આપણું ગુજરાત

લોથલમાં પીએચડીની વિદ્યાર્થિનીના મોત અંગે IIT દિલ્હીના પ્રોફેસર સામે નોંધાયો ગુનો…

અમદાવાદઃ અમદાવાદ નજીક લોથલમાં( Lothal)પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિના અવશેષો શોધવા ચાલી રહેલા ખોદકામ દરમિયાન પીએચડી સ્કોલર સુરભી વર્માના મોતના આરોપસર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હીના પ્રોફેસર યામા દીક્ષિત સામે ઘટનાના લગભગ ચાર મહિના બાદ અમદાવાદ રૂરલ પોલીસે ગુનો નોંધ્યો હતો. સબ ઇન્સ્પેકટર પી.એન. ગોહિલે જણાવ્યું હતું કે, આ ઘટના 27 નવેમ્બર 2024ના રોજ બની હતી. પરંતુ મૃતક સુરભીના પિતાની ફરિયાદના આધારે 23 માર્ચે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

કોઠ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે હાજર થવા માટે નોટિસ મોકલવામાં આવશે

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રોફેસરને કોઠ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે હાજર થવા માટે નોટિસ મોકલવામાં આવશે. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે 27 નવેમ્બર, 2024 ના રોજ સુરભી વર્મા અને યામા દિક્ષિત, આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસર વી.એન. પ્રભાકર અને શિખા રાય સાથે સંશોધન માટે ગયા હતા. ત્યાં યામા દીક્ષિતે લોથલ સ્થળની બાજુમાંથી પસાર થતા રસ્તાની બાજુમાં જ એક વિસ્તાર પસંદ કર્યો હતો અને ત્યાં હિટાચી મશીનથી 13 ફૂટ લંબાઈ, 4 ફૂટ પહોળાઈ અને 10 ફૂટ ઊંડાઈનો ખાડો ખોદ્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad: ચાંદખેડામાં AMTS પાછળ કાર ઘૂસી ગઈ, એકનું મોત

પ્રોફેસર યામા દિક્ષિત અને સુરભી વર્મા સંશોધન માટે ગુજરાત આવ્યા હતા

યામા દીક્ષિત અને સુરભી વર્મા સેમ્પલ લેવા માટે આ ખાડામાં ગયા હતા. આ સમયે સુરભીની ઉપર ભેખડ તૂટી પડી હતી અને શ્વાસ રૂંધાવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. ભેખડ પડવાથી દીક્ષિતને પણ માથામાં ઈજાઓ પહોંચી હતી.
પ્રોફેસર યામા દિક્ષીત સામે બીએનએસની કલમ 106(1) અને 125 (એ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સુરભી વર્માએ આઈઆઈટી દિલ્હીમાં 2023માં એડમિશન લીધું હતું. ત્યારબાદ 2024માં પ્રોફેસર યામા દિક્ષિત અને સુરભી વર્મા સંશોધન માટે ગુજરાત આવ્યા હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button