આમચી મુંબઈ

ચેન્નઈમાં લૂંટારાનું એન્કાઉન્ટર: આંબિવલીની ઈરાની બસ્તીમાં અલર્ટ

મુંબઈ: કલ્યાણ પાસેના આંબિવલીની ઈરાની બસ્તીના કુખ્યાત લૂંટારાના ચેન્નઈમાં પોલીસ સાથેની અથડામણમાં મોત પછી થાણે પોલીસે ઈરાની બસ્તી આસપાસના પરિસરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ ઘટનાને પગલે રહેવાસીઓનો આક્રોશ ફાટી ન નીકળે તે માટે પોલીસ અલર્ટ મૉડ પર આવી ગઈ હતી. અત્યારે ઈરાની બસ્તીમાં ભયાવહ શાંતિ હોવાનું કહેવાય છે.

આંબિવલીની ઈરાની બસ્તીમાં રહેતો જાફર ગુલામ હુસેન ઈરાની બુધવારે ચેન્નઈ પહોંચ્યો ત્યારે પોલીસે તેને તાબામાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની પકડમાંથી છટકીને તેણે ગોળીબાર કર્યો હતો. પોલીસે કરેલા વળતા ગોળીબારમાં જાફરનું મોત નીપજ્યું હતું.

જાફર જ્યાં રહેતો હતો તે આંબિવલી સ્ટેશન પાસેની ઈરાની બસ્તી અનેક ચેન-સ્નેચર્સ અને બાઈકચોરોનો ગઢ ગણાય છે. ઈરાની ગૅન્ગ સાથે સંકળાયેલા અહીંના લૂંટારા પોલીસ પર હુમલો કરવામાં જરાય ડગમગતા નથી. આરોપીની શોધમાં આ બસ્તીમાં ગયેલી મુંબઈ, થાણે અને નવી મુંબઈ પોલીસ પર અનેક વાર હુમલા થયા છે. હુમલો કરવામાં મહિલાઓ સૌથી આગળ હોય છે.

આપણ વાંચો: જામા મસ્જિદમાં નમાજ દરમિયાન અથડામણ, શિયા અને સુન્ની મુસ્લિમો આવ્યાં સામસામે

ઈરાની બસ્તીના લોકોએ પોલીસ વાહનની તોડફોડ કરી હોવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. એ સિવાય રહેવાસીઓના હુમલામાં અત્યાર સુધી અનેક પોલીસ ઘવાયા છે.

ચેન્નઈમાં પોલીસે જાફરનું ઢીમ ઢાળી દીધા પછી આ બસ્તીમાં સ્મશાનવત્ શાંતિ ફેલાયેલી છે. હજુ કોઈ છમકલું થયું નથી, પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય તે માટે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલમાં પરિસ્થિતિ કાબૂમાં હોવાનું ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો: Jammu Kashmir ના કઠુઆ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ છુપાયા હોવાની આશંકા

અધિકારીએ જણાવ્યું હતું કે જાફરના પરિવારજનોને ચેન્નઈમાં બનેલી ઘટનાની જાણ કરવામાં આવી છે. ચેન્નઈના એડીજીપી એ. એરુણે જણાવ્યું હતું કે ચેન-સ્નેચિંગ વખતે જાફર તેની બાઈકમાં પિસ્તોલ છુપાવી રાખતો હતો. મંગળવારે સવારે છથી સાત વાગ્યા દરમિયાનના એક કલાકમાં દક્ષિણ ચેન્નઈમાં ચેન-સ્નેચિંગની છ ઘટના બની હતી.

બાઈકસવાર ત્રણ આરોપીએ જ આ ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી ફૂટેજમાં જણાયું હતું. ચેન્નઈ પોલીસે બાઈકસવારોનો પીછો કરી ગણતરીના કલાકોમાં ઍરપોર્ટ પરથી જાફર અને તેના સાથી મિઝમ્મઝા ઈરાનીને પકડી પાડ્યા હતા.

પકડાયેલા બન્ને આરોપીનો ત્રીજો સાથી સલમાન હુસેન ઈરાની હૈદરાબાદ જતી ટ્રેનમાં ફરાર થયો હતો. તેને આંધ્ર પ્રદેશ નજીકથી તાબામાં લેવાયો હતો.

ફરાર થતાં પૂર્વે જાફરે તેની બાઈક તારામણિ રેલવે સ્ટેશન નજીક છોડી દીધી હતી. ચોરીની મતા હસ્તગત કરવાના ભાગ રૂપે પોલીસ જાફરને રેલવે સ્ટેશને લઈ ગઈ ત્યારે બાઈકમાંથી પિસ્તોલ કાઢી તેણે પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. પોલીસના વળતા જવાબમાં તેનું મૃત્યુ થયું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button