ઉત્સવ

ધનાધન બાપા

ટૂંકી વાર્તા -બી. એચ. વૈષ્ણવ

તમે બંડીવાળા બાપાનું નામ સાંભળ્યું હશે. પરમહંસ જેવું વર્તન. બંડીના ખિસ્સામાં હાથ નાખે એટલે મૂઠા ભરીને નોટોનું બંડલ કાઢે.કામળીવાળા બાપુનું નામ સાંભળ્યું હશે. કોઈ દેરીવાળા કે મોજડીવાળા બાપા. બાપા કે બાબાની દુનિયા નિરાળી .કોઇ વૃક્ષ પર બેસી ભક્તોને લાંક મારે. વડા પ્રધાનથી લઇને સરપંચ ભાગ્યોદય આડેનું પાંદડું કે થડ હટાવવા લાત ખાવાને સદભાગ્ય માને. દલા તરવાડી જેવુ. લાત ખાઉં બે ચાર ?? એવો સવાલ કરી. દલા તરવાડી જેમ લાત ખા દસ બાર એવો મનભાવન જવાબ આપે!!એક નિર્મલ બાબા છે. સત્સંગમાં હાજર ભક્તોને પર્સ ખુલ્લા રાખી કૃપા ઝાલવા કહે છે.જયાં સુધી નિર્મલ બાબાને રૂપિયા મળે ત્યાં સુધી કિરપા કાયમ રહે. અન્યથા સમોસાની લીલી ચટણી, માછલી, સમોસા કચોરીમાં કિરપા અટવાઈ જાય!!રામ રહીમ બાબા તો યો યો હનીસિંગને શરમાવે તેવા રોકિંગ સ્ટાર . સંન્યાસી , સંત લાગે નહીં!! બાબાની જમાતમાં બધી ભોગીબાબા બની ગયા છે. મુક્તિના નામે વાસના છીપાવે. ભગવા કપડા લજવે છે ઢોંગીઢાંઢાબાબા!!
તમે ધનાધન બાપાનું નામ સાંભળ્યું નહીં હોય? આ બાપાનું બીજું નામ રેકડીવાળા બાપા. હા, હા ભાઇ . તમે બરાબર સાંભળ્યું છે. આ રેકડીવાળા બાપા કે ધનાધન બાપાને જોયા ન હોય તો બળ્યો તમારો ભવ!!ચિલ્લુભર પાણીમાં ડૂબી મરો!!

ધનાધન બાપાએ અમરેલીના સુખનાથપરાના કોઈ મંદિરમાં અડિંગો જમાવેલો. તમને દેશના દરેક રાજ્ય ,શહેર તાલુકા,કસબામાં મળી રહેશે. સ્વરૂપમાં ફેરફારને અવકાશ છે. બાબાને સંસારી વિના અને સંસારીને બાબા વિના ચાલતું નથી. બીડી અને ધુમાડા જેવો ગાઢ અને બચકાના રિશ્તા રહે છે!!! જો તમે નબળી ગાય છો કે બાબા કે બાપારૂપી બગા ઘણી હોય છે!!

ધનાધન બાપાનો બાંધો એકવડિયો કે ચોવડિયો એ તમારે નક્કી કરવાનું!! બાપાનું વજન માત્ર એકસો નેવ્યાશી કિલો. બસોમાં અગિયાર કિલો ઓછા.ધનાધન બાપા અપાર્થિવ કે અલોકિક સિધ્ધિઓના માલિક હશે તેની ના નહીં! બાપા જાતે ચાલી શકે નહીં , એ દિવ્યાતિદિવ્ય અનુપમ સિધ્ધિ !!

એ જમાનામાં ઘરે ઘરે શૌચાલય નહીં. ભક્તોએ બાપા માટે ડબ્બા જાજરૂંની વ્યવસ્થા કરેલી.ધનાધન બાપાને ક્યાંય જવા માટે ઈમ્પાલા કારની ભક્તો વ્યવસ્થા કરે . ખાટલે ખોડ એ કે બાબાને કારમાં અંદર કેવી રીતે બેસાડવા? બાપાને મહિને દા’ડે બહાર જવા માટે અનેરી વ્યવસ્થા કરે. તમે સાંભળો તો આંખકાન પહોળા થઇ જાય!!

ભક્તો બાબા માટે કોઈ શાકભાજીવાળાની રેંકડી આંખો દિવસ માટે ભાડે લાવે. લારીવાળો તો ધન્ય થઇ ગયો હોય તેમ અહોભાવથી ભાડું લેવાનો ઇન્કાર કરે. પછી ભક્તો સાંજે દસ રૂપિયા દેવું માતબર ભાડું આપે. એ સમયે આખા દિવસની મજૂરી રૂપિયો કે દોઢ રૂપિયો મળે.

ધનાધન બાપાના વિશાળકાય દેહને ઢાંકવામાં કાપડનો અડધો તાકો વપરાતા હશે. કેસરી કલરનો કોથળા જેવો ઝભ્ભો કે કફની.ઝભ્ભાની બાય કોણી સુધી વાળેલી હોય. સફેદ કલરનો લુંગી જેવો લેંઘો. ધનાધન બાપાનો બારમાસી પોશાક કે વાઘા!!

ધનાધન બાપા વરસે એકવાર વાળ કપાવે.એટલે ઓડિયો ધારાવી ઝૂંપડપટીની જેમ વધેલા હોય!! ઊડતા ઓડિયાને વારંવાર હાથથી સરખા કરે રાખે. ધનાધન બાપાને ઘડિયાળનો ગાંડો કહી શકાય એવો શોખ.જામનગરના બંદરેથી દાણચોરીની મોટા ચકતા- ડાયલવાળી રાડો કે રીકો ઘડિયાળ પહેરે. એક હાથે ઘડિયાળ ન પહેરે. બે હાથે બે બે ઘડિયાળ ધારણ કરે!! બાપાને બધા બાબાની જેમ ગોગલ્સનો ભારે શોખ. બ્રાઉન રંગના કાચના ગોગલ્સ. બાપા રાતે પણ ગોગલ્સ ન ઉતારે.અત્તરના પણ ગજબના શોખીન. કોઈ રંગીન તબિયતનો શોખીન કવાયતના કોઠા પર તશરીફ ફરમાવે ને મઘમઘતા અત્તરમાં તરબતર હોય એમ બાપા અંતરના ફાયું ઝભ્ભા પર, લેંઘા પર ઘસે ને પછી અત્તરનું ફાયું કાનમાં ખોસે. એ સમય ફૂસફૂસ સ્પ્રે બોટલનો નહીં!!

ધનાધન બાપાનું રેઇટકાર્ડ ફિકસ. ધરે પધરામણી કરવાનો ચાર પાંચ હજાર. આશીર્વાદ આપવા માટે હજાર રૂપિયા લેવાના.નો બારગેઇનીંગ. નો કોમ્પ્રોમાઇઝ!! ધરમના કામમાં બકાલાની જેમ ભાવમાં રકઝક થોડી હોય?? ધનાધન બાપા કયાં રાજ્યના હતા, કયાં સુધી ભણેલા, સંસારી કે વિતરાગી વગેરે બાબતો એફબીઆઇ , સીઆઈએ,કેજીબી , મોસાદ કે રો પણ જાણી ન શકે તો કરમચંદ, વ્યોેમકેશ બક્ષી,જેમ્સ બોન્ડ કે શેરલોક હોમ્સની શી વિસાત!!

છોકરા ધનાધન બાપાને જુએ એટલે એમની રેંકડીના ફરતે સૂર્યમુખીની જેમ ટોળે વળી જાય.છોકરા માટે આ તમાશો. રેંકડીમાં આડા પડેલા બાપા છોકરાને ગોળી, દોકડા , પીપર આપે. છોકરા ગોળી પીપરમેન્ટ લેવા પડાપડી કરે!! માનો કે ગોળના દડબા પર મંકોડા આંટા મારે તેમ લાગે !!

એ જમાનામાં ભણતરનો ભાર કે ઓથાર નહીં. છોકરા ને મોટા પરીક્ષામાં પાસ થશે કે કેમ તેનો ફફડાટ રહે.છોકરાવ બાપાના પગે હાથ મુકી આશીર્વાદ માગે. પછી બાપાને પૂછે કે બાપા પરીક્ષામાં પાસ થઈ જઇશ? છોકરા બાપા તરફ ટગરટગર જુએ. બાપા ધ્યાન ધરતા હોય તેમ આંખો મીંચે. આંગળીના વેઢા ગણતા હોય તેમ મુદ્રા કરે. પછી આંખ ધીમેથી ખોલે. પછી બોલે ભઇલા આમ તો પરીક્ષામાં દાંડી ગુલ થવાનું મને દેખાય છે. તારો ગરીબડો ચહેરો જોઇ હું પીગળી ગયો . તારા માટે ભગવાન સાથે લડ્યો છું . જા પહેલો નંબર આવશે. મારી વોરંટી છે! મોજ કર !!!

ધનાધન બાપા કોઈને બીજો નંબર આવશે એમ કહે જ નહીં.આપણને એમ થાય કે નિશાળ પહેલા નંબરથી ઊભરાઈ જશે. પરિણામના દિવસે ખબર પડે કે બાપો તો માળો છેતરી ગયો!!!જો કે કોઇ પણ છોકરો બાબા પાસે ધોખા કરે નહીં એ દે ધનાધનબાપામાં રહેલી શ્રધ્ધા કે આસ્થાનો જીવંત પુરાવો છે તેમ બાબાના પોઠિયા કે ફોલ્ડરિયા દાવો કરે છે!! કહે છે કે રેકડીવાળા દે ધનાધન બાપા તો નિશાળ કે બાલમંદિરના પગથિયા સુધ્ધાં ચડ્યા ન હતા!!એના આશીર્વાદ લેનાર ડૉકટર, એન્જિનિયર કે આઇએસ થયેલ એ વાત જગતની આઠમી કે અઠોતેરમી અજાયબી છે!!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button