ગારિયાધારમાં મામો બન્યો કંસઃ ભાણેજને ગળાફાંસો આપ્યો, ન મર્યો તો હાથપગ બાંધી ભાગી છૂટ્યો

ભાવનગરઃ ગારિયાધારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. કૌટુંબિક મામાએ 6 વર્ષના ભાણેજને આઈકાર્ડની દોરીથી ફાંસો આપી કબાટમાં પુરીને દીધો હતો. થોડીવાર પછી ભાણેજને બહાર કાઢી ગળામાંથી દોરી છોડી બંને હાથ તેનાથી બાંધી દીધા બાદ ભાગી ગયો હતો. દોરી બાંધેલી હાલતમાં તે રડતો પડતો બહાર આવ્યો હતો. આ વખતે તેની માતા આવી જતાં તેણે શું થયું તેમ પૂછતાં મામાએ કરેલી ઘટના કહેતા માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
શું છે મામલો
ગારિયાધાર તાલુકાના મોરબા ગામે કૌટુંબિક મામાએ કબુતર બતાવવાનું અને ચીકું ખવડાવવાની લાલચ આપી ભાણેજને પોતાના ઘરે લઈ જઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો. મળતી વિગત પ્રમાણે, મહિલાએ તેના કૌટુંબિક ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેનો 6 વર્ષનો દિકરો ઘરે રમતો હતો તે વખતે તેમના ઘરની નજીકમાં રહેતો તેમના ફઈનો દિકરો તેમના દિકરાને કબુતર બતાવવાની અને ચીકુ ખવડાવવાની લાલચ આપી પોતાના ઘરે લઈ ગયો હતો. તેના દિકરાને મારી નાખવાના ઈરાદે તેમના દિકરાના ગળામાં પહેરેલ સ્કૂલ આઈકાર્ડની દોરી વડે ગળા ટુપો દઈ અને મોઢામાં ડુચો મારીને ઘરના કબાટમાં પુરી દીધો હતો. થોડીવાર પછી તેમના દિકરાને આંખમાં અંધારા આવતા તેને કબાટમાંથી બહાર કાઢી હાથમાં આઈકાર્ડની દોરી બાંધી ત્યાંથી નાસી છૂટયો હતો.
થોડીવારમાં બાળક રડતો રડતો બહાર આવ્યો હતો. જેથી તેને માતાએ તું કેમ રડે છે, તારા હાથ કોણે બાંધ્યા હતા તે અંગે પૂછ્યું હતું. બાળકે તેની સાથે જે કંઈ બન્યું તેનું વર્ણન કર્યું હતું. મહિલાએ આ પછી તેના પતિને જાણ કરી હતી અને બાળકને સારવાર અર્થે લઈ ગયા હતા. ગારિયાધાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો:જેતપુરમાં મિત્રએ જ મિત્રને હનીટ્રેપમાં ફસાવી 50 હજાર પડાવ્યાં, જાણો શું છે મામલો