અમદાવાદઆપણું ગુજરાત

કોણે કહ્યું દારૂબંધી છે?: લિકર પરમિટ મેળવવામાં અમદાવાદીઓ ગુજરાતમાં મોખરે…

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આરોગ્ય આધારિત દારૂના પરવાનાઓ આપવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં આ પરવાનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં કુલ 7,390 પરવાના મંજૂર કરવામાં આવ્યા છે. બીજી બાજુ, ગાંધીનગર જિલ્લામાં ફક્ત 950 પરવાના અપાયા છે. દારૂના પરવાનાથી રાજ્યની રોગી કલ્યાણ સમિતિને અમદાવાદમાં 12.71 કરોડ અને ગાંધીનગરમાં 86.60 લાખ રૂપિયાની આવક થઈ છે.

અમૃતજી ઠાકોરે ઉઠાવ્યો પ્રશ્ન
ગુજરાત વિધાનસભામાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે દારૂના પરવાનાની વિગતો વિશે પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેના જવાબમાં ગૃહ વિભાગે આ આંકડા રજૂ કર્યા હતા. મહત્વની બાબત એ છે કે અમદાવાદમાં 127 અરજીઓ નકારી કાઢવામાં આવી હતી, જ્યારે ગાંધીનગરમાં કરાયેલી તમામ અરજીઓ મંજૂર થઈ હતી.

આરોગ્ય કારણોસર મળે છે દારૂનો પરવાનો
ગુજરાતમાં દારૂના પરવાના માટે અરજદારોને આરોગ્ય પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે, જે દર્શાવે છે કે આરોગ્ય કારણોસર દારૂની જરૂર છે. આ પરવાનાઓ જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂર થાય છે અને તેની ફી આરકેએસમાં જમા થાય છે, જે આરોગ્ય સેવાઓ માટે વપરાય છે. પરવાના માટે અરજદારોની ઉંમર સામાન્ય રીતે 35 વર્ષથી વધુ હોવી જોઈએ અને તેમની પાસે સ્પષ્ટ આરોગ્ય સમસ્યાઓ હોવી જરૂરી છે.

આ પણ વાંચો : પ્રોપર્ટી ટેક્સ વસૂલાત મુદ્દે અમદાવાદ મનપાની લાલ આંખ, એક દિવસમાં 4,200થી વધુ મિલકત સીલ

આરકેએસ દ્વારા મળતી આવકનો મોટો હિસ્સો હોસ્પિટલોના આધુનિકીકરણ માટે વપરાય છે. જોકે, દારૂના પરવાના પ્રમાણમાં વૃદ્ધિથી સરકારની દારૂબંધીની નીતિઓની અસરકારકતા પર પ્રશ્નો ઊઠી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દર વર્ષે હજારો લોકો દારૂના પરવાના માટે અરજી કરી રહ્યા છે, ત્યારે રાજ્યમાં દારૂબંધી અને તેના અમલની અસરકારક્તા પર ચર્ચા ઉઠી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button