સ્પોર્ટસ

`ધોનીનું વધુ પડતું વળગણ સારું નહીં’ એવું અંબાતી રાયુડુ કેમ કહે છે?

ચેન્નઈઃ ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને 2023ની સાલમાં પાંચમું અને છેલ્લું ટાઇટલ અપાવવામાં યોગદાન આપનાર અંબાતી રાયુડુ (Ambati Rayudu)એ પોતાના જ ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) વિશે ગળે ઊતરે એવી છતાં ચોંકાવનારી વાત કરી છે. અંબાતીનું એવું કહેવું છે કે સીએસકેના બહોળા ચાહકવર્ગમાંથી ધોનીને સતત પણે જે અસાધારણ સપોર્ટ મળી રહ્યો છે એ ધીમે-ધીમે એવા વળગણ (Obsession)માં ફેરવાઈ રહ્યો છે જે સીએસકે ટીમ માટે તેમ જ સીએસકેના અન્ય બૅટ્સમેનના હિતમાં નથી. હંમેશાં સીએસકેની મૅચ વખતે સ્ટેડિયમમાંથી ધોની…ધોની…ધોની…ની જ બૂમો સંભળાતી હોય છે જેને લીધે ટીમના અન્ય બૅટ્સમેનની માનસિકતા પર ઊલટી અસર પડતી હોય છે.

અંબાતી એવું પણ કહે છે કે ફૅન્સનો સપોર્ટ સૌથી પહેલાં ધોની માટે હોય છે અને પછી સીએસકે માટે કે સીએસકેના અન્ય ખેલાડીઓ માટે. લોકો જો એક જ વ્યક્તિને નજરસમક્ષ રાખીને એ ટીમને સપોર્ટ કરતા રહે તો ભવિષ્યમાં એ જ ટીમના બૅ્રન્ડિંગને વિપરીત અસર થઈ શકે. સ્ટેડિયમમાંથી લોકો હંમેશાં નીચલા ક્રમે બૅટિંગ કરવા આવતા ધોની પ્રત્યેનો ક્રેઝ જ બતાવતા હોય છે. બીજી રીતે કહું તો ધોની બૅટિંગમાં આવે એ પહેલાં જે બૅટ્સમેન રમવા આવે એ જલદી આઉટ થઈ જાય એવું લોકો આડકતરી રીતે ઇચ્છતા હોય છે કે જેથી કરીને તેમનો નંબર-વન હીરો ધોની બૅટિંગમાં આવી શકે.

ટીમનો કોઈ નવો બૅટ્સમૅન મેદાન પર ઊતરે અને લોકો તેને બૂમો પાડીને આવકારે એ સારી વાત છે, પણ પછીથી તેને પણ સમજાઈ જાય છે કે લોકોના મનમાં પહેલાં તો ધોની જ વસે છે અને પછી તેનો અને સીએસકેનો નંબર આવે.’ અંબાતીએ એક જાણીતી ક્રિકેટ વેબસાઇટને સીએસકેને પાંચ ટાઇટલ અપાવનાર ધોનીનો ઉલ્લેખ કરીને એવું પણ જણાવ્યું છે કેધોની અજોડ છે એમાં કોઈ શંકા નથી. એટલે જ ચેન્નઈમાં તે થાલા (લીડર) તરીકે ઓળખાય છે. વર્ષોથી સીએસકેની ઓળખ પહેલાં તો ધોનીથી જ થાય છે. એમાં કંઈ ખોટું નથી. ધોનીએ સીએસકે માટે જે કર્યું છે એ જોતાં તે આ લોકપ્રિયતાને પાત્ર છે.

જોકે થોડા વર્ષોથી જોવા મળ્યું છે કે ટીમના કેટલાક ખેલાડીઓ ભલે ખુલ્લેઆમ બોલતા નથી, પરંતુ તેમને પણ વિચાર આવતો જ હશે કે ક્રાઉડ માટે તો બસ, ધોની જ સર્વસ્વ છે. સીએસકેના અમુક ખેલાડીઓને થતું હશે કે તેઓ બૅટિંગ કરવા મેદાન પર ઊતરે ત્યારે ધોની…ધોની…ધોની…ની જે બૂમો સંભળાય એનો સીધો અર્થ એ જ થાય છે કે પોતે (એ ખેલાડી) વહેલો આઉટ થઈ જાય કે જેથી ધોનીને ક્રીઝમાં આવવા મળે અને તેઓ પોતાના આ સુપરહીરોને રમતો જોઈ શકે.’

આ પણ વાંચો:ઇરફાન પઠાણ પરના પ્રતિબંધ પાછળની વિગતો બહાર આવી…કૉમેન્ટરીમાં તે કોહલી વિશે ખૂબ ઘસાતું બોલ્યો હતો

43 વર્ષના ધોનીએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીને 2020માં ગુડબાય કરી દીધી હતી. 2023માં સીએસકેને પાંચમું ટાઇટલ અપાવ્યા બાદ ધોની આઇપીએલમાંથી પણ નિવૃત્ત થઈ જવા માગતો હતો, પણ ચાહકો તેમ જ મિત્રો અને ટીમના સાથી ખેલાડીઓની અભૂતપૂર્વ લાગણીઓ પારખીને તેણે આઇપીએલમાં રમવાનું ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું. ત્યારે (2023માં) તેણે ફાઇનલ બાદ બીજા જ અઠવાડિયે મુંબઈમાં ઘૂંટણની શસ્ત્રક્રિયા કરાવી હતી, 2024ની આઇપીએલમાં પણ રમ્યો હતો અને આ વખતે પણ રમી રહ્યો છે.

ધોની બે વર્ષથી સીએસકેની બૅટિંગ લાઇન-અપમાં નીચલા ક્રમે (સાતમા કે આઠમા નંબરે) બૅટિંગ કરે છે અને તેને માત્ર 10થી 15 બૉલ રમવા મળે છે. તે વિકેટકીપર તરીકે હરીફ ટીમની આખી ઇનિંગ્સમાં જરૂર જોવા મળે છે, પણ લોકોને હજીયે તેની બૅટિંગ જોવી છે એટલે તેની જ બૂમો પાડતા રહેતા હોય છે. ખરેખર તો ધોની મેદાન પર ઊતરે ત્યારથી જ લોકો તેને વધાવવાનું ચાલુ કરી દેતા હોય છે. આવી લોકપ્રિયતા અગાઉ ક્યારેય કોઈ ક્રિકેટરના કિસ્સામાં નથી જોવા મળી.

આ પણ વાંચો: વિરાટ કોહલી CSK ના બોલર્સ પર ભારે પડશે? CSK સામે વિરાટનું શાનદાર પ્રદર્શન

અંબાતી કહે છે કે `કોઈ પ્લેયરને સુપરસ્ટારનો દરજ્જો મળે એમાં જરાય ખોટું નથી, પણ જ્યારે ધોની છેવટે રિટાયરમેન્ટ લઈ લેશે ત્યારે સીએસકે ટીમને પોતાની તરફ ક્રાઉડને આકર્ષવામાં તકલીફ પડશે. સીએસકે તરફી ચાહકોનું ધ્યાન ફક્ત ધોની પર જ હોય છે. તેમણે હવે રવીન્દ્ર જાડેજા કે ટીમના બીજા કોઈ સ્ટાર પ્રત્યે ક્રેઝ બતાવવો જોઈએ.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button