પૂરન-માર્શની 116ની ભાગીદારીએ લખનઊને હૈદરાબાદ સામે જિતાડ્યું
હૈદરાબાદના 190/9 સામે લખનઊના 193/5ઃ અનિકેતના 36 રનમાં પાંચ સિક્સર, શાર્દુલની ચાર વિકેટ

હૈદરાબાદઃ આઇપીએલ (IPL 2025)માં આજે લખનઊ સુપર જાયન્ટ્સે (LSG) 16.1 ઓવરમાં પાંચ વિકેટે 193 રન બનાવીને યજમાન સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને પાંચ વિકેટથી હરાવી દીધું હતું. નિકોલસ પૂરન (70 રન, 26 બૉલ, છ સિક્સર, છ ફોર) અને ઓપનર મિચલ માર્શ (બાવન રન, 31 બૉલ, બે સિક્સર, સાત ફોર) વચ્ચેની બીજી વિકેટ માટેની 116 રનની ભાગીદારીએ લખનઊ માટે વિજયનો માર્ગ મોકળો કરી આપ્યો હતો અને ત્યાર બાદ બાકીના બૅટર્સે સંઘર્ષ બાદ ટીમને જીત અપાવી હતી.
કૅપ્ટન રિષભ પંત (15 રન) હર્ષલ પટેલના કમરથી ઊંચા બૉલમાં ચર્ચાસ્પદ સ્થિતિમાં કૅચઆઉટ થયો હતો. તે ક્રીઝની બહાર હતો એટલે અમ્પાયરે હાઇટનો નો-બૉલ નહોતો આપ્યો અને કૅચઆઉટ જાહેર કરાયો હતો. અબ્દુલ સામદ બાવીસ રને અને મિલર 13 રને અણનમ રહ્યા હતા. હૈદરાબાદના સુકાની પૅટ કમિન્સે બે તેમ જ હર્ષલ પટેલ, શમી અને ઝૅમ્પાએ એક-એક વિકેટ લીધી હતી.
એ પહેલાં ગયા વર્ષથી ધમાકેદાર ફટકાબાજી કરવામાં એક્કા ગણાતા હૈદરાબાદના બૅટર્સ લખનઊ સામે થોડા ઝૂકી ગયા હતા. 20 ઓવરમાં હૈદરાબાદની ટીમ નવ વિકેટે 190 રન બનાવી શકી હતી. ઓપનર ટ્રૅવિસ હેડ (47 રન, 28 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) પેસ બોલર પ્રિન્સ યાદવના બૉલમાં ક્લીન બોલ્ડ થયો એ સાથે લખનઊના માથેથી મોટી ઘાત ગઈ હતી. અનિકેત વર્મા (36 રન, 13 બૉલ, પાંચ સિક્સર)એ ટૂંકી ઇનિંગ્સમાં ગજબની ફટકાબાજી કરી હતી. તેના 36 રનમાં પાંચ સિક્સરથી બનેલા 30 રન સામેલ હતા. તેનો સ્ટ્રાઇક-રેટ 276.92 હતો. લખનઊના મુખ્ય પેસ બોલર શાર્દુલ ઠાકુરે 34 રનમાં ચાર વિકેટ લીધી હતી.
નીતીશ કુમાર રેડ્ડીએ 28 બૉલમાં 32 રન અને વિકેટકીપર હિન્રિક ક્લાસેને 17 બૉલમાં 26 રન બનાવ્યા હતા.
કૅપ્ટન પૅટ કમિન્સે તમામ 18 રન ત્રણ સિક્સરની મદદથી બનાવ્યા હતા. હર્ષલ પટેલ 12 રને અણનમ રહ્યો હતો.
હૈદરાબાદે 15 રનમાં પહેલી બે વિકેટ ગુમાવી દીધી હતી. અભિષેક શર્મા છ રન બનાવીને આઉટ થયો ત્યાર બાદ બીજા જ બૉલમાં શાર્દુલે પાછલી મૅચના સેન્ચુરિયન ઇશાન કિશન (0)ને પંતના હાથમાં કૅચઆઉટ કરાવી દીધો હતો.
લખનઊની ટીમે ફેરફાર કર્યો હતો. ફરી ફિટ થઈ ગયેલા પેસ બોલર આવેશ ખાનને સ્પિનર શાહબાઝ અહમદના સ્થાને રમવાનો મોકો અપાયો હતો.
હૈદરાબાદની ટીમમાં કોઈ જ ફેરફાર નહોતો કરવામાં આવ્યો.