નેશનલ

ભારતની એરસ્ટ્રાઈકથી બચી ગયેલો આતંકવાદી પાકિસ્તાનમાં ઠાર

પુલવામા પર થયેલા હુમલા બાદ ભારતે કરેલી એર સ્ટ્રાઈકમાં બચી ગયેલા આતંકવાદીને પાકિસ્તાનમાં ઠાર મરાયો હોવાના અહેવાલો છે. પાકિસ્તાનમાં અગાઉ પણ આંતકવાદી શાહિદ લતીફની હત્યા થઈ હતી.

ફરી અહીં એક આતંકવાદી ઠાર મારાયાના અહેવાલો છે. પાકિસ્તાનમાં દાઉદ મલિક નામના આતંકીની પણ હત્યા થઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. દાઉદ વૈશ્વિક આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદના ચીફ મસૂદ અઝહરનો નિકટનો સાથીદાર ગણાય છે.

આ સિવાય તે લશ્કર એ જબ્બર અને લશ્કર એ જાંગવી સંગઠન સાથે પણ જોડાયેલો હતો. આ પહેલા પઠાણકોટ હુમલાના માસ્ટર માઈન્ડ શાહિદ લતીફની તાજેતરમાં જ હત્યા થઈ હતી અને તેમાં પાકિસ્તાન પોલીસે બહારની જાસૂસી એજન્સીનો હાથ હોવાનો દાવો પણ કર્યો હતો. દાઉદ મલિકની પાકિસ્તાનના ઉત્તર વજીરીસ્તાનમાં અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી હોવાના અહેવાલો છે.

દાઉદ મલિક માટે કહેવાય છે કે, ભારતીય વાયુસેનાએ પુલવામા હુમલાનો બદલો લેવા માટે બાલાકોટ પર એરસ્ટ્રાઈક કરી ત્યારે આ આતંકી ત્યાં જ હતો. જોકે તે હુમલામાં બચી ગયો હતો.


પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિઓ કરનારાઓને શેહ આપે છે તેવા દાવા વચ્ચે થોડા સમયમાં આતંકીઓ માર્યા જવાની ઘટનાઓ બની રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ બશીર અહેમદ પીરની રાવલપિંડીમાં હત્યા થઈ હતી. જે ભારતની આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો. ગયા મહિને લશ્કર એ તોઈબાના પ્રમુખ હાફિઝ સઈદના નિકટના અબુ કાસિમની રાવલકોટમાં ગોળી મારી હત્યા કરાઈ હતી. જૈશ એ મહોમ્મદના ખૂંખાર આતંકી જહૂર મિસ્ત્રીનુ પણ મર્ડર થઈ ગયુ હતુ. આ આતંકી કંદહાર વિમાન અપહરણકાંડમાં સામેલ હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button