
લંડન: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત ઓક્સફર્ડ યુનિવર્સિટી(Mamata Banerjee at Oxford University) ની મુલાકાતે પહોંચ્યા હતાં. ગઈ કાલે 27 માર્ચે કેલોગ કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતાં, આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓ હાથમાં પ્લેકાર્ડ લઈને આરજી કર મેડિકલ કોલેજ રેપ કેસ અને અન્ય કૌભાંડોને લગતા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. જોકે, મમતા બેનર્જીએ પરિસ્થિતિને સંભાળી અને પ્રદર્શનકારીઓને જવાબ આપ્યો.
મમતા બેનર્જી આ મુદ્દે વાત આકરી રહ્યા હતાં:
મમતા બેનર્જીને મહિલાઓ, બાળકો અને સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગના સામાજિક વિકાસ પર સંબોધન આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. સંબોધન દરમિયાન બંગાળની ‘સ્વાસ્થ્ય સાથી’ અને ‘કન્યાશ્રી’ યોજનાઓનો ઉલ્લેખ કર્યો. જ્યારે તેમણે બંગાળમાં રોકાણ પર બોલવાનું શરૂ કર્યું, ત્યારે કેટલાક લોકો હાથમાં પ્લેકાર્ડ લઈને ઉભા થઈ ગયા. પ્લે કાર્ડ્સ પર રાજ્યમાં ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અને આરજી કર મેડિકલ કોલેજ રેપ કેસ વિશે લખ્યું હતું.
આ પણ વાંચો: સંસદમાં શિવસેનાનાં સાંસદે કર્યા નીતિન ગડકરીનાં વખાણ; અધ્યક્ષે પણ આપ્યો સાથ
પ્રદર્શનકારીઓએ સુત્રોચ્ચાર પણ કર્યો હતો, ત્યારે મમતા બેનર્જીએ જવાબ આપીને પ્રદર્શનકારીઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો. મમતા બેનર્જીએ વિરોધીઓને કહ્યું, ‘તમે મારું સ્વાગત કરી રહ્યા છો, આભાર. હું તને મીઠાઈ ખવડાવીશ.’
આરજી કર રેપ કેસમાં મમતા બેનર્જીએ શું કહ્યું?
આરજી કર મેડીકલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા મામલે પ્રદર્શનકારીઓને જવાબ આપતા મમતા બેનર્જીએ કહ્યું, ‘શું તમને ખબર છે કે આ મામલો પેન્ડિંગ છે? આ મામલાની તપાસની જવાબદારી હવે કેન્દ્ર સરકારના હાથમાં છે, આ મામલો હવે અમારા હાથમાં નથી.’
મમતા બેનર્જીએ કહ્યું, ‘અહીં રાજકારણ ન કરો, આ રાજકારણનું પ્લેટફોર્મ નથી. મારા રાજ્યમાં આવો અને મારી સાથે રાજકારણ કરો.’
આ પણ વાંચો: “રશિયન રાષ્ટ્રપતિ પુતિન આવશે ભારત….” PM મોદીનાં આમંત્રણનો કર્યો સ્વીકાર
‘મારું અપમાન….’
જ્યારે પ્રદર્શનકારીઓ બુમો પાડવા લાગ્યા ત્યારે મમતા બેનર્જીએ વાબ આપ્યો, ‘મારું અપમાન કરીને તમારી સંસ્થાનું અપમાન ન કરો. હું દેશના પ્રતિનિધિ તરીકે આવી છું. તમારા દેશનું અપમાન ન કરો.’
જોકે, બાદમાં કાર્યક્રમના આયોજકો અને ત્યાં હાજર લોકોએ પ્રદર્શનકારીઓને ત્યાંથી જવાની ફરજ પાડી.
બધું શાંત થયા બાદ મમતા બેનર્જીએ શાંતિથી કહ્યું, ‘તમે મને વારંવાર અહીં આવવા માટે પ્રોત્સાહિત કરી છે. યાદ રાખો, દીદીને કોઈનો ડર નથી. દીદી રોયલ બંગાળ ટાઇગરની જેમ ચાલે છે. જો તમે મને પકડી શકો તો પકડી લો!”