મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારે કામરાને ગદ્દારોનું અપમાન કરવા બદલ સમન્સ પાઠવ્યા સોલાપુરકરને મુદ્દે શાંત: ઉદ્ધવ ઠાકરે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે કોમેડિયન કુણાલ કામરાને ‘ગદ્દારો’નું અપમાન કરવા માટે સમન્સ પાઠવ્યા છે, પરંતુ હજી સુધી અભિનેતા રાહુલ સોલાપુરકર સામે છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરવા બદલ કોઈ પગલાં લીધા નથી.

તેમણે ભાજપની સૌગાત-એ-મોદી પહેલની પણ ટીકા કરી હતી. આ યોજના હેઠળ ઈદના દિવસે મુસ્લિમોને વિશેષ કિટ આપવામાં આવશે. ઉદ્ધવે આને સૌગાત-એ-સત્તા ગણાવી હતી અને એવો આરોપ લગાવ્યો હતો કે ભગવી પાર્ટી પર પાખંડ કરવાનો આરોપ લગાવ્યો હતો.

જ્યારે ગદ્દાર સામે ટિપ્પણી કરવામાં આવી ત્યારે જે સ્ટુડિયોમાં આ ટિપ્પણી કરાઈ હતી તેની તોડફોડ કરવામાં આવી અને કામરાને બે સમન્સ મોકલી આપવામાં આવ્યા. પરંતુ શિવાજી મહારાજનું અપમાન કરનારા રાહુલ સોલાપુરકરને એકેય સમન્સ મોકલવામાં આવ્યા છે? એમ ઠાકરેએ પુછ્યું હતું.

કામરા સામે પગલાં લેવાનો તમને શો અધિકાર છે? તમે કોની છબીને બચાવવા માગો છો? એવા સવાલ તેમણે ઉપસ્થિત કર્યા હતા.

ઠાકરેએ કહ્યું હતું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એવા માણસને બચાવવા માગે છે, જેનું નામ કામરાએ પોતાના શોમાં સીધું લીધુ નથી. જોકે, તેમણે કામરાએ કોનું નામ લીધું તેનો જવાબ ઉદ્ધવે આપ્યો નહોતો.

અહીં નોંધનીય છે કે શિવસેના (યુબીટી)ના મુખપત્ર સામનામાં આ અઠવાડિયાના પ્રારંભે એવો અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો હતો કે કામરા દ્વારા આ જ શોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવામાં આવી હતી તે મુદ્દે ભાજપે ચૂપકીદી સાધી લીધી છે.

ભાજપની સૌગાત-એ-મોદી પર બોલતાં તેમણે કહ્યું હતું કે ભાજપની સૌગાત-એ-સત્તા ફક્ત બિહારની ચૂંટણી સુધી જ ચાલવાની છે કે પછી કાયમ ચાલુ રહેશે? ભાજપે એવું જાહેર કરી નાખવું જોઈએ કે તેમણે હિંદુત્વ છોડી દીધું છે.

જ્યારે શિવસેનાને મુસ્લિમ મતદારોનો સારો સાથ મળ્યો ત્યારે તેમણે એવા ગંભીર આક્ષેપો કર્યા હતા કે મેં હિંદુત્વ છોડી દીધું છે. તેમણે સત્તા જેહાદ જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો, પરંતુ હવે આ જ લોકોએ પોતાની ભૂમિકા બદલી નાખી છે, એમ તેમણે કહ્યું હતું.

ભાજપની કોમી મુદ્દે ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે મુસ્લિમોને પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડે છે. તેમના ઘરો સળગાવી દેવામાં આવે છે. હિંદુઓને જ મુસ્લિમો સામે રમખાણો કરવા પ્રેરિત કરાય છે.

ભાજપે ઈસ્લામ સામે ઘણા વર્ષોથી ઝેર ઘોળ્યું છે. હવે તેઓ મુસ્લિમ સમાજ તેમને માટે મતદાન કરે એવી ઈચ્છા રાખે છે. ભાજપે સ્પષ્ટ કરવું જોઈએ કે તેઓ મુસ્લિમોને ઝેર આપવા માગે છે કે ભોજન આપવા માગે છે.

દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં સ્પષ્ટતા અને સ્થિરતાનો અભાવ હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે આટલો વિશાળ જનમત ધરાવતી સરકાર માટે આ અત્યંત અસ્વસ્થ કરનારી ક્ષણો છે. કોઈને ખબર નથી કે કોનું પદ ક્યારે છીનવાઈ જશે. નાગપુરની હિંસા પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી.

રાયગઢ કિલ્લા પરથી શ્ર્વાનના સ્મારક હટાવવાના મુદ્દે તેમણે કહ્યું હતું કે અરબી સમુદ્રમાં છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું ભૂમિપુજન થયું હતું તેનું શું થયું? શ્ર્વાનના સ્મારક અંગે ચર્ચા કરવા માટે નિષ્ણાતોની સમિતિ ગઠિત કરી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button