આવી ભૂલ તમે પણ કદી ન કરતા

નીલા સંઘવી
ગયા અઠવાડિયાના લેખમાં આપણે જોયું કે માતપિતાએ ભૂલ કરી હતી. એક સંતાનને બધું જ આપી દીધું અને બીજાને પોતાની સંપત્તિમાંથી કશું ન આપ્યું, પણ જે સંતાનને બધું મળેલું એ સમજુ હોવાને કારણે ભાઈ-બહેનના ઝઘડા ન થયા અને ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. જોકે, દરેક વખતે એવું નથી થતું. બધાં જ કાંઈ સમજુ હોય એ જરૂરી નથી. જો વડીલોએ ભૂલ કરી હોય તો પાછળથી પોતાનાં સંતાનો વચ્ચે લડાઈ-ઝઘડા થવાના ચાન્સ રહે છે. તેથી જ વારંવાર કહું છું કે વડીલે પોતાનાં સંતાનો વચ્ચે સેતુ બનવાનું કાર્ય કરવાનું છે- એવો મજબૂત સેતુ જેને કારણે ભાઈ-ભાઈના કે ભાઈ-બહેનના સંબંધ જિંદગીભર મધુર રહે.
આવા સેતુ બનવાની જવાબદારી વડીલોની છે, પણ ક્યારેક વડીલોની ભૂલ થઈ જાય છે અને જો ભૂલનો ભોગ એના વારસદારો બને છે. એક ભૂલની ભારે કિંમત વારસદારોએ ચૂકવવી પડે છે.
મહેશભાઈ અને મીનાબહેનને ત્રણ દીકરા. મહેશભાઈ પૈસે ટકે સુખી. પોતાની દુકાનો, મકાન, ફલેટ વગેરે મિલકતના માલિક મહેશભાઈ. ત્રણેય દીકરાને ભણાવ્યા જોકે ત્રણેયમાંથી એકે પણ ઉચ્ચ શિક્ષણ લીધું નહીં. એક દીકરાએ જ ગ્રેજ્યુએશન કર્યું. બે દીકરાઓ તો બારમી સુધીનો અભ્યાસ કરીને ધંધે લાગી ગયા. મહેશભાઈનો ધંધો સારો ચાલતો હતો. ત્રણેય દીકરા પરણ્યા. આમ તો બધું ઠીકઠાક ચાલતું હતું. નાની-મોટી ચણભણ થતી, પણ એ તો થયા કરે.
આ પણ વાંચો : સેતુનું કામ કરજો…
એક દિવસ અચાનક હાર્ટ એટેકથી મહેશભાઈ ઢળી પડ્યા. મૃત્યુ બાદના વિધિ-વિધાન પતી ગયા એટલે શરૂ થઈ સંપત્તિની વહેંચણીની વાતો. મહેશભાઈએ કોઈ વીલ બનાવ્યું ન હતું. મહેશભાઈનું કોઈ વીલ બનાવેલું નથી અને ત્રણેય ભાઈઓને હવે ભાગ પાડવા છે. . એક યા બીજાં કારણોસર વાદવિવાદ થયા કરે છે. ફેંસલો થતો નથી. આવાં કંઈ કેટલાયે ઝઘડાને કારણે પરિવાર વગોવાઈ ગયો છે. કરોડો રૂપિયાની સંપત્તિના માલિક હોવા છતાં બધાં દુ:ખી થાય છે. ત્રણેય સંતાન ક્યારેય એકમત થતા જ નથી. આગેવાન સમજવાની કોશિશ કરે પણ કોઈ સમજવા તૈયાર નથી.
ધીમે ધીમે કંકાશ – ઝઘડા એટલા વધ્યા કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ત્રણેય વચ્ચે ભાઈ જેવો નહીં પણ દાના દુશ્મન જેવો સંબંધ છે. આ કેસમાં વિચારીએ તો આ ત્રણ ભાઈનો વાંક તો છે જ તે નકારી ન શકાય. પણ એમના પિતાનો વાંક પણ છે. શા માટે એમણે પોતાના જીવતા જીવત વીલ ન બનાવી લીધું? પ્રોપર્ટીના યોગ્ય ભાગલા મહેશભાઈએ જો પોતાના જીવન દરમિયાન કરી દીધાં હોત તો આજે આ પરિસ્થિતિ ન હોત.
આ પણ વાંચો : વૃદ્ધાશ્રમમાં સ્થળાંતર… આવું પણ કારણ હોઈ શકે
ત્રણેયભાઈઓ સુખી હોત. મહેશભાઈએ આ ભૂલ કરી જેને કારણે આજે સમગ્ર પરિવાર તહસ-નહસ થઈ ગયો છે . સમાજમાં મહેશ ભાઈ જેવા વડીલ એકલા નથી. અનેક છે.
વડીલો જ પરિવારનું છત્ર છે, વડીલ જો સમજણપૂર્વક સંતાનો માટે યોગ્ય વ્યવસ્થા કરીને ન જાય તો પાછળથી સંતાનો વચ્ચે મહાભારત છેડાવાના ચાન્સ સો ટકા છે. તેથી જ વડીલે એ બહુ જ સમજણથી પોતાનાં સંતાનો માટેની વ્યવસ્થા પોતાના જીવન દરમિયાન કરી લેવાની જરૂર છે.