જુઓ તો ખરા! પ્રિન્સ યાદવે ટ્રૅવિસ હેડના સ્ટમ્પ ઉખાડી નાખ્યા

હૈદારબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ આજે અહીં બૅટિંગ મળ્યા પછી હંમેશની જેમ આતશબાજી નહોતી કરી શકી તથા સમયાંતરે વિકેટો ગુમાવી હતી અને એમાં પણ ટ્રૅવિસ હેડની ત્રીજી વિકેટ જોવા જેવી હતી. લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના પેસ બોલર પ્રિન્સ યાદવે હેડના ઑફ અને મિડલ સ્ટમ્પ ઉખાડી નાખ્યા હતા.
હેડની વિકેટ પડી ત્યારે હૈદરાબાદનો સ્કોર 76 રનમાં ત્રણ વિકેટ હતો અને આઠમી ઓવર ચાલી રહી હતી. ઓપનર ટ્રૅવિસ હેડે (Travis Head) 28 બૉલમાં ત્રણ સિક્સર અને પાંચ ફોરની મદદથી 47 રન બનાવ્યા હતા અને હાફ સેન્ચુરીની લગોલગ તો હતો જ, હૈદરાબાદે તોતિંગ સ્કોર અપાવવાના મૂડમાં હતો.
આપણ વાંચો: રિષભ પંતની ટીમને આવતી કાલે હૈદરાબાદમાં સનરાઇઝર્સ સામે મોટો ખતરો…
જોકે અગાઉ વિકેટ વિનાના રહેલા પ્રિન્સ યાદવે (Prince Yadav) હેડને અદ્ભુત રીતે ક્લીન બોલ્ડ કર્યો હતો. બૉલ હેડના સ્ટમ્પ્સના તળિયે પહોંચ્યો હતો અને પળવારમાં તેના બે સ્ટમ્પ ઉખડી ગયા હતા. સામા છેડે ઊભેલો નીતીશ કુમાર રેડ્ડી જોતો રહી ગયો હતો અને રિષભ પંત તથા સાથી ખેલાડીઓ પ્રિન્સને અભિનંદન આપવા દોડી આવ્યા હતા.
હેડની પહેલાં અભિષેક શર્મા (છ રન) સારું રમવામાં નિષ્ફળ ગયો જ હતો, પરંતુ પાછલી મૅચના સેન્ચુરિયન-વિનર ઇશાન કિશનની હાલત ખરાબ થઈ હતી. શાર્દુલ ઠાકુરના બૉલમાં કિશન (પોતાના પહેલા જ બૉલમાં) વિકેટકીપર પંતને કૅચ આપી બેઠો હતો.
અભિષેકની વિકેટ પણ શાર્દુલે જ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે પાછલી મૅચમાં પંતે શાર્દુલને માત્ર બે ઓવર આપી હતી અને દિલ્હી કૅપિટલ્સે ત્રણ બૉલ બાકી રાખીને એક વિકેટના માર્જિનથી દિલધડક વિજય મેળવ્યો હતો.