બોલો, આખેને આખું ગાર્ડન ચોરાઈ ગયું અહીંયાથી!
બદલાપુરઃ હેડિંગ વાંચીને ચોંકી ગયા ને કે આખેને આખું ગાર્ડન કઈ રીતે ચોરી થઈ શકે? પણ આવું હકીકતમાં બન્યું છે અને એ પણ બદલાપુર ખાતે. બદલાપુરની વચ્ચોવચ્ચ આવેલું છત્રપતિ શિવાજી મહારાજ મેદાનની બાજુંમાં આવેલું ઉદ્યાન જ ચોરાઈ ગયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. નાગરિકે આ અંગેની ફરિયાદ બદલાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરી છે.
વાંચવામાં કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી આ લાગી રહી. પરવડે એવી ઘરની કિંમતોની સાથે સાથે જ કુદરતના સાંનિધ્યમાં રહેવાની તક મળવાને કારણે બદલાપુર એ લોકોની પહેલી પસંદ બની રહ્યું છે. દિવસે દિવસે અહીં આવીને રહેનારાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
વાત જાણે એમ છે કે 2005માં છત્રપતિ શિવાજી મહારાજ મેદાનની બાજુમાં આ નાના બાળકોને રમવા માટે આ ઉદ્યાન બાંધવામાં આવ્યું હતું એવું સ્થાનિક નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સિવાય ઉદ્યાનની પુનર્બાંધણી માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવતા પાલિકા દ્વારા એ તરફ આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.
પરંતુ આ ગામમાં આવેલા એક માત્ર ઉદ્યાનનું અસ્તિવત્વ હતું નહોતું થઈ ગયું છે. એક સમયે લીલુછમ્મ, વૃદ્ધો અને બાળકોના કલશોરથી ગૂંજી રહ્યું હતું. પરંતુ સમયજતા વધતા જતા શહેરીકરણને કારણે પ્રશાસન દ્વારા પણ આ ઉદ્યાન તરફ દુલર્ક્ષ સેવવામાં આવ્યું હતુ અને હવે એ હાલત છે કે આ ઉદ્યાનનું નામોનિશાન ભૂંસાઈ ગયું છે.
શહેરની વચ્ચોવચ્ચ આવેલા આ ઉદ્યાનની ખાલી જગ્યા પર ફેરિયાઓ, ટપરીવાળાઓએ કબજો જમાવી દીધો છે. જો આવું જ થતું રહ્યું બાળકોને રમવા માટેનું આ એક માત્ર ઉદ્યાન કાયમ માટે બંધ થઈ જશે. તેથી પ્રશાસન દ્વારા આ પ્રકરણે ગંભીરતાથી ધ્યાન આપવામાં આવે એવી માગણી નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે.
હવે આ ઉદ્યાનમાં ન તો રમવાના સાધનો છે કે ન તો સેફ્ટી વોલ. ભવિષ્યમાં આ જગ્યા પર અતિક્રમ નહીં થાય એની શક્યતા નકારી શકાય નહીં. પરિણામે બાળકોને રમવા માટેનું આ ઉદ્યાન અમને પાછું જોઈએ છે, એવી માગણી પણ પાલિકા પાસે કરવામાં આવી છે.