અમરેલી

અમરેલીમાં મહિલાના મળેલા નિર્વસ્ત્ર મૃતદેહનું કનેક્શન મહારાષ્ટ્રના આ જિલ્લા સાથેઃ જાણો વિગતવાર

અમરેલીઃ લાઠી શહેરમાં લાઠી ગાગડીયા નદીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યો હતો. જેને લઈ પોલીસ દોડતી થઈ હતી. તપાસમાં મૃતક મહિલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાની હોવાનું બહાર આવ્યુ હતુ. જ્યારે ફોરેન્સિક રિપોર્ટમાં ગળું દબાવાથી મોત થયું હોવાનું ખુલ્યુ હતું. હાલ અમરેલી પોલીસની એક ટીમ મહારાષ્ટ્રના નંદુરબાર પહોંચી ગઈ છે અને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.

અજાણી મહિલાનો નદીમાંથી મળ્યો હતો મૃતદેહ

અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં 28મી માર્ચે ગાગડીયા નદીના પાણીમાં તરતી એક મહિલાની લાશ લોકોએ જોઈ હતી. જેને લઇ સમગ્ર લાઠી શહેરમાં ચકચાર મચી ગઈ હતી. લાશ જોઈ સૌ કોઈ સ્તબ્ધ બની ગયા હતા, લોકોએ લાઠી પોલીસને ફોન કર્યો અને ગણતરીના સમયમાંજ લાઠી પીઆઇ સોની સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહ બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

નંદુરબાર શહેરના જવેલર્સ લખેલું પાકીટ મળ્યું

સ્થાનિક તરવૈયાઓની મદદથી મહિલાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો પરંતુ મહિલાને કોઈ ઓળખતું ન હોતું. પોલીસે મૃતદેહ મળ્યો હતો તે જગ્યાની આસપાસ કાંઠા વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી અને થોડે દૂર અવાવરુ જગ્યાએથી મહિલાના કપડાં અને એક મહારાષ્ટ્રના નંદુરબાર શહેરના જવેલર્સ લખેલું પાકીટ મળ્યું હતું. પાકીટમાં જવેલર્સના નંબર હતા અને એ નંબર ઉપર પોલીસે ફોન કરી જાણકારી આપી હતી. જવેલર્સના માલિક તેને ઓળખતા હોવાનું જણાવ્યું અને મહિલાના પુત્રના નંબર પણ આપ્યા હતાં.

આ પણ વાંચો : અમરેલીમાં શિક્ષકે 2 વિદ્યાર્થિનીને ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચર્યું

તપાસ માટે પોલીસની એક ટીમ મહારાષ્ટ્રના નંદુરબાર પહોંચી

પોલીસે મહિલાના પુત્ર સાથે વાત કરી સમગ્ર જાણકારી આપી તો પુત્રએ જણાવ્યું હતુ કે મારા મમ્મી 26મી તારીખે દવા લેવા જવાનું કહી ચાલ્યા ગયા છે. બીજીબાજુ મહિલાનો ફોરેન્સિક પીએમ રિપોર્ટ પણ આવી ગયો અને એમાં મહિલાનું દોરડા કે દોરી વડે ગળું દબાવાથી મોત થયું હોવાનું સામે આવતા પોલીસ પણ સ્તબ્ધ બની ગઈ હતી. મહારાષ્ટ્રની મહિલાનું ગુજરાતના લાઠી સુધી કઈ રીતે પહોંચી, કોણે તેની હત્યા કરી તેની તપાસ કરવા અમરેલી પોલીસની એક ટીમ મહારાષ્ટ્રના નંદુરબાર પહોંચી ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button