બે લાખ ફોટોગ્રાફ્સમાં કચ્છના આ યુવકની તસવીરે મેળવ્યું બીજું સ્થાન

ભુજ: કચ્છના જાણીતા ડ્રોન ફોટોગ્રાફર અભિષેક ગુસાઈએ વૈશ્વિક સ્તરે યોજાયેલી ફોટોગ્રાફી સ્પર્ધા જીતીને આ ભાતીગળ પ્રદેશનું નામ રોશન કર્યું છે.

૧૩૮ દેશના અંદાજે ૨ લાખ જેટલા ફોટોગ્રાફરો દ્વારા આ સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ભુજના અભિષેક ગુંસાઈએ તેમના ડ્રોન કેમેરા વડે કેપ્ચર કરેલી બન્ની વિસ્તારના કચ્છના વેકરિયાના રણના માટી યુક્ત તળાવમાં ઠંડક મેળવી રહેલી અને કોઈ મોડેલની જેમ પોઝ આપી રહેલી બન્ની નસલની ભેંસની તસવીરે બીજો ક્રમાંક મળ્યો છે. હાઈ ડેફિનેશન કેમેરા, ડ્રોન, ગિંબલ જેવા ફોટોગ્રાફીને લગતા ઇક્વિપમેન્ટ બનાવતી જાણીતી ડીજેઆઈ કંપની દર વર્ષે એન્યુઅલ ફોટોગ્રાફી કોમ્પિટિશનનું વૈશ્વિક સ્તરે આયોજન કરતી હોય છે. આ વખતના દસમા એન્યુઅલ ગ્લોબલ ડ્રોન ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં ૧૩૮ દેશના ૨ લાખ ફોટોગ્રાફરોએ પોતાની ડ્રોન તસવીરો સબમીટ કરાવી હતી. જે પૈકી ભુજના સરકાર માન્ય ડ્રોન પાઇલટ અભિષેક ગુસાઈએ પણ તેમની ૭૮ જેટલી બેસ્ટ ડ્રોન તસવીરો સબમીટ કરાવી હતી. આ પૈકી ૧૮ તસવીર પસંદ કરવામાં આવી તેમાંથી બન્નીની લાખેણી ભેંસની ‘મડ બાથ બ્લીસ’ (Mud Bath Bliss) તસવીરને બીજો નંબર આપવામાં આવ્યો છે. દુનિયાની ૧૦ બહેતરીન ડ્રોન તસવીરોમાં ભારતના ડ્રોન ફોટોગ્રાફરની આ એક માત્ર તસવીર છે જે કચ્છ માટે ગૌરવની વાત છે.
અભિષેકને આ ફોટોગ્રાફી કોન્ટેસ્ટમાં બીજો નંબર મેળવ્યા બદલ કંપની તરફથી ઇનામ તરીકે ૪૦૪૮ ડોલર એટલે કે અંદાજિત ૩.૫૦ લાખની કિંમતનો ડ્રોન અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. તેમજ ડીજેઆઈ કંપનીના સ્કાય પિક્સલ પ્લેટફોર્મના ક્રિએટર તરીકે કામ કરવાની તક પણ મળશે તેવું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: ચૈત્રી નવરાત્રિઃ રાજ્યની શક્તિપીઠોમાં સવારથી ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર…