કોલકાતાએ રાજસ્થાનને 151/9 સુધી મર્યાદિત રાખ્યું…

ગુવાહાટીઃ આઇપીએલ (IPL 2025)માં અહીં આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના બોલર્સે સતતપણે દમદાર પર્ફોર્મ કરીને રાજસ્થાન રૉયલ્સ (RR)ની ટીમને 151/9ના સ્કોર સુધી મર્યાદિત રાખી હતી. એક પણ બૅટર 35 રન પણ નહોતો બનાવી શક્યો. ધ્રુવ જુરેલ (Dhruv Jurel)ના 33 રન ટીમમાં હાઇએસ્ટ હતા.
કોલકાતાના પાંચેય બોલરે વિકેટ લીધી હતી. નાદુરસ્ત સુનીલ નારાયણના સ્થાને રમાડવામાં આવેલા મોઇન અલીએ તેમ જ વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા અને વૈભવ અરોરાએ બે-બે વિકેટ અને મુખ્ય બોલર સ્પેન્સર જૉન્સને એક વિકેટ લીધી હતી.
ખાસ કરીને વરુણે બૉલ પર ગજબના ગ્રિપ સાથે સ્પિનના જાદુથી 23 રનમાં બે વિકેટ લીધી હતી અને વૈભવે પેસમાં ફેરફાર કરતા રહીને રાજસ્થાનના બૅટર્સને મૂંઝવી નાખ્યા હતા અને 33 રનમાં બે વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : IPL 2025: તમામ ટીમોની એક-એક મેચ બાદ કોના માથે છે ઓરેન્જ અને પર્પલ કેપ?
રાજસ્થાનની ટીમે બૅટિંગ મળ્યા બાદ નબળી શરૂઆત કરી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ ફરી મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો હતો. તેણે 24 બૉલમાં 29 રન કર્યા હતા. મુખ્ય કૅપ્ટન સંજુ સૅમસન 13 રન અને કાર્યવાહક સુકાની રિયાન પરાગ પચીસ રન બનાવીને પૅવિલિયન ભેગો થઈ ગયો હતો. નીતિશ રાણા (આઠ રન) ફરી એક વાર નિષ્ફળ ગયો અને વનિન્દુ હસરંગા (ચાર રન) પણ ટીમને મોટો ફાળો આપવામાં નિષ્ફળ ગયો હતો.