ગુજરાત એનસીપીના ગઠબંધન વિશે પ્રફુલ પટેલે શું કહ્યું
લોકસભાની ચૂંટણી આવી એટલે સૌ કોઈ બંધન અને ગઠબંધનના ચોકઠા ગોઠવવા મથી રહ્યા છે. બિનભાજપી પક્ષોએ ઈન્ડિયા નામે ગઠબંધન કર્યું છે જેમાં કૉંગ્રેસ સહિતના પ્રાદેશિક પક્ષો સામેલ છે. ભાજપ પણ નાના મોટા પક્ષો સાથે પ્રદેશ સ્તરે હાથ મિલાવી રહ્યું છે. તેવામાં ગુજરાતમાં એક નવી વાત બહાર આવી છે. ગુજરાતની મુલાકાતે આવેલા એનસીપીના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ પટેલે પણ ગઠબંધનની વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે આવનારી ચૂંટણીમાં ગુજરાત એનસીપી પણ એનડીએ સાથે જોડાશે અને સાથે મળી ચૂંટણી લડશે.
ઉલ્લેખનીય છે કે એનસીપી કૉંગ્રેસની સાથે જ રહી છે અને તેમણે સાથે મળી લોકસભા-વિધાનસભાની ચૂંટણી લડી છે. જોકે ગુજરાતમાં એનસીપીનું ખાસ કોઈ વર્ચસ્વ નથી, તેમ છતાં કૉંગ્રેસે એક પક્ષનું જોડાણ ગુમાવ્યું હોવાનું કહેવાય રહ્યું છે. વળી, એનસીપીમાં હાલમાં બે ભાગ પડી ગયા છે આથી આખો પક્ષ નહીં પણ એક ભાગની વાત થઈ રહી છે. જોકે અહીંના એનસીપીના નગરસેવક નિકુલ સિંહ તોમરે મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત એનસીપીના તમામ કાર્યકર્તા પ્રફુલ પટેલ સાથે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ શરદ પવારની પાર્ટી એનસીપીમાં ભંગાણ થયું ને મહારાષ્ટ્રમાં તેમના ભત્રીજા અજિત પવારના નેતૃત્વમાં પક્ષના ઘણાં ધારાસભ્યો, કાર્યકર્તાઓ અને મોટા નેતાઓએ ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સાથે ગઠબંધન કરી લીધું હતું અને અજિત પવાર પોતે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની એનડીએ સરકારમાં જોડાઈ ગયા હતા. તેમની સાથે 8 અન્ય ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા અને અજિત પવાર મહારાષ્ટ્રમાં ડેપ્યુટી સીએમ બન્યા હતા.
શરદ પવારના ખૂબ જ નજીકના ગણાતા પ્રફુલ પટેલે પણ અજિત પવારની સાથે જવાનું પસંદ કર્યું હતું. પટેલે ગુજરાત મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેઓ એક બે બેઠક પર જ લડતા હતા, પરંતુ હવે તેમની પાર્ટી એનસીડીએ સાથે લડશે. જોકે બેઠકોની વહેંચણી અંગે તેમણે હાલમાં કંઈ નક્કી ન થયાનું જણાવ્યું હતું.
જોકે શરદ પવાર અને તેમનો પક્ષ ઈન્ડિયા ગઠબંધન સાથે છે અને એનસીપી ના ચિહ્નનો મામલો વિચારાધીન છે.