
નવી દિલ્હીઃ લોકસભામાં આજે વક્ફ સંશોધન બિલ રજૂ થશે. એનડીએના તમામ પક્ષો બિલ પર સહમત થયા છે. સાંસદોને વ્હિપ પણ જાહેર કરવામાં આવ્યો છે. લોકસભામાં બિલ પાસ થયા બાદ બીજા દિવસે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. એનડીએના સાથી પક્ષ ટીડીપી શરતો સ્વીકારી લેવામાં આવતા બિલને ટેકો જાહેર કર્યો હતો. બિલમાં ચર્ચા માટે 8 કલાકનો સમય રાખવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે જો ગૃહની સહમતિ હશે તો ચર્ચાનો સમય વધારવામાં પણ આવી શકે છે.
ભાજપ પાસે લોકસભામાં બહુમત ન હોવાથી બિલ પસાર કરવા માટે ટીડીપી અને જેડીયુ જેવા સાક્ષી પક્ષોની જરૂર પડશે. વક્ફ સંશોધન બિલ પર પ્રશાંત કિશોરે કહ્યું, આ દુર્ભાગ્યપૂર્ણ છે. મુસ્લિમોને એક મોટો વર્ગ એક બિલથી ખુદને ખતરો હોવાનું અનુભવી રહ્યો છે. મને લાગે છે કે સરકાર ધ્રુવીકરણની રાજનીતિ માટે ઉતાવળમાં આ કાનૂન બનાવી રહી છે. સરકાર પાસે લોકસભામાં બહુમત નથી. તેઓ નીતીશ કુમાર જેવા લોકોનું સમર્થન લઈને બિલ પાસ કરાવી રહ્યા છે. જો નીતીશ કુમાર જેવા નેતા લોકસભામાં આ બિલના સમર્થનમાં વોટ નહીં કરે તો ક્યારેય સરકાર તેને કાનૂન નહીં બનાવી શકે.
વક્ફ સંશોધન બિલ પર સંભલથી સમાજવાદી પાર્ટીના સાંસદ જિયા ઉર રહમાન બર્કે કહ્યું, બિલમાં કેટલીક એવી વાતો છે, જેનાથી અમારા લોકોના અધિકારો છીનવાઈ શકે છે, તેથી અમે વિરોધ કરીએ છીએ. જ્યારે સરકારે તેને જેપીસી પાસે મોકલ્યું હતું ત્યારે અમને થોડી આશા હતી કે જે ખામી છે તે દૂર કરી દેવામાં આવશે. પરંતુ એવું ન થયું. આ બિલ ગૃહમાં આવશે ત્યારે તેોનો વિરોધ કરીશું. સરકાર પાસે બહુમતનો આંકડો ભલે હોય પરંતુ તેના સહયોગીએ જાણે છે કે, જો સમર્થન કરીશું તો આગામી દિવસોમાં મોટું નુકસાન ઉઠાવવું પડશે. સરકાર તાનાશાહી બંધ કરે અને બિલ પરત લે તેમ અમે ઈચ્છીએ છીએ.
વક્ફ સંશોધન બિલ શું છે
વક્ફ સંશોધન બિલ 2024, વક્ફ અધિનિયમ 1995માં ફેરફાર કરનારું એક બિલ છે. તેને કેન્દ્ર સરકાર આજે લોકસભામાં રજૂ કરશે અને ચર્ચા કરીને પાસ કરાવવાની કોશિશ કરસે. તેનો હેતુ વક્ફ સંપત્તિઓના મેનેજમેન્ટ, પારદર્શકતા, દુરુપયોગ રોકવા માટે નિયમોને કડક કરવાનો છે. બિલમાં વક્ફ બોર્ડમાં બિન મુસ્લિમ અને મહિલા સભ્યોને સામેલ કરવા, કલેકટરને સંપત્તિ સરવેનો અધિકાર આપવો અને વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકારવાની જોગવાઈ સામેલ છે.
લોકસભામાં એનડીએ પાસે 293 સાંસદોનું બહુમત છે, જ્યારે વિપક્ષ પાસે લોકસભામાં 223 સાંસદો છે. તેથી લોકસભામાં આ બિલ સરળતાથી પાસ થશે તેમ માનવામાં આવે છે.
આ પણ વાંચો : Waqf Amendment Bill રજૂ થયા પૂર્વે ટીડીપી કર્યું પોતાનું સ્પષ્ટ વલણ, મુસ્લિમોના પક્ષમાં…