ઈન્ટરવલ

કચ્છી ચોવક : જરૂર હોય ત્યારે મળે તેનું જ મૂલ્ય હોય!

-કિશોર વ્યાસ

એક અદ્ભુત ચોવક છે: ‘મૃગસર ન વાયા વાયરા, આધ્રા વઠા ન મીં, જોભન ન જાયેં બેટડો, ઈ ઊ ત્રોય હાર્યા ડીં’ આશા અન અપેક્ષાની વાત આ ચોવકમાં વણી લેવામાં આવી છે. જે સમયે, જેમની પાસેથી હકારાત્મક અપેક્ષા હોય અને એ પૂરી ન થાય ત્યારે આ ચોવકનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. ‘મૃગસર’ શબ્દ આવે છે ચોવકમાં જેને ગુજરાતીમાં ‘માગસર’ કહેવાય છે. ચોવકનો શબ્દાર્થ છે: માગસર મહિનામાં વાયરા ન વાય, આર્દ્રા નક્ષત્રમાં જો વરસાદ ન વરસે અને યુવાનીમાં જો પુત્ર નિરંકુશ બની જાય તો, એ એક પરાજય સમાન ગણાય છે.

કચ્છીમાં વરસાદને ‘મીં’ કહે છે. ઉપરોકત ચોવકમાં પણ તે જોવા મળે છે અને આમ તો ‘મીં’ શબ્દ સાથેની ઘણી ચોવકો પ્રચલિત છે. ‘મીં ને મેમણા જિજા ડીં ન ખમેં’ અહીં ‘મેમણા’ શબ્દનો અર્થ થાય છે મહેમાન. ‘જિજા’ એટલે વધારે, ‘ડીં’નો અર્થ થાય દિવસ અને ‘ખમેં’ એટલે રોકાય! શબ્દાર્થ થાય છે: વરસાદ અને મહેમાન વધારે દિવસ ન રોકાય. વળી મૃત્યુને અને વરસાદને પણ એક ચોવકમાં આબાદ રીતે સાંકળી લેવામાં આવ્યા છે. ‘મીં ને મોત મંગ્યા ન મિલેં’ ‘મંગ્યા’ એટલે માગવાથી ‘ન મિલેં’નો અર્થ થાય છે ‘ન મળે.’ શબ્દાર્થ સરળ છે: વરસાદ અને મોત માગવાથી ન મળે!

કમોસમી વરસાદ જરા પણ કામનો નથી હોતો એમ કહીને એક ચોવક અર્થની વ્યાપકતા વધારે છે, અને કહે છે કે: ‘કપાસીયેં કમ ન અચે, મારાઠેં જો મીં’ જ્યારે જે વસ્તુની જરૂર હોય ત્યારે જ તેનું મહત્ત્વ હોય છે. અહીં જે ‘કપાસીયેં’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તે માત્ર રૂપક સ્વરૂપે જ છે. ‘કપાસીયા’ એટલે કપાસીયા! ‘કમ ન અચે’ એટલે કામ ન આવે અને ‘મારાઠેં’ એટલે માવઠું. શબ્દાર્થ એવો થાય છે કે – ‘માવઠાંનો વરસાદ કપાસીયાની પેદાસમાં પણ કામ ન આવે. ભાવાર્થ આપણે જોયો કે ‘જરૂર હોય ત્યારે જ તે વસ્તુ મળે તો તેનું મૂલ્ય હોય છે!

સમય વિતી ગયા પછી સમજણ આવે તો તેના માટે કહેવાયું છે કે ‘કુણમી કતીસરેં ડાઓ’ કહેવત થોડી ગહન છે, પણ ‘કુણમી’ એટલે કણબી – ખેડૂતને પ્રતીક બનાવીને રચાઈ છે. ‘કતીસરે’ એટલે કારતક મહિને અને ‘ડાઓ’નો અર્થ છે ડાહ્યો! અર્થ થાય છે: કણબીમાં કારતક મહિને ડહાપણ આવે. આસો મહિને આવતી દિવાળી સુધીમાં ધન-ધાન્ય, પહેલાં કોઠીમાં અન તેના વેચાણ પછી પૈસા તિજોરીમાં મૂકાઈ ગયાં હોય ત્યારે કારતક મહિનો બેસતાં સુધીમાં વહેવાર પૂરા કરવાની પોથી ખોલવાનો તેને સમય મળે છે! એ સમજ કે ડહાપણ! બાકી તો બારેય માસ ખેતી પાછળ ઘેલો હોય છે ખેડૂત! પણ અહીં કણબી અને કારતક મહિનાને સાંકળી લઈને ‘સમયસર જ સમજદારી કામની’ એ અર્થમાં આ ચોવક રચાઈ છે.

વળી, ખેડૂતને કારતક મહિનામાં જ તાવડી પરથી ઉતરતો ગરમ ગરમ રોટલો ખાવનો મોકો મળે છે, – બાકીના દિવસોમાં તો ‘ભતાર’થી ચલાવી લેવું પડતું હોય છે. તેના માટે એક પ્રચલિત ચોવક છે: “કતી નેં તાવડી તતી” ‘કતી’ એટલે કારતક મહિનો અને ‘તતી’ એટલે તપી! તાવડી તપી! આ ચોવક વિસ્તૃત અર્થ ધરાવે છે, તેથી એમ પણ કહી શકાય કે, લોકો ધાન્ય ભેગા એ મહિનામાં થાય છે! ‘તાવડી તપી’નો અર્થ એ પણ થઈ શકે કે, સુખના દિવસો આવ્યા!

આપણ વાંચો:  રમૂજી સવાલના મનમોજી જવાબ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button