આમચી મુંબઈમહારાષ્ટ્ર

પોલીસે શિંદે જૂથના વિધાનસભ્યને જ મુખ્ય પ્રવેશદ્વારથી મંત્રાલયમાં Entry લેતાં રોક્યા અને…

મુંબઈઃ શિવસેનામાં ફૂટ પડ્યા બાદ મહારાષ્ટ્રમાં એક નવું જ રાજકીય સમીકરણ જોવા મળી રહ્યું છે. શિંદે જૂથ ભાજપ સાથે હાથ મિલાવીને સરકારમાં આવી ગયું છે અને શિંદે જૂથને મુખ્ય પ્રધાનપદ પણ આપવામાં આવ્યું છે. રાજ્યમાં પોતાની જ સરકાર છે અને એટલે જ હવે ચિંતાનું કોઈ કામ નથી. પરંતુ આ જ શિંદે જૂથના એક વિધાનસભ્યને મંત્રાલયમાં પ્રવેશતા રોકવામાં આવતા હોબાળો મચી ગયો હતો.

શિંદે જૂથના વિધાનસભ્ય સંજય શિરસાટને મંત્રાલયમાં પ્રવેશતી વખતે કડવો અનુભવ થયો હતો અને તેમને મંત્રાલયમાં પ્રવેશતાં અટકાવવામાં આવ્યા હતા અને આને કારણે હોબાળો મચી ગયો હતો. આવો જોઈએ શું છે આખો ઘટનાક્રમ વિસ્તારથી-

વાત જાણે એમ છે કે શિંદે જૂથના શિવસેનાના સૌથી પ્રખ્યાત વિધાનસભ્ય સંજય શિરસાટ અને મંત્રાલયના સુરક્ષારક્ષકો સાથે વિવાદ થયો હતો અને આ ઘટનાને કારણે શિરસાટ નારાજ થયા હતા. આખરે રાજ્યના જાહેર બાંધકામ ખાતાના પ્રધાન દાદા ભુસેએ દખલગિરી કરતાં મામલો થાળે પડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે કેબિનેટની બેઠક યોજાઈ હતી અને આ સભાને કારણે મંત્રાલયમાં ભીડ જોવા મળી હતી અને આ જ અનુસંધાનમાં બપોરે લગભગ 2.30 વાગ્યાની આસપાસ વિધાનસભ્ય સંજય શિરસાટ પણ પોતાની કારમાં મંત્રાલયના ‘જનતા જનાર્દન’ મેઈનગેટ પર પહોંચ્યા હતા. બસ આ જ વખતે પોલીસે એમની કારને રોકી હતી. તેમની કારને રોકતા ફરજ પર હાજર પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે શિરસાટસાહેબ તમે અહીંથી નહીં જઈ શકો. તમારે બગીચાવાળા ગેટથી મંત્રાલયમાં પ્રવેશવું પડશે.

પોલીસની આ વાત સાંભળીને વિધાનસભ્ય શિરસાટ ગુસ્સે ભરાયા હતા અને જણાવ્યું હતું કે હું વિધાનસભ્ય છું અને આ નિયમ કોણે બનાવ્યો? હું છેલ્લાં 15 વર્ષથી આ જ ગેટમાંથી અવર-જવર કરું છું તો આજે તમે મને કઈ રીતે રોકી શકો? એટલું જ નહીં પણ એમણે આ જ ગેટમાં પ્રવેશવાનો નિર્ધાર કર્યો હતો.

વાત આટલેથી જ અટકી નહોતી આ બોલાચાલી હાથાપાયી સુધી પહોંચી ગઈ હતી. પોલીસ વિધાનસભ્ય શિરસાટને સમજાવવાનો પ્રયાસ કર્યો અને જણાવ્યું કે મંત્રાલયના સિક્યોરિટીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પરંતુ શિરસાટ માનવા તૈયાર જ નહોતા. આખરે જાહેર બાંધકામ ખાતાના પ્રધાન દાદા ભુસેએ દખલગિરી કરતાં મામલો થાળે પડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ મંત્રાલયમાં પ્રવેશવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ બદલાયેલા નવા નિયમ અનુસાર મુખ્ય પ્રવેશદ્વાર પરથી માત્ર પ્રધાનોના વાહનોને પ્રવેશ આપવામાં આવશે. જ્યારે વિધાનસભ્યો અને અન્ય લોકોના વાહનોને ગાર્ડનના ગેટમાંથી પ્રવેશ આપવામાં આવશે. પરંતુ વિધાનસભ્ય શિરસાટ આ કંઈ જ સાંભળવા તૈયાર નહોતા અને તેને કારણે આ બધી બબાલ થઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button