UP અને મુંબઇ સહિત અનેક સ્થળોએ નમાઝ બાદ તણાવ; મેરઠમાં ગોળીબાર….

લખનઉ: આજે રમઝાન માસનાં અંત સાથે દેશભરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. ઈદને લઈને આજે સવારે મુસ્લિમ સમુદાયના લોકોએ નમાઝ અદા કરી હતી. આ દરમિયાન કોઇ અણબનાવ ન બને તે માટે સંવેદનશીલ રાજ્યોમાં પોલીસન ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન ઉત્તર પ્રદેશ અને મુંબઇમાં તણાવના અહેવાલો પણ સામે આવ્યા છે.
બાળકોની બોલચાલનો મુદ્દો બન્યો ગોળીબાર
મેરઠમાં મુસ્લિમ સમુદાયના બે જૂથો વચ્ચે મારામારી બાદ ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. જો કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલાની તપાસમાં લાગી ગઈ છે. બાળકોની વચ્ચે થયેલી બોલાચાલી બાદ એક જ સમુદાયના બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે પથ્થરમારો, મારામારી અને ગોળીબાર પણ થયો હતો.
આ પણ વાંચો: રાજ ઠાકરેએ શરૂ કરી દીધી બીએમસી ઈલેક્શનની તૈયારીઃ ઔરંગઝેબની કબરના વિવાદ મામલે કહ્યું કે…
પોલીસે બેરિકેડ રાખતા થયો સંઘર્ષ
તે સિવાય હાપુડમાં ઈદની નમાઝ દરમિયાન, પોલીસ અને નમાઝીઓ વચ્ચે ઉગ્ર બોલચાલી થઈ હતી. ઈદગાહમાં જગ્યા ભરાઈ જતાં પોલીસે નમાઝીઓને અંદર પ્રવેશતા રોક્યા હતા. અને આથી નમાઝીઓ રોષે ભરાયા હતા અને બાદમાં, પોલીસની સમજાવટ બાદ, નમાઝીઓ પાછા ફર્યા હતા. તેનું કારણ એ હતું કે પોલીસે બેરિકેડ લગાવીને નમાઝ પઢવાની વ્યવસ્થા કરી હતી.
આ પણ વાંચો: ભારતે હંમેશા બ્રહ્માંડની સમજ અંગે વૈશ્વિક સ્તરે યોગદાન આપ્યું છેઃ પૂર્વ ઈસરો ચીફ સોમનાથ
ભીંડી બજારમાં મુસ્લિમોનાં બે જૂથો સામસામે
સહારનપુરમાં ઈદની નમાજ પછી લોકોએ પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવ્યો હતો. તે જ સમયે કેટલાક નમાઝીઓએ પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધી હતી. મુરાદાબાદમાં ઇદગાહમાં નમાઝ અદા કરવાના મુદ્દે પોલીસ અને નમાઝીઓ સામસામે આવી ગયા હતા. આ સિવાય મુંબઇનાં ભીંડી બજારમાં ઈદની નમાજ બાદ મુસ્લિમોનાં બે જૂથો સામસામે આવી ગયા હતા, જો કે પોલીસે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.