ચેન્નઈને ચેતવણીઃ ધોની સામે તેનો જ શિષ્ય કોહલી આજે મચાવશે ધમાલ…

ચેન્નઈઃ બાવીસમી માર્ચે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા સામે અણનમ 59 રનના યોગદાનથી રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ને વિજયી શરૂઆત કરાવી આપનાર વિરાટ કોહલી (Virat Kohli)ની આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ગઢ સમાન ચેપૉકમાં કસોટી છે, પરંતુ ખરેખર તો કોહલીએ છેલ્લા બે-ત્રણ દિવસ દરમ્યાન નેટમાંથી જ સીએસકેને આડકતરી ચેતવણી આપી દીધી છે કે તેણે આ વખતની આઇપીએલમાં ધમાકેદાર શરૂઆત કરી છે એટલે તેનાથી તેમણે આજે ખાસ ચેતવું પડશે.

કોહલીએ નેટ પ્રૅક્ટિસ (Net practice)માં ખૂબ પસીનો પાડ્યો છે. તેણે તોફાની ફટકાબાજી કરીને મેદાનની ચારેય દિશામાં વારંવાર બૉલ બાઉન્ડરી લાઇનની બહાર મોકલી દીધો છે. તેનું બૅટ આજે ચેન્નઈના બોલર્સ માટે કાળ જેવું બની શકે. મોટા ભાગે તો કોહલી જો ચાલી જશે તો આજે બેંગલૂરુની બીજી જીત પાક્કી જ છે. જોકે તેને બ્રિટિશ ઓપનર-વિકેટકીપર ફિલ સૉલ્ટનો પણ સારો સાથ મળવો જરૂરી છે. કોલકાતા સામેની પ્રથમ મૅચમાં સૉલ્ટે હાફ સેન્ચુરી (56 રન) ફટકારી હતી અને બન્ને વચ્ચે 95 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી.
ઋતુરાજ ગાયકવાડ ચેન્નઈનો કૅપ્ટન છે, પરંતુ તેની પાછળ દોરીસંચાર ધોનીનો જ હોય છે. આજે ધોની સામે તેનો શિષ્ય કોહલી મૅચ-વિનિંગ રમવા કોઈ કસર બાકી નહીં રાખે.
કોહલી આઇપીએલના ઇતિહાસનો સર્વોત્તમ બૅટસમૅન છે. તેણે 253 મૅચમાં 8,063 રન બનાવ્યા છે જે ક્રિકેટજગતની આ સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટમાં રમી ચૂકેલા સેંકડો બૅટર્સમાં હાઇએસ્ટ છે. તેના નામે આઠ સેન્ચુરી અને 56 હાફ સેન્ચુરી છે. 113 રન તેનો સર્વોત્તમ સ્કોર છે.
આ પણ વાંચો : IPLમાં દર વર્ષે અબજો રૂપિયાનો કારોબાર થાય છે, સરકારને આ રીતે થાય છે આવક…
આજની મૅચ પહેલાં બેંગલૂરુની ટીમ એક જ મૅચ રમીને પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે રહી છે. લખનઊની ટીમ બે મૅચ રમી છે છતાં બેંગલૂરુ પછી બીજા સ્થાને અને પંજાબની ટીમ ત્રીજા નંબરે છે.