નોઇડા નજીક યમુના એક્સપ્રેસ વે પર અકસ્માતમાં એક પરિવારના પાંચ લોકોના મોત
નોઇડાઃ ગ્રેટર નોઇડામાં યમુના એક્સપ્રેસ વે પર એક અજાણ્યા વાહને વેનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાળક સહિત પરિવારના પાંચ લોકોના મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર આ ગંભીર અકસ્માતમાં ઇકોમાં સવાર અન્ય ત્રણ સગીર મુસાફરો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના રાબુપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના યમુના એક્સપ્રેસ વે પર સવારે ૧ વાગ્યાની આસપાસ બની હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઇકોમાં ૮ સવાર હતા જેને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ૩ ઘાયલોની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ડીસીપી (ગ્રેટર નોઇડા) સાદ મિયા ખાને જણાવ્યું હતું કે કાર દક્ષિણ દિલ્હીના મદનપુર ખાદરથી ઉપડી હતી અને ઝારખંડના પલામુ જિલ્લા તરફ જઇ રહી હતી. મૃતકોની ઓળખ ઉપેન્દ્ર બેથા(૩૮), તેના ભાઇ બિજેન્દ્ર બેથા(૩૬), પત્ની કાંતિ દેવી(૩૦), તેમની પુત્રી કુવ(૧૨) અને સુરેશ બેથા(૪૫) તરીકે થઇ છે. ઇજાગ્રસ્તોમાં ઉપેન્દ્રનો પુત્ર સૂરજ(૧૬) અને બિજેન્દ્રના પુત્રો આયુષ(૮) અને આર્યન(૧૦)નો સમાવેશ થાય છે.