ઉત્સવ

રાજકુમારને બચાવ્યો પણ જીવનભર સલામત કોણ રાખે?

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૧૬)
ધિન આજુણોં દીહ ડૌ,
યા કાહિયોં, રઘુનાથ.
ધરમ નિભાબા સમ ધ્રમ,
સાહાસું ભારાથ.
આજનો દિવસ ખૂબ સરસ-શુભ છે એમ રઘુનાથ અથાત્ ઇશ્ર્વર કહે છે. આજ સ્વામીધર્મ નિભાવીશું અને બાદશાહ સાથે યુદ્ધ કરીશું. આવા ઉમદા ભાવ સાથે વીર દુર્ગાદાસ રાઠોડ અને સાથીઓ લડતા હતા.

રાણીઓના પાર્થિવ શરીરને યમુના નદીમાં વહાવીને બધા હતાશ, ઉદાસ હતા. અગાઉથી થાકેલા ખૂબ હતા. ઘણા સાથીઓને ય ગુમાવી દીધાની વેદના અપાર હતી. હવે આગળ વધીને જીવ બચાવવાને બદલે દુર્ગાદાસ આણિ મંડળી પ્રતીક્ષા કરી રહી હતી.

પરંતુ દુર્ગાદાસના વીરો સાથે લડીને, ઘણા સાથીઓને મરતા જોઈને, ઘાયલ થતા જોઈને શાહી સેનાના ઉત્સાહના ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ હતી. બધા અત્યંત થાક્યા હતા. એનાથી વધુ તો હતોત્સાહ થઈ ગયા હતા. અંતે એવું નક્કી કર્યું કે હવે દુર્ગાદાસ રાઠોડ અને બચેલા રાજપૂતોનો પીછો નથી કરવો.

એ સમયે શાહી સૈનિકો જાણતા નહોતા કે દુર્ગાદાસના સાત સિવાયના બધા સાથી રણમાં કામ આવી ગયા હતા. બચેલા સાતે ય લોહીલુહાણ અવસ્થામાં હતા. રાજ જોઈ
જોઈને અંતે બધા મારવાડ તરફ આગળ વધવા માંડ્યા.

આ તરફ ભારે જાનહાનિ અને માનહાનિ છતાં બાદશાહની સેનાનો અહમ ટકી રહ્યો હતો. ભલે હાર્યા, મરાયા, કપાયા અને દુશ્મનને જવા દેવા પડ્યા પણ બાદશાહની ખફગીનું શું? એમને સંતોષ થાય એવો જવાબ શું આપવો? એક શાહી આગેવાન એટલે કે કોતવાલ ફૌલાદ ખાનને અત્યંત હિન હરકત સુઝી. તેણે એક દૂધવાળાના દિકરાને આંચકી લીધો. એને લી જઈને મારવાડના ઉત્તરાધિકારી તરીકે ઠોકી બેસાડ્યો. એને નામ અપાયું મુહમદી રાજ.

આમ છતાં દુર્ગાદાસની વતન પરસ્તી, સ્વામી-ભક્તિ, વીરતા, દૂરંદેશીતા, ઝનુનઅને વ્યૂહરચનાને પ્રતાપે મારવાડના પાટવી
કુંવર અજિતસિંહને હેમખેમ ઘેર ભેગા કરી
દીધો. બાકી દિલ્હીમાં મોગલોના શાસનમાં એક ચકલું ય છટકી ન શકે, જો સાથે દુર્ગાદાસ ન હોય તો.

ઔરંગઝેબ પોતાના વિશાળ સામ્રાજ્ય, હજારો-લાખો સૈનિકો અને અગણિત શસ્ત્રો છતાં રાજપૂતોના એક નાનકડાં જૂથને હંફાવી-હરાવી ન શક્યો, કારણ કે એના ઇરાદા મલીન, અનૈતિક અને અન્યાયકર્તા હતા. સાથોસાથ સામે પક્ષ રાજપૂતોમાં આત્મ-બલિદાન, હિમ્મત, અરસપરસ વિશ્ર્વાસ, માતૃભૂમિ માટે અનન્ય પ્રેમ, સ્વામી-ભક્તિ અને સમર્પણભાવ ઠાંસોઠાંસ ભરેલા હતા.
રાજપૂતોના આ અનન્ય પરાક્રમ છતાં મારવાડની વિપદાનો અંત આવ્યો નહોતો. આ તો પાઠોરામાં પહેલી પુણી હતી.

અજિતસિંહને હેમખેમ દિલ્હીની ચુંગાલમાંથી છોડાવ્યા હતા, પરંતુ હજી એમને ઝેરીલા,

ડંખીલા ઔરંગઝેબના માણસોની નજર અને તલવારથી બચાવીને રાખવાના હતા, ઉછેરવાના હતા અને એ પણ રાજ્ય સંભાળવાને લાયક થાય ત્યાં સુધી.

પહેલો તબકકો પૂરો થયો પણ હજી લાંબી, ખૂબ લડાઈ લડવાની હતી. આજીવન જોખમ ઉઠાવીને જીવવા કોણ અને કેટલા તૈયાર થાય. સૌને પોતાના જીવ વ્હાલા હોય. પરિવારની પરવા હોય અને અમુક સપના ય પૂરા કરવાના હોય. એમાંય દુશ્મની વહોરી હતી સર્વશક્તિશાળી મોગલ સત્તા સામે, જેને એકેય શત્રુ દીઠો ગમતો નહોતો.

અધૂરામાં પૂરું, મારવાડ પર મોગલોનું રાજ હતું. જોધપુરનો કિલ્લો એમના કબજામાં હતો. જ્યાં જુઓ ત્યાં મોગલ સૈનિકોના થાણા સ્થપાયેલા હતા.

ઔરંગઝેબ એકદમ જીદ પર ઉતરી ાવ્યો હતો. કોઈ સંજોગોમાં મારવાડ ફરી રાજપૂતોના હાથમાં જવા દેવા નહોતો માંગતો. એટલે જે મળે કે જેના પર દુર્ગાદાસના સમર્થક હોવાની શંકા જાય એના પર દમનના કોરડા વિંઝાવા માંડ્યા. આમાં દુર્ગાદાસે મારવાડના ઉત્તરાધિકારી પાટવી કુંવરને કેવી રીતે સાચવે? (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button