જૉકોવિચે ફેડરરનો રેકૉર્ડ તોડ્યો, 100મા ટાઇટલની લગોલગ…

માયામી ગાર્ડન્સ (અમેરિકા): ટેનિસની રમતમાં ગ્રેન્ડ સ્લૅમ સર્વોત્તમ સ્પર્ધા ગણાય છે, પરંતુ અસોસિયેશન ઑફ ટેનિસ પ્રોફેશનલ્સ (ATP) માસ્ટર્સ 1000 નામની સ્પર્ધાનું પણ દરેક ખેલાડીની કરીઅરમાં અનેરું મહત્ત્વ છે અને એમાં 37 વર્ષના નોવાક જૉકોવિચે (Novak Djokovic) મોટી સિદ્ધિ મેળવી છે. તે રોજર ફેડરર (Roger federer)નો વિક્રમ તોડીને આ સ્પર્ધાની સેમિ ફાઇનલમાં પહોંચનારો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો છે. એટલું જ નહીં, જૉકોવિચ પ્રોફેશનલ કરીઅરનું 100મું ટાઇટલ જીતવાની તૈયારીમાં છે.
જૉકોવિચની ઉંમર 37 વર્ષ અને 10 મહિના છે. ફેડરર એટીપી માસ્ટર્સ 1000 સ્પર્ધાની સેમિ ફાઇનલમાં પહોંચ્યો હતો ત્યારે તેની ઉંમર 37 વર્ષ અને સાત મહિના હતી. સૌથી વધુ 24 ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર જૉકોવિચ ગુરુવારે માયામી ઓપનમાં અમેરિકાના સૅબાસ્ટિયન કોર્ડાને 6-3, 7-4થી હરાવીને સેમિમાં પ્રવેશ્યો હતો.
જૉકોવિચ-કોર્ડા વચ્ચેની મૅચ બુધવારે રાત્રે રમાવાની હતી, પણ એ રાત્રે એ જ ટેનિસ કોર્ટ પર મહિલા વર્ગમાં જેસિકા પેગુલા અને એમ્મા રાડુકાનુ વચ્ચેની ક્વૉર્ટર ફાઇનલ લાંબી ચાલી હોવાથી જૉકોવિચ-કોર્ડાની મૅચ રાત્રે 11.00 પછી શરૂ થઈ હોત જે એટીપીના નિયમોની વિરુદ્ધમાં કહેવાય. પરિણામે, એ મૅચ ગુરુવારે રમાઈ હતી.
આ પણ વાંચો : જૉકોવિચને દીકરીએ ઇશારાથી કહ્યું, `ડૅડી, ઇન્ટરવ્યૂ જલદી પતાવો…ઊંઘ આવે છે’
સર્બિયાનો જૉકોવિચ સાતમી વાર માયામી ઓપન જીતવા માગે છે અને એની ફાઇનલમાં તેનો મુકાબલો બલ્ગેરિયાના ગ્રિગૉર દિમીત્રોવ સામે થશે. દિમીત્રોવ સામે જૉકોવિચનો બહુ સારો રેકૉર્ડ છે. જૉકોવિચ તેને 13માંથી 12 મૅચમાં હરાવી ચૂક્યો છે એટલે જૉકોવિચ માટે 100મું પ્રોફેશનલ ટાઇટલ જીતવું હવે બહુ મુશ્કેલ નથી.