ઘોઘા ઘોઘા ઘોઘ સલામ, નાથીબાઈના વીર સલામ!
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી
નવરાત્રિની ઉજવણીમાં-નોરતા પર્વમાં બદલાતા સમય સાથે અનેક ફેરફારો જોવા મળ્યા છે. બદલાતા સમય સાથે પરિવર્તન અનિવાર્ય છે અને એને આવકારવું સુધ્ધાં જોઈએ. અલબત્ત એક વાત અનેક લોકોને ખટકે છે કે આ બદલાવમાં – પરિવર્તનમાં અસલના સમયમાં નવરાત્રિમાં નજરે પડતી ઘોઘા જેવી કેટલીક અનોખી પ્રથા હવે લગભગ વિસરાઈ ગઈ છે. સૌરાષ્ટ્રના કેટલાક ગામમાં નવરાત્રિ દરમિયાન ઘોઘો માંગવા જવાની પ્રથાનું ચલણ એક સમયે વ્યાપક સ્તરે જોવા મળતું હતું. ભૂલકાઓ અને બાળકીઓ ગામડામાં ઘોઘો લઈ માંગવા નીકળતા. નાની બાળાઓ માથે ગરબા લઈને નીકળે અને ઘોઘાના ગીત ગાતા, જ્યારે બાળકો હાથમાં માટીનો ઘોઘો લઈને જાય અને ઘો ઘો ઘોસલા, હાથી ભાઈના વીસલા, ટીન ટીન ટોકરી વાગે, ઘો ઘો પીપર માંગે જેવા ગીતો લહેકાથી ગાતા. આ ઘોઘો લઈને નોરતાની સાંજે છોકરાઓ નીકળી પડતા. ઘરે ઘરે જાય, બજારમાં દુકાને પણ ફરી વળે અને ઘોઘાનું ગીત ગાવાનું. ઘરે ઘરેથી પીપરમિન્ટ, કાજુ, બિસ્કિટ રોકડ પૈસા મળે તે બધા સભ્યો બધા ભેગા મળી આરોગી મોજમજા કરતા. ઘોઘા અને ગરબાના અનોખા નાતાની આ પરંપરામાં ઉમંગ, અને ઉત્સાહ છલકાતા જોવા મળતા હતા. ઘોઘાનો એક અર્થ નાનું મંદિર એવો પણ થાય છે. ગરબો અને ઘોઘો બંને માટીમાંથી બને. ઘોઘો ઊભા ઘર-મંદિર આકારનો હોય છે. નીચે સાંકડો, વચ્ચે પહોળો અને ઉપર નાગની ફેણ જેવો આકાર આપી બંધ કરી દેવામાં આવે.
આગળનો એક ચોરસ હિસ્સો ખુલ્લો હોય જેમાંથી અંદર કોડિયું મૂકી શકાય. ત્રણેય બાજુ બંધ હોય એટલે દીપકને હવા ન લાગે. અહીં ફરતા છિદ્રો ન હોય. કુંભાર આવા ઘોઘા બનાવતા. એક માન્યતા પ્રમાણે સોમનાથના યુદ્ધમાં વીરતા દાખવનાર ઘોઘા ચૌહાણની યાદમાં ગાવામાં આવતું ઘોઘા ઘોઘા ઘોઘ સલામ, નાથીબાઈના વીર સલામ, પહેરે પટોળાં ઓઢે ચીર, છોડે બંદૂક ભાલા તીર. લોકવાયકા અનુસાર સોમનાથના દરિયામાંથી જતા વહાણોના કાફલાને દરિયાઈ ચાંચિયાઓ લૂંટી લેતા હતા ત્યારે ઘોઘા ચૌહાણ નામના વીરપુરુષે ચાંચિયાઓ સામે યુદ્ધ કરી બધાનો ખાત્મો બોલાવ્યો હતો અને તેની વીરતાનું ગીત ઘોઘા માંગનાર છોકરા ગાતા હતા. અંબે માના ઉત્સવમાં વીરતાનું સ્મરણ કરવામાં આવતું હતું.
ઘમ્મ રે ઘર ઘંટી: સાસરિયાના સંબંધોનો અનોખો રંગ
નવરાત્રિમાં ગવાતા ગરબાની એક લાક્ષણિકતા એ છે કે એના દ્વારા ક્યારેક સ્ત્રીની વ્યથા તો ક્યારેક કટાક્ષ વ્યક્ત થતા હોય છે. આ ગરબામાં સપાટી પર આનંદ વ્યક્ત થતો હોવાનું લાગે, પણ એની ભીતરમાં સહેજ આક્રંદ પણ અનુભવાય છે. અગાઉના વખતમાં આપણી સામાજિક વ્યવસ્થા અને માનસિકતા પરણીને સાસરે આવેલી સ્ત્રીને કોઈને બે વેણ જાહેરમાં કહેતા અટકાવતા. જોકે, ‘સત્તાહીન નારી’ પોતાની વાત આડકતરી રીતે કહેવામાં માહેર હોય છે. નવી પરણેતરના ‘ઘમ્મ રે ઘર ઘંટી’ ગરબામાં ખુલ્લેખુલ્લાં હાંસી ન ઉડાવવી હોય તો પોતાની વાત આડકતરી રીતે કહી દેવાની ચતુરાઈ નજરે પડે છે.
નવવધૂને સૌથી વધુ આદર કે ભીતિ સસરાજી માટે હોય. બાપનું ઘર છોડી આવેલી પરણેતર સસરાજીમાં પિતાની છત્રછાયા શોધતી હોય છે. સસરાજી એવું મોભાનું સ્થાન કે એમની ટીખળ પણ સંભાળીને, તેમનો આદર જાળવી કરવી પડે. એટલે વહુ ગાય છે કે ‘મારા તે ઘરમાં સસરાજી એવા, હાલતા જાય ચાલતા જાય, લાપસીનો કોળિયો ભરતા જાય.’ આ પંક્તિમાં સસરાજી વિશે આદરયુક્ત હળવી રમૂજ છે, પણ સાથે એમાં મીઠાશ છે જે લાપસીના કોળિયા દ્વારા વ્યક્ત થાય છે. સસરાજી પછી સ્વાભાવિક છે સાસુમાનો ઉલ્લેખ. દરજ્જાની દ્રષ્ટિએ સસરાજીને સમકક્ષ, પણ સંસારની મોટાભાગની પુત્રવધૂના મનમાં સાસુ માટે આદર કરતા અનાદર વધુ જોવા મળે છે. આ સંબંધમાં ‘દુશ્મનાવટ’ છે, પણ એમાં દુશ્મની નહીંવત અને વટ વધારે હોય છે. સાસુ માટે પુત્રવધૂ કહે છે, ‘મારા તે ઘરમાં સાસુજી એવાં, વાળતાં જાય, બેસતાં જાય, ઊઠતાં બેસતાં ભાંડતાં જાય.’ ઘરના મોટા કામ તો વહુએ સંભાળી લીધા છે, અનિચ્છાએ સાવરણી હાથમાં લેવી પડી છે, પણ કેર કાઢતા કાઢતા પુત્રવધૂને મેણાં-ટોણાં મારવાનું ચૂકતા નથી. સાસુ-સસરા પછી વારો નણંદનો આવે છે. નણંદ-ભોજાઈનો સંબંધ કભી ખુશી કભી ગમ જેવો હોય છે. નણંદની જવાબદારી જાણે કે ભાભીની ખોડ કાઢવાની હોય એવું અનેક રચનામાં જોવા મળ્યું છે. અહીં પુત્રવધૂ કહે છે કે ‘મારા તે ઘરમાં નણંદબા એવાં, નાચતાં જાય કૂદતાં જાય, રાંધી રસોઈયું ચાખતાં જાય.’ રસોઈ ચાખી મીઠું ઓછું છે કે મસાલો બરાબર નથી કર્યો જેવી ભૂલ કાઢવાની ‘જવાબદારી’ નણંદ અદા કરતી હોય છે. ઘરમાં દિયરજી એક એવું પાત્ર છે જેને ભાભી માટે પક્ષપાત હોય છે અને ભાભી પણ ‘બેસ્ટ દેરાણી’ લાવવા થનગનતી હોય છે. સાકર ઘોળ્યા આ સંબંધ વિશે વહુરાણી કહે છે કે ‘મારા તે ઘરમાં દિયરજી એવા, રમતા જાય, કૂદતાં જાય, મારું ઉપરાણું લેતા જાય.’ ઉપરાણું એટલે તરફદારી કે પક્ષપાત. ઘરના બધા સભ્યોની વાત કર્યા પછી પુત્રવધૂ પતિ સાથે પૂર્ણાહુતિ કરે છે. પતિ શબ્દ તો સાવ રુક્ષ છે. આપણી ભાષામાં મીઠી ઘંટડીના રણકાર જેવા શબ્દો છે પતિ માટે. નવી નવેલી દુલ્હન માટે તો પતિ પ્રિતીપાત્ર છે. એટલે પોતાના મનના માણીગર માટે પ્રેમના પુષ્પો વેરતી પરણેતર કહે છે કે ‘મારા તે ઘરમાં પરણ્યાજી એવા, હરતા જાય ફરતા જાય, માથામાં ટપલી મારતા જાય.’ આ એવી ટપલી છે જે વાગતી નથી પણ મીઠો આનંદ આપે છે.
માતાજીના થાળમાં ભાવ-ભાષાનું સૌંદર્ય
નવરાત્રિ ઉત્સવ દરમિયાન અંબા માતાની આરતી ‘જય આદ્યા શક્તિ’ તેમજ વિશ્ર્વંભરી સ્તુતિ ગાયા પછી ધરવામાં આવેલો પ્રસાદ માતાજી આરોગે એ ભાવનાથી થાળ ગાવાની વિશિષ્ટ પરંપરા છે. થાળ એટલે નૈવેદ્ય ધરાવતી વખતનું સામગ્રીઓનું વર્ણન આપતું કીર્તન કે પદ એવો પણ એક અર્થ છે. ‘જમો જમાડું ભાવના ભોજન’ થાળ ગાતી વખતે માતાજીને જમવા પધારવાનું આમંત્રણ આપી એમાં ભક્તો કઈ કઈ વાનગી પીરસવાનો ઉમંગ ધરાવે છે એની રજૂઆત હોય છે. સાથે સાથે વિકટ આર્થિક પરિસ્થિતિની વેદના વ્યક્ત કરી ‘મેવા મીઠાઈ હું ક્યાંથી મંગાવું, બરફી ને પેંડા ક્યાંથી લઈ આવું, હું છું ગરીબ તારો બાળ, માવડી વેલેરા આવજો’ પંક્તિ દ્વારા કેવા સુંદર ભાવ પ્રગટ થાય છે. અહીં જે થાળ આપ્યો છે એમાં માતાજી માટેનો અપાર સ્નેહ અને એમના આગમનના આનંદમાં-ઘેલછામાં ભક્ત કેવું ભાન ભૂલી જાય છે અને એને કારણે કેવી મજેદાર પરિસ્થિતિ ઊભી થાય છે એનું વર્ણન જોઈ શકાય છે. સાહિત્યિક આડંબર વિનાના સાદી-સરળ ભાષામાં વ્યક્ત થયેલો આ થાળ વાંચતી વખતે એના શબ્દાર્થમાં રહેલી ભક્તની ઘેલછા ખૂબ મોજ કરાવે જ છે, એના ભાવાર્થમાં ટપકતો ભક્તિભાવ હૃદયને સ્પર્શી જાય છે. ભાવ અને ભાષાનું સૌંદર્ય ધરાવતો આ થાળ વાંચો અને વાંચીને જો આનંદ આવ્યો હોય તો અન્યોને પણ વંચાવો.
માડીને મેં નોતરું દીધું રે હું તો ગાંડી ઘેલી થઈ, ગાંડી ઘેલી થઈને હું તો ભાન ભૂલી ગઈ. માડીને…
ખભે – માથે મૂકી બેડલાં હું તો પાણી ભરવા ગઈ, ભર્યાં બેડાં ત્યાં મૂક્યાં, ઠાલાં લેતી ગઈ. માડીને…
કાનના કુંડળ હાથે પહેર્યા, ચુની ભૂલી ગઈ, હાથના કંગન પગમાં પહેર્યા, ઝાંઝર ભૂલી ગઈ. માડીને…
શીરો બનાવ્યો, પૂરી બનાવી દાળ દાઝી ગઈ, કઢીમાં તો દૂધ રેડ્યું, વઘાર ભૂલી ગઈ. માડીને…
ખીચડીમાં ખાંડ નાખી ખીચડી ગળી થઈ, દૂધમાં તો મીઠું નાખ્યું ખીર ખારી થઈ. માડીને…
સોના કેરા બાજોઠ ઢાળ્યા, થાળી ભૂલી ગઈ, પીરસવાનું પડતું મૂક્યું વાતે વળગી ગઈ. માડીને…
માડીને મેં એમ પૂછ્યું કે રસોઈ કેવી થઈ, માડી મારા હસીને બોલ્યા, રસોઈ સારી થઈ. માડીને…
માડી મારા જમીને ઉઠ્યા, ઢોળિયા ઢાળવા ગઈ, ત્રણ ત્રણ ગાદલા પાથર્યા, પોતે પોઢી ગઈ. માડીને…
નિદ્રામાંથી ઝબકીને જાગી, આરતી વેળા થઈ, માડી મારા સામે ઊભાં, હું તો શરમાઈ ગઈ. માડીને…