટે? બાજુમાં બીજી એક ફેક્ટરી હતી જેમાં બોબીનમાં દોરો વીંટવાનું કામ શીખી ગઈ. બોબીનમાં દોરો વીંટતી વખતે મને ક્યાં ખબર હતી કે આ નોકરી મારા માટે સાવ નવી એન્ટ્રી ઊભી કરવાની હતી. બોબીન ફેક્ટરીનો મેનેજર ઉપેન્દ્ર ત્રિવેદીનો દોસ્ત હતો. જોગાનુજોગ એવું બન્યું કે ઉપેન્દ્ર ભાઈને તેમના નાટક માટે એક યંગ છોકરી જોઈતી હતી. પેલા મેનેજરે ઉપેન્દ્રભાઈને કહ્યું કે ‘તમે કાંદિવલીમાં નાટક જોવા આવો. એક છોકરી છે જે બહુ સરસ કામ કરે છે.’ એટલે અભિનેત્રીની તલાશમાં ઉપેન્દ્ર ત્રિવેદી ‘આયુષ્યાચા ખેળ’ નામના મારા મરાઠી નાટકનો શો જોવા આવેલા. નાટકમાં હું ગૃહિણીનું મુખ્ય પાત્ર ભજવતી હતી. એમને મારું કામ ગમ્યું હશે એટલે મને તેમના નાટકમાં કામ કરવા કહેણ મોકલ્યું, પણ હું ગઈ જ નહીં. ન જવા માટે મારું કારણ એટલું જ હતું કે ઉપેન્દ્ર ત્રિવેદીને હું ઓળખતી જ નહોતી. એમની પ્રતિભા વિશે મને કોઈ જાણકારી નહોતી. અરે, ગુજરાતી થિયેટર જ નહોતી જાણતી. મારી ‘રંગભૂમિની દુનિયા’ ગણેશોત્સવ મંડળના તેમ જ પૂજા – નવરાત્રીના મરાઠી નાટકો પૂરતી સીમિત હતી.
બસ, એટલે હું ન ગઈ. બીજું કોઈ કારણ નહોતું. આમ મારા માટે ઉઘડી રહેલો એક
નવો દરવાજો મેં જાતે જ બંધ કરી દીધો. પણ કહે છે ને કે એક દરવાજો બંધ થાય તો ઈશ્વર બીજો
દરવાજો ખોલી આપે છે. મને એવું કામ મળ્યું જેની સપનેય કલ્પના નહોતી. અને હા, આ એવું કામ હતું જેમાં એક અલગ જ અનુભવ ગાંઠે બંધાઈ જવાનો હતો.
પતિએ પત્નીને પગે પડાય?
જશવંત ઠાકર ગુજરાતના પ્રભાવશાળી નટ, દિગ્દર્શક, લેખક, ચિંતક, ક્રાંતિકારી, ડાબેરી વિચારધારા ધરાવનારા રાજકીય – સામાજિક કર્મશીલ અને નાટ્યકલાના પ્રખર વિદ્વાનની ઓળખ ધરાવે છે. ’ગુજરાત લોકનાટ્ય સંઘ’ના નેજા હેઠળ નાટ્ય પ્રવૃત્તિ કરતી વખતે તેમને એ સમયના વગદાર રાજનેતાઓ સામે ટક્કર લેવાનો વારો આવ્યો હતો. એ સમયે ’લોકનાટ્ય સંઘ’ સામ્યવાદી છે એવું કહી શ્રી મોરારજી દેસાઈએ તેમની પ્રવૃત્તિઓની સખત ટીકા કરી હતી. ચં. ચી. મહેતાનું ‘સીતા’ નાટક તંગ આર્થિક પરિસ્થિતિ અને મોરારજીભાઈના વિરોધને અવગણી અમદાવાદમાં ૧૯૪૪માં તેમણે સફળતાપૂર્વક ભજવ્યું હતું. આ નાટકના મંચનમાં પૃથ્વીરાજ કપૂર અને વી. શાંતારામ જશવંત ભાઈને મદદરૂપ થયા હતા. એનો એક મજેદાર પ્રસંગ જાણવા જેવો છે. નાટકમાં પ્રભાબહેન પાઠક સીતાની ભૂમિકામાં હતા જ્યારે તેમના પતિ અરવિંદ ભાઈ પાઠક સીતા મૈયાના દિયર ભરતનો રોલ કરતા હતા. અરવિંદ ભાઈ અને પ્રભા બહેન પ્રતિષ્ઠિત સાહિત્યકાર રામનારાયણ વિ. પાઠકના પરિવારના હતા. ’સીતા’ નાટકના એક દ્રશ્યમાં ભરત સીતા મૈયાને પગે લાગે છે. આ દૃશ્યને કારણે એ સમયે અરવિંદ ભાઈની જ્ઞાતિમાં વિરોધનો વંટોળ ઉઠ્યો હતો કે પતિ (અરવિંદ ભાઈ) થઈને પત્ની (પ્રભા બહેન)ને પગે થોડું લગાય? અલબત્ત અરવિંદભાઈ – પ્રભાબહેન જરાય વિચલિત ન થયા અને રંગભૂમિ પર ઘણા સમય સુધી સક્રિય ફાળો આપતા રહ્યા હતા.