નેશનલ

…તો ધડ માથાથી અલગ થઈ જાયઃ નરોત્તમ મિશ્રાએ રાહુલ ગાંધી માટે આમ કેમ કહ્યું

દેશના પાંચ રાજ્યમાં ચૂંટણી છે અને રાજકીય ગરમી વધતી જાય છે. ખાસ કરીને મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે. વળી, 2024માં લોકસભાની ચૂંટણી હોવાથી આ પાંચ રાજ્યોના પરિણામ તમામ પક્ષ માટે મહત્વના છે અને હાલમાં તમામ પક્ષો ચૂંટણી સભાઓ ગજવવામાં મશગૂલ છે. એટલે સ્વાભાવિક છે કે નેતાઓની જીભ લપસવાની જ. આમાં પણ જાણીતા એવા મધ્ય પ્રદેશના નેતા નરોત્તમ મિશ્રા વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે.

અહીંના ગૃહ પ્રધાન ડો. નરોત્તમ મિશ્રાએ શિવપુરી જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવદન આપ્યુ હતું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી રાજસ્થાન ગયા તો હિન્દુ અને હિન્દુત્વ પર સવાલ ઉઠાવી દીધા. આ દરમિયાન નરોત્તમ મિશ્રાએ સવાલ કરતા કહ્યું કે, રાહુલ ગાંધી ક્યારેય કોઈ બીજા ધર્મ પર સવાલ કેમ નથી ઉઠાવતા? હિન્દુઓની વસતી ગણતરીની વાત કરી. બીજાની કેમ ન કરી? કારણ કે, જો બીજા ધર્મોની વાત કરે તો માથું ધડથી અલગ થઈ જશે. અંતે આ તમામ પ્રહાર આપણા ધર્મ પર જ કેમ કરી રહ્યા છે, તેવા તીખાં સવાલો પણ તેમણે કર્યા હતા.

તેમણે એવા આક્ષેપ પણ કર્યા હતા કે એક તરફ એક પક્ષ છે જે તમને જ્ઞાતિઓમાં વહેંચીને દેશને તોડવા માંગે છે, તે મુસ્લિમોને ભાજપનો ડર બતાવીને સંગઠિત રાખવા માંગે છે. તેમણે કહ્યું કે, તમે માત્ર કમળનું ફૂલ જુઓ. હું વચન આપું છું કે, જો અડધી રાત્રે પણ તમે મારા ઘરનો દરવાજો ખખડાવશો તો હું હંમેશા તૈયાર રહીશ.

કોંગ્રેસી નેતાઓ પર શાબ્દિક પ્રહારો કરતા નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, સોનિયા ગાંધી, દિગ્વિજય, કમલનાથને સામાન્ય જનતા સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ માત્ર પોતાના પુત્રોને સેટ કરવા માંગે છે. સોનિયા ઈચ્છે છે કે રાહુલ સેટ થાય. કમલનાથ ઈચ્છે છે કે, તેમનો પુત્ર નકુલનાથ, દિગ્વિજય ઈચ્છે છે કે, તેમનો પુત્ર જયવર્ધન સેટ થઈ જાય. બધા પોત-પોતાના પુત્રોને સેટ કરવા માંગે છે. જો કોઈ દેશ માટે વિચારે છે તો તે માત્ર પીએમ મોદી વિચારે છે.
ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા ફરી એક વખત ભાજપની ટિકિટ પર દતિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે ફરી એકવાર જૂનો ચહેરો રાજેન્દ્ર ભારતીને મેદાનમાં ઉતાર્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button