મારી બા એ તારી બા તો તારી બા એ મારી બા કેમ નહીં?

કૌશિક મહેતા
ડિયર હની,
તને જે પ્રશ્ન ઘણીવાર થાય છે એ મને પણ થાય છે અને બધાને થવા જોઈએ. તેં એકવાર મને કહેલું કે, મારાં માતા- પિતાને તું તારાં માતા- પિતા માની લે છે પણ પતિ એના સાસુ ને સસરાને કેમ માતા- પિતા માનતો નથી. સંબોધનથી માંડી સંબંધ સુધીના વાતોમાં આ અંતર દેખાઈ આવે છે. આવું કેમ?
આવો પ્રશ્ન થવો વાજબી છે, કારણમાં પુષ પ્રધાન સમાજ મહત્ત્વનો મુદો છે એ ય સાવ સાચું.
તું મને પરણીને મારા ઘેર એટલે કે સાસરે આવી એ પહેલાથી જ તું સાસુને `બા’ કહેવા લાગી હતી. અને મારા પિતાને અમે બધા પપ્પા કહેતા એટલે તું પણ એમ જ કહેતી. તારા માટે આ સહજ હતું કે નહિ એ પછીની વાત છે, પણ તું એ સંબોધન કરે ત્યારે ક્યારેય એવું ના લાગતું કે તું આ પરાણે બોલે છે કે સ્વીકારે છે. તારામાં આ સહજતા ક્યાંથી આવે છે? એવો પ્રશ્ન મને અનેકવાર થયો છે.
કદાચ આવું સ્ત્રી જ કરી શકે. એ પરાયાને પોતીકા કરી બતાવે છે. અને એમાં એ દેખાડો કરતી નથી. લગ્નના કેટલાં ક વર્ષો પછી તો એવું લાગે કે, મારા કુટુંબીજનો તારા કુટુંબીજનો કરતાં વધુ નજીક છે. અને એનો કોઈ ભાર ના તો તને કે અમારા કુટુંબીજનોને લાગે છે.
આ પણ વાંચો: ડિયર હની તારો બન્નીઃ લાવ, તારા હાથ ચૂમી લઉં!
સામા પક્ષે પતિ માટે સ્થિતિ જુદી છે. એ સાસુ કે સસરાને જલદીથી મા-, બા કે મમ્મી બોલાવતો થતો નથી. એવું જ સસરા માટે બને છે. ધીરે ધીરે એ ટેવાઈ જાય છે, પણ મને ક્યારેક એવું લાગે છે કે, પતિ એના સાસુ-સસરાને મા- બાપ તરીકે બોલાવાનું ટાળતો રહે છે. શક્ય હોય ત્યાં સુધી સંબોધન કરવાનુંય ટાળે છે.
તું તારાં માતા-પિતાને કાકા ને કાકી કહીને સંબોધે એ મને ક્યારેક ઓડ લાગતું , પણ પછી હું ય ટેવાઈ ગયો. પણ જમાઈ મોટાભાગે સાસુને સાસુજી કે સાસુમા કહી બોલાવે છે. જાહેરમાં કે પછી તો સામસામે હોય ત્યારે પણ. અને આ વાત સાસુ- સસરાની સારસંભાળ સુધી પહોંચે છે. તું બા કે પપ્પાનું કોઈ કામ હોય કે પછી બીમાર પડે તો સેવા કરે જ. અને એવું તારી પાસે અપેક્ષિત હોય છે, પણ પતિનાં કિસ્સામાં એવું અપેક્ષિત રખાતું નથી. પતિ એના સાસુ- સસરાની સાર સંભાળ એની પત્ની જેમ સાસુ સસરાની લે છે એમ લેતો નથી. આ વાસ્તવિકતા છે. એનો કોઇ ઇનકાર કરી ના શકે. અને આ તફાવત આજે ય જોવા મળે છે.
એક છોકરાનાં સગપણની વાત ચાલતી હતી. જે છોકરી સાથે વાત ચાલતી હતી એના પિતા બીમાર રહેતા હતા એટલે છોકરા અને છોકરી વચ્ચે વાતચીત ચાલી તો છોકરીએ કહ્યું કે, મારા પિતાની તબિયત સારી રહેતી નથી એટલે એમની પાસે મારે જતું રહેવું પડશે. છોકરીએ સ્વાભાવિક રૂપે વાત કરી હતી અને એમાં શું ખોટું હતું? દરેક દીકરી એના મા- બાપ પ્રત્યે સંવેદનશીલ હોય એ સ્વાભાવિક છે, પણ છોકરાએ આ વાત પોતાના ઘેર જઈ કરી તો એના પર ચર્ચા થવા લાગી. એની માતાને થયું કે, આ તો મારા દીકરા પર એક વધારાની જવાબદારી આવી જાય. અને આ જ કારણે કદાચ સબંધની વાત અટકી પડી. એમાં બીજાં કારણો ય જરૂર હશે પણ એક કારણ આ પણ હતું.
અરે, કેટલાક કિસ્સામાં તો છોકરા પક્ષે એવું ય વલણ લેવાય છે કે, જે તે છોકરીને વધુ બહેનો હોય તો વ્યવહારમાં ખેંચાવું પડે ને! આ વાત વધુ પડતી છે. જો કોઈ પણ યુવતી પરણીને સાસરે આવે અને સાસરિયાની સારસંભાળની જવાબદારીની એની પાસે અપેક્ષા રાખવામાં આવે છે તો કોઈ પણ યુવાન કે જેન પરણે એ પછી એના સાસરિયાની સારસંભાળ રાખવા માટે શા માટે અપેક્ષા રાખવામાં ના આવે? આમાં અનુચિત શું છે?
આ પણ વાંચો: ફેશનઃ વિચ બટન ડુ યુ વોન્ટ…
આમ છતાં છોકરા પાસે આવી અપેક્ષા રાખવામાં આવતી નથી. મને બરાબર યાદ છે કે, તારા પિતા એટલે કે મારા સસરા બીમાર પડ્યા, હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા અને જીવલેણ બીમારી આવી તો હું રોજ એમની પાસે જતો, ડોક્ટર કે દવા,ઈત્યાદિની વ્યવસ્થા કરતો એમાં હું કેટલાક લોકો માટે ટીકાનું પાત્ર બન્યો હતો. છાને ખૂણે મારી વાતો થતી. અલબત, મને એનાથી કોઈ ફેર પડતો નથી. હું સ્પષ્ટ માનું છું કે, જેટલી જવાબદારી છોકરીની એની સાસરીયા પ્રત્યે છે એટલી જ છોકરાની એના સાસરિયા પ્રત્યે છે. અને આવી ચર્ચા શાની? આ તો સહજ અને સ્વાભાવિક વાત છે,જે દરેકે સમજી જવી જોઈએ.
તારો બન્ની