એકસ્ટ્રા અફેરપુરુષ

એકસ્ટ્રા અફેર : ખાલી વાતોથી પાકિસ્તાન પીઓકે છોડીને ના જાય

  • ભરત ભારદ્વાજ

યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC)માં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (પીઓકે) એટલે કે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના મુદ્દે તડાફડીના કારણે પીઓકેનો મુદ્દો ફરી ગાજ્યો છે. સિક્યુરિટી કાઉન્સિલમાં યુનાઈટેડ નેશન્સ દ્વારા હાથ ધરાતા શાંતિ સ્થાપવાના પ્રયત્નો અંગેની ચર્ચા દરમિયાન જમ્મુ અને કાશ્મીર પર પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના વિશેષ સહાયક સૈયદ તારિક ફાતમીએ ભારત જમ્મુ અને કાશ્મીરમાં અત્યાચારો કરે છે અને લશ્કરના જોરે કબજો કરીને બેઠું છે એવી ટિપ્પણી કરી હતી. ફાતમીના કહેવા પ્રમાણે, જમ્મુ અને કાશ્મીરની પ્રજા ભારતથી આઝાદી ઈચ્છે છે તેથી ભારતે જમ્મુ અને કાશ્મીર ખાલી કરી દેવું જોઈએ.

ભારતના યુએન ખાતેના કાયમી રાજદૂત પી. હરીશે સણસણતો જવાબ આપીને કહ્યું કે ભારતે નહીં પણ પાકિસ્તાને કાશ્મીરનો કેટલોક હિસ્સો એટલે કે પીઓકે પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. બાકી આખું પીઓકે ભારતનો હિસ્સો છે અને પાકિસ્તાને આ વિસ્તારને ખાલી કરવો જ પડશે. પી. હરીશે પાકિસ્તાનને બરાબર આડે હાથ લઈને એમ પણ કહ્યું કે, પાકિસ્તાન વારંવાર જમ્મુ-કાશ્મીરનું નામ લઈ પોતાના અધિકારક્ષેત્રની બહાર નીકળી રહ્યું છે અને અનૈતિક રીતે વર્તી રહ્યું છે.

હરીશના કહેવા પ્રમાણે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. બલકે જમ્મુ-કાશ્મીરના જે વિસ્તારો પર પાકિસ્તાને ગેરકાયદે કબજો કર્યો છે એ વિસ્તારને પણ ખાલી કરવો જ પડશે. હરીશે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ ફેલાવે છે તેની વિગતો પણ આપીને પાકિસ્તાનને આ ધંધા બંધ કરવા કહ્યું છે. હરીશે એમ પણ કહ્યું કે, ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પણ પાકિસ્તાનની જવાબદારી છે કે તે પહેલા આતંકવાદનો અંત લાવે અને શાંતિનું વાતાવરણ સર્જે જેથી બંને દેશો વચ્ચે કોઈપણ પ્રકારની વાતચીત શક્ય બની શકે.

હરીશે બહુ બધું કહ્યું છે ને એ બધી વાતો માંડવાનો અર્થ નથી પણ આ વાતોનો સાર એટલો જ છે કે જમ્મુ અને કાશ્મીર આખેઆખું ભારતનું છે અને પાકિસ્તાનને તેના વિશે કશું પણ બોલવાનો અધિકાર નથી. હરીશની વાત સો ટકા સાચી છે. જમ્મુ અને કાશ્મીર ભારતનો હિસ્સો જ છે. રાજા હરિસિંહે 1948માં ભારત સાથે જોડાણના કરાર કર્યા સાથે જ જમ્મુ અને કાશ્મીર ભારતનો હિસ્સો જ બની ગયેલું. પાકિસ્તાને એ પછી આક્રમણ કરીને કાશ્મીરનો ત્રીજો ભાગ પચાવી પાડ્યો અને આપણા શાસકોની નબળાઈના કારણે એ વખતે અને પછી પણ આપણે પીઓકે પાછું ના મેળવી શક્યા, પણ તેના કારણે એ વિસ્તાર પાકિસ્તાનનો થઈ જતો નથી.

જમ્મુ અને કાશ્મીરનો આખો પ્રદેશ ભારતનો છે અને ભારતનો જ રહેશે. એક ઈંચ જમીન પણ બીજા કોઈની છે નહીં અને કદી થવાની નથી. પાકિસ્તાને આખેઆખું જમ્મુ અને કાશ્મીર લેવા બહુ ફાંફાં મારી જોયાં છે. ચાર વાર ભારત પર આક્રમણ કર્યું છે પણ સફળ થયું નથી. ઊલટાનું ભારતે પાકિસ્તાનનાં ઊભાં ફાડિયાં કરીને મૂકી દીધાં છે એ પાકિસ્તાન માટે `લેને ગઈ પૂત ઓર ખો આઈ ખસમ’ જેવું થયું છે. જમ્મુ અને કાશ્મીર પર કબજો કરવા માટે આક્રમણ કરનારા પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશથી હાથ ધોવા પડ્યા છે.

ઈન્દિરા ગાંધીના સમયમાં ભારતે આપેલા આંચકા પછી પાકિસ્તાને સીધી રીતે ભારત સામે જંગ ખેલવાનાં સપનાં જોવાનું છોડી દીધું અને આતંકવાદનો રસ્તો અપનાવ્યો. આતંકવાદ ફેલાવીને પાકિસ્તાન ભારતને પરેશાન કરવાનો ને બદલો લેવાનો ઠાલો સંતોષ મેળવે છે, પણ આતંકવાદના રસ્તે પણ પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર તો મેળવી શકતું નથી. ખાસિયાણું પડેલું પાકિસ્તાન છાસવારે જમ્મુ અને કાશ્મીરની પ્રજા ભારતથી અલગ થવા માગે છે એવી રેકર્ડ વગાડ્યા કરે છે, પણ જમ્મુ અને કાશ્મીરની પ્રજાએ પણ થોડા સમય પહેલાં જ વિધાનસભાની ચૂંટણીમાં હોંશે હોંશે ભાગ લઈને સાબિત કરી દીધું કે, પાકિસ્તાનના કહેવાથી જમ્મુ અને કાશ્મીરની પ્રજા ભારતવિરોધી થઈ જતી નથી. બલકે જમ્મુ અને કાશ્મીરની પ્રજા તો ભારત સાથે જ છે.

આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય; અમેરિકામાં આયાત થતી કાર પર આટલા ટકા ટેરીફ ઝીંક્યો…

પાકિસ્તાનનાં આ હવાતિયાં હાસ્યાસ્પદ છે પણ તેનામાં કોઈ સુધારો આવવાનો નથી એ જોતાં પાકિસ્તાન તક મળશે ત્યાં આ પ્રકારની વાતો કર્યા જ કરશે. જમ્મુ અને કાશ્મીરની પ્રજાના નામે જૂઠાણાં ચલાવ્યા કરશે. ભારતને તેનાથી બહુ ફરક પડતો નથી, પણ ભારતે તેનો જવાબ આપવો જ પડે. તેમાં પણ યુએએસસી જેવા મંચ પરથી પાકિસ્તાન આવાં જૂઠાણાં ચલાવે ત્યારે તો રાજદ્વારી સ્તરે જવાબ આપવો જ પડે. પી. હરીશે એ જવાબ આપીને પોતાની ફરજ બજાવી છે પણ પાકિસ્તાને પીઓકે ખાલી કરવું જ પડશે એવી તેમની વાત વાસ્તવિકતાથી બહુ દૂર છે. પાકિસ્તાનને જવાબ આપવા માટે આવી વાતો બરાબર છે પણ કહેવા માત્રથી પાકિસ્તાન પીઓકે ખાલી કરીને જતું રહેવાનું નથી એ કડવી વાસ્તવિકતા છે.

આપણી સરકારમાં બેઠેલા કે સરકાર સાથે સંકળાયેલાં લોકો લાંબા સમયથી આ પ્રકારની વાતો જ કર્યા છે. આ પહેલાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ કહેલું કે, પીઓકેમાં પ્રજાનો રોષ પાકિસ્તાન સામે ભડકી રહ્યો છે તેથી પાકિસ્તાને એક દિવસ પીઓકે છોડીને ભાગવું પડશે. એ પછી આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ એ જ વાત કરી ને હવે પી. હરીશ પણ એ જ વાત કરી રહ્યા છે. પાકિસ્તાન પીઓકે છોડીને શું કરવા જતું રહે? પીઓકેમાં પ્રજાનો પાકિસ્તાન સામેનો રોષ આજકાલનો નથી, વરસો જૂનો છે. લોકો રસ્તા પર ઊતરી આવે છે, દેખાવો કરે છે, પાકિસ્તાનના શાસકોને ગાળો પણ આપે છે, પણ તેનાથી કોઈ ફરક પડતો નથી.

આ પણ વાંચો:T-Seriesએ કુનાલ કામરાને મોકલી નોટિસ, તો કોમેડિયને આપ્યો આવો જવાબ…

આપણા શાસકો આવી વાતો કર્યા કરે છે. પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરને પાછું લેવા માટે પ્રયત્નો કરવા પડે, પણ આપણે કોઈ પ્રયત્નો જ કર્યા નથી. વાતો કર્યે ના ચાલે, પણ આક્રમણ કરવું પડે. આ વાત જવાહરલાલ નહેરુની સરકારથી માંડીને હાલની નરેન્દ્ર મોદી સરકાર સુધી બધાને લાગુ પડે છે.

પાકિસ્તાનના શાસકો વધારે શાણા કહેવાય કેમ કે તેમણે જમ્મુ અને કાશ્મીર લેવા ચાર વાર તો આક્રમણ કર્યું. આપણને તો ચાર વાર આક્રમણની જરૂર પણ નથી. એક જ હુમલો કાફી છે. ભારતીય સૈન્યની તાકાત છે કે માત્ર 24 કલાકમાં જ પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દે, મસળી નાખે. સેના રાહ જુએ છે સરકારના આદેશની.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button