
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચારને નાબુદ કરવા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. એસીબી દ્વારા સતત લાંચ લેતા ઇસમોને ઝડપીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. સ્ટેટ વિજિલન્સ કમિશનના 2023ના રિપોર્ટ પ્રમામે, ભ્રષ્ટાચારમાં મોખરે ગણાતા મહેસૂલ-ગૃહ વિભાગને પછાડી શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ પ્રથમ નંબરે આવ્યા છે. આ ઉપરાંત 24 કેસમાં ભલામણ કરવામાં આવી હોવા છતાં માત્ર 9માં જ કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે 15 કેસ પડતાં મૂકવામાં આવ્યા હતા.
ભ્રષ્ટાચાર સામે સૌથી વધુ અરજી આ શહેરમાં મળી
સ્ટેટ વિજિલન્સ કમિશનને 2023માં 11196 અરજી મળી હતી. જેમાં અત્યાર સુધી ભ્રષ્ટાચારમાં ટોપ રહેતા મહેસુલ-ગૃહ વિભાગને બદલે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ મોખરે આવ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2023 દરમિયાન સરકારે કુલ 471 અધિકારીઓ-કર્મચારીઓ સામે સરકારે શિક્ષાત્મક કાર્યવાહી કરી હતી. વિજિલન્સને ભ્રષ્ટાચાર સામે સૌથી વધુ સુરત અને બીજા ક્રમે અમદાવાદમાંથી અરજી મળી હતી. જેમાં સૌથી વધુ શહેરી વિકાસ-શહેરી ગ્રામ ગૃહ નિર્માણને 2171, બીજા ક્રમે મહેસૂલ વિભાગને 1849, ત્રીજા ક્રમે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસને 1418, ચોથા ક્રમે ગૃહ વિભાગને 1241 ફરિયાદ મળી હતી.
આ પણ વાંચો: કોણે કહ્યું દારૂબંધી છે?: લિકર પરમિટ મેળવવામાં અમદાવાદીઓ ગુજરાતમાં મોખરે…
કેટલા અધિકારી-કર્મચારીઓ સામે લીધા પગલાં?
વર્ગ 1ના 108, વર્ગ 2ના 190, વર્ગ 3ના 167 અધિકારીઓ સામે પગલા ભરવામાં આવ્યા હતા. જે પૈકી વર્ગ 1ના 6, વર્ગ 2ના 9 અને વર્ગ 3ના 7 મળી કુલ 22 અધિકારીઓ સામે સસ્પેન્સનની કાર્યવાહી થઈ હતી. જ્યારે વર્ગ 1ના કુલ 73, વર્ગ 2ના 119 અને વર્ગ 3ના 85 અધિકારી-કર્મચારીઓ મળીને કુલ 277 અધિકારી-કર્મચારીઓ સામે પેન્શન કાપના પગલાં લેવામાં આવ્યા હતા. જ્યારે વર્ગ 1ના 29, વર્ગ 2ના 62 અને વર્ગ 3ના 75ને હળવી સજા ફટકારવામાં આવી હતી.
આ પણ વાંચો:પ્રોપર્ટી ટેક્સ વસૂલાત મુદ્દે અમદાવાદ મનપાની લાલ આંખ, એક દિવસમાં 4,200થી વધુ મિલકત સીલ
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દાખલારૂપ દંડાત્મક કાર્યવાહી કરવા માટે આયોગે સરકારને 24 ભલામણ કરી હતી. આ પૈકી 15 કેસમાં સરકારે કોઈ પગલાં ભર્યા નહોતા, જ્યારે માત્ર 9 કેસમાં જ કાર્યવાહી કરી હતી.