Thank you BMC: મુંબઈગરાઓએ હવે નહીં સહન કરવો પડે ક્લિન-અપ માર્શલ્સનો ત્રાસ…

મુંબઈ: મુંબઈમાં સાર્વજનિક સ્થળો પર ગંદકી ફેલાવનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ‘ક્લીન-અપ માર્શલ્સ’ની નિમણૂક વર્ષ પહેલા કરી હતી. હવે જોકે તેમની વિરુદ્ધ અનેક ફરિયાદો આવ્યા બાદ પાલિકાએ છેવટે આ સેવાને પાંચ એપ્રિલથી બંધ કરી દેવાની યોજના બનાવી હોવાનું જાણવા મળ્યું છે.
‘ક્લીન-અપ માર્શલ્સ’ની ફરી એક વખત મુંબઈમાં બંધ કરી દેવાનો લગતો પ્રસ્તાવ મુંબઈ મહાનગરપાલિકાના ઘનકચરા વિભાગ મારફત તૈયાર કરીને પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને મોકલવામાં આવ્યો છે. જોકે આ સેવા બંધ થઈ જશે તો રસ્તા પર ગંદકી ફેલાવનારા પર નજર કોણ રાખશે એવો સવાલ ઊભો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: રાજ્યમાં ઈલેક્ટ્રોનિક વેહિકલ સંપૂર્ણ ટેક્સ મુક્ત: ફડણવીસ…
પાલિકાના ૨૪ પ્રશાસકીય વોર્ડમાં ‘ક્લીન-અપ માર્શલ્સ’ નીમવામાં આવ્યા છે. તમામ વોર્ડમાં ૧૨ ખાનગી સંસ્થા મારફત ‘ક્લીન-અપ માર્શલ્સ’ પૂરા પાડવામાં આવ્યા છે. ‘ક્લીન-અપ માર્શલ્સ’ની સેવા સામે અગાઉ પણ વિવાદ થતા આ સેવા બંધ કરી દેવામાં આવી હતી, જેને એપ્રિલ, ૨૦૨૪ના પહેલા અઠવાડિયાથી ફરી ચાલુ કરવામાં આવી હતી. માર્શલ્સ દ્વારા ગંદકી ફેલાવનારા સામે ૧૦૦ રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવે છે.
જોકે દંડાત્મક કાર્યવાહીને નામે ‘ક્લીન-અપ માર્શલ્સ’ દ્વારા નાગરિકોને લૂંટવામાં આવતા હોવાની ફરિયાદ પાલિકાના ૨૪ વોર્ડમાં આવી રહી હતી. તેથી આ બાબતે મીટિંગ કર્યા બાદ છેવટે પ્રશાસને આ યોજનાને બંધ કરી દેવાનું નક્કી કર્ર્યું હોવાનું કહેવાય છે. તેનો લગતો પ્રસ્તાવ પાલિકા કમિશનરને મોકલવામાં આવ્યો છે. ‘ક્લીન-અપ માર્શલ્સ’ પૂરા પાડવા માટે ખાનગી સંસ્થા સાથેનો કૉન્ટ્રેક્ટ ચાર એપ્રિલ, ૨૦૨૫ સુધીનો જ છે. તેથી હવે તે હવે પૂરો થયા બાદ તેને આગળ વધારવામાં આવશે નહીં.
આ પણ વાંચો:10 કરોડની લોનને બહાને વેપારી પાસેથી 22 લાખ રૂપિયા પડાવ્યા…
મુંબઈમાં ગંદકી ફેલાવનારાઓને ‘ક્લીન-અપ માર્શલ્સ’ દંડતા હોય છે. પરંતુ આ માર્શલોને નીમનારી અને તેમના પર નજર નાખનારી ૧૨માંથી સાત ખાનગી સંસ્થા સામે જ કામ બરોબર ન હોવાને કારણે દંડાત્મક પગલા પાલિકાએ લીધા હતા. તેમની પાસેથી ૬૦ લાખ રૂપિયાથી વધુ દંડ વસૂલવાનો હતો, જે હજી સુધી સંંસ્થા દ્વારા ભરવામાં આવ્યો નથી. આ દરમ્યાન છેલ્લા ૧૧ મહિનામાં ‘ક્લીન-અપ માર્શલ્સ’ દ્વારા મુંબઈમાં ૧,૪૫,૦૦૦ લોકો સામે કાર્યવાહી કરીને ચાર કરોડ ૫૪ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.